તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહસ્યમય મોત:અમદાવાદમાં GCS હોસ્પિટલમાં નોકરી કરતી મહિલા મૃત હાલતમાં મળી, ગુપ્ત ભાગ જ્વલનશીલ પ્રવાહીથી બાળ્યો હોવાનો ઘટસ્ફોટ

અમદાવાદએક મહિનો પહેલા
મૃતક મહિલાની ફાઈલ તસવીર.
  • શહેર કોટડા વિસ્તારમાં આવેલા મેમકો પાસેના મકાનમાંથી મહિલાની લાશ મળી

મેમ્કોમાં રહેતી અને જીસીએસ હોસ્પિટલમાં નોકરી કરતી મહિલાની તેના જ ઘરમાં માથામાં બોથડ પદાર્થના ફટકા મારી, ગુપ્તાંગ અને સાથળ પર કોઇ જ્વલનશીલ પ્રવાહી છાંટીને હત્યા કરવા છે. પતિ સાથે છૂટાછેડા લઈને ભાડાના મકાનમાં રહેતી આ મહિલાને ભૂરા નામના પુરુષ સાથે અનૈતિક સંબંધ હતા. અનૈતિક સંબંધમાં મહિલાની હત્યા થઇ હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ આદરી છે. મેમ્કો આંબેડકર નગરમાં રહેતા યશવંત લાલજીભાઈ સોલંકી(44) પાન-મસાલાનો ગલ્લો ચલાવે છે. યશવંતભાઈના લગ્ન 20 વર્ષ પહેલાં હસુમતીબેન(39) સાથે થયા હતાં અને તેમને બે સંતાનમાં એક દીકરો અને દીકરી છે. જો કે પતિ-પત્ની વચ્ચે મનદુ:ખ થતાં હસુમતીબેન 6 વર્ષથી પતિથી અલગ રહેવા જતા રહ્યા હતા.

હસુમતીબેન જીસીએસ હોસ્પિટલમાં સફાઈકર્મી તરીકે નોકરી કરતાં હતાં. 31 ઓગસ્ટે રાતે હસમુતીબેનના ઘરમાંથી અત્યંત દુર્ગંધ આવતી હોઇ, મકાન માલિક કનૈયાલાલ શર્માએ યશવંતભાઈના પરિવારને જાણ કરતાં તેઓએ આવીને જોયું તો લોખંડના પલંગ પર હસુમતીબેનનો મૃતદેહ પડ્યો હતો.

શહેરકોટડા પોલીસે આવીને તપાસ કરતાં હસુમતીબેનને માથામાં બોથડ પદાર્થના ફટકા મારી, ગુપ્તાંગ અને સાથળ પર જ્વલનશીલ પ્રવાહી છાંટવામાં આવ્યું હતું. જેના કારણે તેમને ફોડલા પડી ગયા હતા. આ અંગે યશવંતભાઈની ફરિયાદના આધારે શહેરકોટડા પોલીસે ખૂનનો ગુનો નોંધી હસુમતીબેનનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. યશવંતભાઈ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પત્ની હસુમતીબેનને ભૂરો ઉર્ફે મૌગલી લેઉવા નામની વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ હતા.

અનૈતિક સંબંધને કારણે હત્યા થયાની આશંકા
હસુમતીબેનની હત્યા કરનાર વિશે હાલ કોઇ ચોકકસ કડી મળી નથી. જેથી પાડોશીઓ, પરિવારના સભ્યો, હોસ્પિટલ સ્ટાફનું નિવેદન લેવાનું શરુ કર્યું છે. પરંતુ યશવંતભાઈએ ફરિયાદમાં હસુમતીબેનના અનૈતિક સંબંધ હોવાની શંકા વ્યકત કરતાં તે દિશામાં તપાસ આદરી છે. - હિતેશ ધાંધડિયા, એસીપી ડી ડિવિઝન

