દીકરીને દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ આપતા સાસરિયાઓએ નવું મકાન ખરીદવા રૂ.11 લાખ માગ્યા હતા, જેથી દીકરીના પિતાએ બચતના રૂ. 5 લાખ આપ્યા, પણ પૈસા ખૂટતા પત્નીના દાગીના વેચીને રૂ. 6 લાખ ભેગા કરી રૂ. 11 લાખ આપ્યા હતા. તેમ છતાં જમાઈ સહિતના સાસરિયાં ભેગા મળીને પુત્રવધૂને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા હોવાથી તે પિયર આવી ગઈ હતી.
ચાંદલોડિયામાં શિકત સ્કૂલ પાસેના વનરાજ ફ્લેટમાં રહેતા જીનલબહેન (ઉં.33)ના લગ્ન 2011માં સેટેલાઇટના પરિશ્રમ એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશ ગોસ્વામી સાથે થયાં હતાં. લગ્ન બાદ 7 વર્ષ સુધી સાસરી પક્ષના સભ્યોએ જીનલબહેનને સારી રીતે રાખ્યા હતા. ત્યાર બાદ જીનલબહેનને સાસુ મંજુલાબહેન અને સસરા રમણિકલાલ સાથે બનતું ન હોવાથી જેઠ અલ્પેશ ગોસ્વામીએ જીનલબહેન અને ભાવેશને જુદા રહેવા મોકલી દીધાં હતાં. ત્યાર બાદ પણ સાસુ-સસરા અવારનવાર જીનલબહેનના ઘરે જઈને દહેજ માટે ત્રાસ આપતા હતા. જ્યારે નવું મકાન લેવા માટે સાસરિયાઓએ જીનલબહેનને તેમના પિતા પાસેથી 11 લાખ લઈ આવવા દબાણ કર્યું હતું.
જીનલબહેને તેમના પિતાને વાત કરતા તેમણે બચતના રૂ. 5 લાખ આપ્યા હતા તેમ છતાં પૈસા ખૂટતા જીનલના પિતાએ તેની માતાના દાગીના ગિરવે મૂકીને રૂ. 6 લાખ એમ કુલ મળીને રૂ. 11 લાખ આપ્યા હતા. આ અંગે જીનલબહેને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા અને જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.