કોઈપણ દર્દીની સારવારમાં જો જરા પણ ચૂક થાય તો મોત સુધી પણ પહોંચી શકે છે. આ પ્રકારના અનેક કિસ્સાઓ બનતા આવ્યા છે. તાજેતરમાં કન્ઝ્યુમર કોર્ટે પણ એક આવા જ કિસ્સામાં ચુકાદો આપ્યો છે, જેમાં 14 વર્ષ 10 મહિના બાદ મધ્યપ્રદેશના અરજદારને ન્યાય મળ્યો છે. અમદાવાદની એક ખાનગી કેન્સર હોસ્પિટલમાં અરજદારનાં પત્નીને ભૂલથી અન્ય ગ્રુપનું લોહી ચડાવી દેવાથી તેનું મોત થયું હતું, જેને લઇને પતિએ કન્ઝ્યુમર કોર્ટમાં હોસ્પિટલ સામે દાવો માંડ્યો હતો. એ સંદર્ભે કન્ઝયુમર કોર્ટે અરજદારને 5 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
ખોટું બ્લડ ચઢાવવાથી કોમ્પ્લિકેશન્સ થયાં
અમદાવાદ જિલ્લા કન્ઝયુમર કોર્ટમાં જે.જે. પંડ્યા અને નયના પાટડિયાની ખંડપીઠ સમક્ષ આવેલા આ કેસમાં અરજદારનાં પત્નીને બ્રેસ્ટ કેન્સરની બીમારી હતી, જેથી તેમને અમદાવાદની એમપી શાહ કેન્સર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમની પત્નીનું બ્લડ ગ્રુપ B નેગેટિવ હોવા છતાં પણ B પોઝિટિવ બ્લડ ચઢાવી દેવામાં આવ્યું હતું. એ બાદ તેમના શરીરમાં વિવિધ પ્રકારનાં કોમ્પ્લિકેશન્સ ઊભાં થયાં હતાં અને તેમની તબિયત બગડવા લાગી અને ત્યાર બાદ તેમનું મોત થઈ ગયું.
3 હજાર ફરિયાદના ખર્ચ પેટે ચૂકવવા આદેશ
આ મામલે કન્ઝયુમર કોર્ટે હોસ્પિટલ સત્તાધીશોની બેદરકારી માનીને અરજદારને રૂપિયા 5 લાખની રકમ ખાનગી હોસ્પિટલ અને ઈન્શ્યોરન્સ કંપનીને સંયુક્ત રીતે 8 ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યો છે, સાથે સાથે રૂપિયા 3 હજાર ફરિયાદના ખર્ચ પેટે ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
એક ભૂલને કારણે અરજદારનાં પત્નીએ પીડાવું પડ્યું
આ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં અરજદારના વકીલ વર્ષલ પંચોલીએ જણાવ્યું હતું કે 'આ કિસ્સામાં કોર્ટે માન્યું કે હોસ્પિટલોમાં સારવાર લીધી તેના રિપોર્ટના આધારે બ્લડ મિસમેચને કારણે અરજદારનાં મૃતક પત્નીને વિવિધ સમસ્યાઓથી પીડાવાનો વારો આવ્યો અને બાદમાં તેમનું મૃત્યુ થયું, જે દેખીતી રીતે હોસ્પિટલની બેદરકારી સાબિત કરે છે'.
અમદાવાદ બાદ MP અને વડોદરામાં સારવાર કરાવી
મૂળ મધ્યપ્રદેશના નીમચના રહેવાસી એવા અરજદાર તેમની પત્નીની બ્રેસ્ટ કેન્સરની સારવાર કરાવવા અમદાવાદ આવ્યાં અને એમ.પી શાહ કેન્સર હોસ્પિટલમાં 2007માં દાખલ થયાં હતાં. અરજદારના દાવા પ્રમાણે વર્ષ 2006 પત્નીને કરાવેલા ટેસ્ટ પ્રમાણે તેમનું બ્લડ ગ્રુપ B નેગેટિવ હતું. જોકે એમપી શાહ હોસ્પિટલમાં તેમને B પોઝિટિવ ગ્રુપનું બ્લડ આપવામાં આવ્યું. એ બાદ તેમનાં પત્નીની તબિયત લથડી અને ઈન્ફેક્શનની અસર થઈ. ત્યાર બાદ મધ્યપ્રદેશમાં સારવાર લીધી, પણ તબિયતમાં સુધારો થયો નહીં. એ બાદ વધુ સારવાર અર્થે વડોદરાની મુનિ સેવા આશ્રમ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા. સમય જતાં શરીરમાં ઇન્ફેક્શન વધુ પ્રમાણમાં ફેલાવાથી તેમનાં પત્નીનું મૃત્યુ થયું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.