અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી 37 વર્ષીય મહિલાએ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ જાણવા મળ્યું હતું કે તેના પતિએ બીજા લગ્ન કર્યા છે અને તેને 17 વર્ષનો બાળક છે. જેને લઈ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બંને પતિ-પત્ની પોતાનું બાળક ઈચ્છતા હતા. જો કે મોટી ઉંમર હોવાથી આઈ.વી.એફ ની મદદ લીધી હતી. IVF(ઈન વીટ્રો ફર્ટિલાઈઝેશન) મારફતે એક બાળકને જન્મ આપ્યા બાદ પતિ સાથે અવાર નવાર ઝઘડાઓ થતા હોવાથી પતિએ બાળકની કસ્ટડી મેળવીને પત્નીને ઘરેથી કાઢી મૂકી હતી.
જેથી પત્ની બાળકની કસ્ટડી મેળવવા માટે સરદારનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં તેના પતિએ બાળકની કસ્ટડી આપવાની ના પાડતા પત્નીએ અભયમની મદદ માંગી હતી. અભયમની ટીમે પતિ અને પત્ની બંન્નેનું કાઉન્સેલિંગ કરીને પત્નીને તેની સાસરીમાં મોકલી સુખદ સમાધાન કરાવ્યું હતું.
પહેલી પત્નીના 17ના દીકરા બાબતે પતિ-પત્નીને ઝઘડો થતો
સરદારનગર વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઇન અભયમની ટીમને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતુ કે, મારો પતિને મને મારું સાત મહિનાનું બાળક આપતો નથી. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ ઘટના સ્થળે પહોંચી પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતુ કે, પાંચ વર્ષ પહેલા 37 વર્ષીય યુવતીએ લગ્ન કરેલા હતા. જો કે પતિના બીજા લગ્ન છે તે વાતની તેમને લગ્ન બાદ જાણકારી મળી હતી. જો કે પહેલાની પત્નીનો 17 વર્ષીય દીકરાની બાબતમાં પતિ-પત્નીને અવાર નવાર ઝઘડા થતાં હતા, જેથી પતિ અવાર નવાર મારઝુડ કરતો હતો. જો કે યુવતીને બાળક ન રહેતું હોવાથી અને બંન્નેની ઉંમર વધારે હોવાથી આઈ.વી.એફની ટ્રીટમેન્ટ દ્વારા એક દીકરાનો જન્મ થયો હતો.
અભયમની ટીમે સમાધાન કરાવ્યું
સાત મહિનાના બાળકને લઈને યુવતી સાસરીમાં ગઈ ત્યારે પતિએ તેની સાથે મારપીટ કરીને ઘરેથી કાઢી મુકીને બાળક લઈ લીધું હતું. થોડા દિવસ પહેલા પણ મહિલા પતિના ઘરે જઈને દીકરાને પોતાની સાથે રાખવાની વાત કરી ત્યારે પતિએ તેમને દીકરો આપ્યો ન હતા. જેથી મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ કરેલી હતી. જો કે બંન્ને પક્ષોને બોલાવીને વાતચીત કરી રહ્યા હતા ત્યારે પતિ બાળકની કસ્ટડી આપવાની ના પાડતો હતો. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમેને ફોન કરીને મદદ માંગી હતી. બંન્નેનું કાઉન્સલિંગ કર્યુ તથા પતિ-પત્નીના ઝઘડામાં બાળક હેરાન થાય છે આ વાત સમજાવી બહેનને પોતાના ઘરે પરત મોકલીને સુખદ સમાધાન કરાવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.