24 કલાકમાં જ ચુકાદો:ગુજરાત હાઇકોર્ટની મંજૂરી બાદ મહિલાએ 27 વીકનો ગર્ભ કઢાવ્યો, બાળકના હાથ-પગનો વિકાસ થયો નહોતો

અમદાવાદ22 દિવસ પહેલાલેખક: અર્પિત દરજી
  • અરજદાર છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે
  • હાઇકોર્ટે લીગલ એઇડ સર્વિસ તરફથી વિનામૂલ્યે વકીલની સુવિધા પૂરી પાડી

માણસના જીવનમાં ક્યારેક એવી મુશ્કેલી આવી પડે છે કે એમાંથી બહાર નીકળવા માટે પણ કોર્ટના શરણે જવું પડે છે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક આવો જ કિસ્સો આવ્યો છે, જેમાં અરજદારની પત્નીને 27 વીક અને 3 દિવસનો ગર્ભ હતો, પરંતુ બાળકના હાથ-પગનો વિકાસ થયો નહોતો. એને પગલે મહિલાના પતિએ એબોર્શનની મંજૂરી માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

આ કેસમાં હાઈકોર્ટે હકારાત્મક અભિગમ દર્શાવતા અરજદારને સાંભળીને 24 કલાકના સમયગાળામાં ગર્ભનો નિકાલ કરવા હુકમ કર્યો હતો. એ બાદ અરજદાર પતિની પત્નીએ અમદાવાદની હોસ્પિટલમાં એ ગર્ભ પણ કઢાવી નાખ્યો છે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ ઇલેશ વોરાની ખંડપીઠે જવલ્લે જ જોવા મળતા આ કિસ્સામાં 27 વીક અને 3 દિવસનો ગર્ભનો નિકાલ કરવાની વિનતિને માન્ય રાખી હતી.

ગર્ભ કઢાવ્યા બાદ માતા એકદમ સ્વસ્થ
આ બાબતે અરજદારના વકીલ પ્રશાંત પાટડિયાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે 'બોમ્બે હાઈકોર્ટના 7 ડિસેમ્બર 2021એ આપેલા ચુકાદાના આધારે આ હુકમ કર્યો છે. બોમ્બે હાઈકોર્ટે આ જ પ્રકારના એક કિસ્સામાં અરજદારની તરફેણમાં હુકમ કરતાં નોંધ્યું હતું કે જો બાળક 'ફોકોમેલિયા' પ્રકારની બીમારી સાથે જન્મ લે, તો તેના પરિવારે માનસિક અને શારીરિક યાતનાઓમાંથી પસાર થવું પડે છે, જેથી આ કિસ્સામાં પણ હાઇકોર્ટે હોસ્પિટલના સત્તાધીશોને અરજદારની પત્નીના ગર્ભનો નિકાલ કરવા માટેની કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યા હતા, જે પ્રમાણે માતાએ ગર્ભનો નિકાલ પણ કરાવી દીધો છે અને માતાની તબિયત પણ સ્વસ્થ છે.

3-D અને 4-D સોનોગ્રાફી કરાવી ત્યારે ફોકોમેલિયાની જાણ થઈ
અરજદારની પત્ની ગર્ભવતી હતી ત્યારે રૂટિન ચેકઅપ કરાવવા ડોક્ટર પાસે જતા હતા, પરંતુ 22 વીક બાદ સોનોગ્રાફી કરાવી, જેમાં બાળકના હાથ પગનો વિકાસ થયો ન હતો. 24 વીક બાદ 3-D અને 4-D સોનોગ્રાફી પણ કરાવી, જેમાં પણ બાળકનો શારીરિક વિકાસ ન થયો હોવાનું સામે આવ્યું હતું, જેથી પરિવારે ગર્ભનો નિકાલ કરવાનો નિર્ણય લીધો હતો. અરજદાર છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે, જેથી કાયદાકીય લડત માટે સક્ષમ ન હોવાથી હાઇકોર્ટ લીગલ એઇડ સર્વિસ તરફથી વિનામૂલ્યે વકીલની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.

ફોકોમેલિયા રેર કિસ્સામાં જોવા મળે છેઃ ગાયનેકોલોજિસ્ટ આ બાબતે સિનિયર ગાયનેકોલોજિસ્ટ અને MD ડોક્ટર શીતલ પંજાબીએ જણાવ્યું હતું કે 'ફોકોમેલિયા બીમારી રેર કિસ્સામાં જોવા મળે છે. આ બીમારીમાં બાળકને ખોડ પણ રહેલી હોય છે. આ પ્રકારના કિસ્સામાં 12થી 20 વીક સુધી બે નિષ્ણાત તબીબોના અભિપ્રાય બાદ જ ગર્ભ નિકાલ કરી શકાય છે, જોકે 20 વીક બાદ કોર્ટની પરવાનગી બાદ જ ગર્ભ નિકાલ કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...