લોકોએ રૂમનો દરવાજો ખોલતાં પલંગ પર મહિલાની લાશ
મહિલાના રૂમમાંથી અત્યંત દુર્ગંધ આવતી હતી, જેને લીધે મકાનમાલિકે તેમના સ્વજનને જાણ કરી હતી. એ દરમિયાન લોકોએ રૂમનો દરવાજો ખોલતાં પલંગ પર મહિલાની લાશ પડી હતી. લોકોએ જોતાં મહિલાના માથામાં ઇજા હતી અને લોહી નીકળી રહ્યું હતું. જ્યારે તેના ગુપ્ત ભાગમાં જ્વલનશીલ પ્રવાહી છાંટીને પ્રાઇવેટ પાર્ટ બાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માત્ર એટલું જ નહીં, મહિલાને અન્ય ગુપ્તાંગમાં પણ જ્વલનશીલ પ્રવાહી છાંટવામાં આવ્યું હતું.

10 દિવસ પહેલાં જુહાપુરામાં મૃતક યુવકના ગુપ્તાંગમાંથી ફેવિક્વિક મળ્યું હતું
10 દિવસ પહેલાં શહેરના જુહાપુરામાં રહેતા સલમાન નામના યુવાનનું રહસ્યમ મોત થયું હતું. આ સમગ્ર પ્રકરણમાં હજી સુધી યુવકના મોતનું ચોક્કસ કારણ પોલીસને મળ્યું નથી, પણ પોલીસ હવે FSL અને અન્ય રિપોર્ટની રાહ જોઈ રહી છે. આખો કેસ જ રહસ્યમય છે. આ બનાવમાં ચોંકાવનારી બાબત તો એ હતી કે મૃતકના ગુપ્તાંગમાં ફેવિક્વિક નાખી દીધી હતી. ત્યાર બાદ યુવકને કચરા ટોપલી પાસે નાખી આવ્યા હતા. પરિવાર એકના એક દીકરાને બચાવવા હવાતિયાં મારતો રહ્યો અને તેનું મોત થયું હતું.

સલમાનને મિત્ર ગંભીર હાલતમાં ઘરે લવાયો હતો
સલમાન (ઉં.વ.29) પરિવારનો એકનો એક દીકરો હતો. તેના પર વૃદ્ધ મા-બાપ અને બે બહેનની જવાબદારી હતી તેમજ પરિવારની આર્થિક જવાબદારી પણ તેના એકલા પર જ હતી. એક દિવસ સલમાનનો મિત્ર તેને ગંભીર હાલતમાં ઘરે લાવ્યો, તેની હાલત ખરાબ હતી. શું થયું કંઈ ખબર ન હતી. મિત્રએ કહ્યું હતું કે તેણે એમ.ડી.ડ્રગ્સ લીધું છે. પરિવારને એમ હતું કે નશો ઊતરશે એટલે સાજો થઈ જશે, પરંતુ સલમાન સાજો થઈ શક્યો નહીં અને તેનું મોત થઈ ગયું.

પેશાબ ન થતાં રાતે કણસતો રહ્યો, અંતે મોત મળ્યું
આ અંગે સલમાનના પિતા ફરીદભાઈએ DivyaBhaskarને જણાવ્યું હતું કે તે મારો એકનો એક દીકરો અને પરિવારનો સહારો હતો. સલમાનના મૃત્યુ અંગે અમને શંકા છે. તેના માટે જે પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. તે દિવસે તેનો મિત્ર તેને ગંભીર પરિસ્થિતિમાં ઘરે લઈને આવ્યો અને અમને કહ્યું હતું કે આ કચરાપેટી પાસે પડ્યો હતો, તેણે એમ.ડી. ડ્રગ્સ લીધું છે. અમને એમ હતું કે નશો ઊતરશે એટલે સારું થઈ જશે, પરંતુ તે રાતે કણસતો હતો કે મને પેશાબ થતો નથી. ત્યાર બાદ અમને જાણવા મળ્યું કે તેના ગુપ્તાંગમાં ફેવિક્વિક લગાવેલી હતી. તેને સવારે ઊલટી થઈ. પહેલા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાર બાદ સોલા સિવિલમાં સારવાર માટે લઈ જવા કહેવામાં આવ્યું, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.