તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:અમદાવાદમાં 25 લાખની લોટરીની લાલચમાં મહિલા વકીલે 90 હજાર ગુમાવ્યા, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ફોનમાં આવેલી લિંક ખોલતાં જ 9 ટ્રાન્ઝેક્શનથી પૈસા ઊપડી ગયા
  • મુંબઈ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતાં વકીલ, પતિ સાથે 6 મહિનાથી અમદાવાદમાં રહેતાં હતાં

મુંબઈ હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા મહિલા વકીલે 25 લાખની લોટરીની લાલચમાં 90 હજાર ગુમાવવા પડ્યા છે. કોઈ અજાણ્યાએ તેમને ફોન કરી ‘કેબીસી’માં લોટરી લાગી હોવાનું કહી એક લિંક ઓપન કરાવી હતી, ત્યાર બાદ તેમના ખાતામાંથી 9 ટ્રાન્ઝેક્શનથી 90 હજાર ઊપડી ગયા હતા. આ અંગે તેમણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મુંબઈના વિલેપાર્લેમાં રહેતા અને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા ભાવિકા શ્રેયાંસ બાવીસીના પતિ આઈટી એન્જિનિયર છે અને તેમને એક પ્રોજેક્ટ અમદાવાદમાં હોવાથી છ મહિનાથી વસ્ત્રાપુરમાં રહે છે. ભાવિકા પર 21 એપ્રિલે એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, ‘હું બેંક ઓફ બરોડામાંથી આકાશ વર્મા બોલું છું. તમારો વોટ્સએપ નંબર કૌન બનેગા કરોડપતિમાં સિલેક્ટ થયો છે, તમને રૂ.25 લાખની લોટરી લાગી છે.’

આકાશ વર્માએ ભાવિકાબેનને લિંક મોકલી હતી. ત્યારબાદ ભાવિકાબેને લિંક એક્સેપ્ટ કરતા તેમનાં ખાતામાંથી 9 ટ્રાન્જેકશનથી રૂ.90 હજાર ઊપડી ગયા હતા. આથી પોતે છેતરાયાની જાણ થતાં ભાવિકાબેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કેબીસી સેટ અને ચેકના ફોટા પણ મોકલ્યા
ભાવિકાબેનનો વિશ્વાસ કેળવવા માટે આકાશ વર્માએ ભાવિકાને વોટ્સએપ પર કેબીસીના સેટના અને સેટ પર હાજર અમિતાભ બચ્ચનના ફોટા પણ મોકલ્યા હતા. એટલું જ નહીં, ભાવિકાના નામનો રૂ.25 લાખના ચેકનો ફોટો પણ મોકલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...