અહેમદ પટેલના અનુગામી કોણ?:ગુજરાત કોંગ્રેસનું હાઈકમાન્ડમાં પણ વર્ચસ્વ ઘટ્યું, રાજ્યનું પ્રતિનિધિત્વ કરી શકે એવો હવે કોઈ નેતા નથી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળવા દિલ્હી જાય છે પણ ધક્કો ખાઈને પરત આવે છે
  • કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં કાયમી આમંત્રિત સભ્યોમાં ગુજરાતમાંથી માત્ર એક શક્તિસિંહ ગોહિલ જ છે

દિલ્હીમાં હાલમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની મીટિંગ ચાલી રહી છે. આ મીટિંગમાં ગુજરાતમાં નેતાઓ વિહોણી કોંગ્રેસના નવા નેતાઓની ચર્ચાઓ થવાની છે. પરંતુ અહેમદ પટેલના નિધન બાદ હવે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓનું વજન પડતું બંધ થઈ ગયું છે. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકારની સાથે સાથે કોંગ્રેસના ચાણક્ય તરીકે ઓળખાતા હતાં. ગુજરાત કોંગ્રેસના તેઓ સંકટ મોચક હતાં. પરંતુ તેમના નિધન બાદ તેમના જેટલો રાજકીય કદ ધરાવતો ગુજરાતનો એક પણ નેતા દિલ્હીમાં નથી. અહેમદ પટેલના નિધન બાદ ગુજરાત કોંગ્રેસ જાણે સાવ સુની થઈ ગઈ છે.

અહેમદ પટેલના નિધન બાદ ગુજરાત કોંગ્રેસ નોધારી બની ગઈ
કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા સહિત જિલ્લાઓ અને તાલુકાઓમાં સંગઠનના ઠેકાણાં નથી. ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ વારંવાર દિલ્હીના ધક્કા ખાઈ રહ્યા છે. આ નેતાઓને રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી મળવાનો પણ સમય આપતાં ના હોવાથી તેઓ ધક્કો ખાઈને ગુજરાત પરત ફરી રહ્યા છે. ગુજરાતમાં અહેમદ પટેલના મૃત્યુ બાદ નેતા વિનાની કોંગ્રેસ થઈ ગઈ હોવાનું ખુદ કોંગ્રેસના કેટલાક નેતાઓ માની રહ્યા છે. અહેમદ પટેલના નિધન બાદ હાઈકમાન્ડમાંથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારૂ હવે કોઈ રહ્યું નથી.

અહેમદ પટેલની હયાતીમાં કોંગ્રેસમાં ગુજરાતનું વર્ચસ્વ હતું ( ફાઈલ ફોટો)
અહેમદ પટેલની હયાતીમાં કોંગ્રેસમાં ગુજરાતનું વર્ચસ્વ હતું ( ફાઈલ ફોટો)

અહેમદ પટેલનું કોંગ્રેસ હાઈકમાન્ડમાં વર્ચસ્વ હતું
અહેમદ પટેલ પક્ષમાં લોકોના જો કોઇ મતભેદ હોય તો એ દૂર કરવા માટે ટ્રબલશૂટરની જેમ કામ કરતા. તેમની પર દરેક વ્યક્તિને ખૂબ વિશ્વાસ રહેતો. નાની વસ્તુનું ધ્યાન રાખે, ઇવેન્ટ મેનેજમેન્ટ ખૂબ સારું, ચૂંટણીઓનું વ્યવસ્થાપન ખૂબ સારું રહેતું. તેઓ હંમેશાં બેકડોર કામ કરીને પાર્ટીની ચિંતા કરતા. પાર્ટીના કોઇપણ કામ કે કાર્યક્રમ માટે લોકોની, લોજિસ્ટિકની વ્યવસ્થા કરવી, ફંડ લાવવું વગેરે તેઓ કામ કરતા અને ક્યારેક પ્રશંસા ન મળે તોપણ ક્યારેય તેઓ તેની પરવા ન કરતા. તેઓ એક એવો ખભો હતા કે જ્યાં માથું મૂકીને આખા દેશના અને ખાસ તો ગુજરાતના કોંગ્રેસના નેતાઓ રોઇ શકતા અને ત્યાં જ તેમને સમાધાન પણ મળતું. અહેમદભાઇ દિલ્હીમાં રહીને આખો દેશ જોતા.

ગુજરાત કોંગ્રેસની હવે શું પરિસ્થતિ છે?
ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દુર છે. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તે સમયે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓને મંત્રી તરીકે સ્થાન હતું. પરંતુ કેન્દ્રમાંથી યુપીએની સરકાર ગયા બાદ ગુજરાતનો એક પણ નેતા દિલ્હીમાં પોતાનું વર્ચસ્વ સ્થાપી શક્યો નથી. હાલમાં કોંગ્રેસમાં રાજ્યના 50થી વધુ ડેલિગેટ્સ છે. જેમાં અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, તુષાર ચોધરી, મધુસુદન મિસ્ત્રી, સાગર રાયકા, દિપક બાબરિયા, પરેશ ધાનાણી અને શક્તિસિંહ ગોહિલ જેવા નેતાઓ છે. પરંતુ આ તમામ નેતાઓમાંથી એક પણ નેતાનું હાઈકમાન્ડમાં ક્યાંય કશુ ઉપજતું નહીં હોવાનું ખુદ કોંગ્રેસના સુત્રો જ જણાવી રહ્યાં છે. હાલમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીના કાયમી આમંત્રિત સભ્યમાં માત્ર એક શક્તિસિંહ ગોહિલ જ છે. જેઓ ગુજરાતની વાત રજુ કરી શકે છે. અહેમદ પટેલના નિધન બાદ ગુજરાતની બાબતો રજુ કરવા વાળું હવે કોઈ રહ્યું નથી.

હવે દિલ્હીમાં માત્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર એક શક્તિસિંહ ગોહિલ જ છે ( ફાઈલ ફોટો)
હવે દિલ્હીમાં માત્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર એક શક્તિસિંહ ગોહિલ જ છે ( ફાઈલ ફોટો)

1984માં અહેમદ પટેલ કોંગ્રેસની પ્રથમ પંક્તિમાં આવ્યા
અહેમદ પટેલનું કદ માત્ર એટલા માટે નથી કે તેઓ ત્રણ વખત લોકસભામાં કોંગ્રેસના સાંસદ રહ્યા અને પાંચ વખત કોંગ્રેસ તરફથી રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. તેમને આ કદ ગાંધી પરિવાર સાથેની નજીકતાથી પ્રાપ્ત થયું છે.1977માં જ્યારે હારના ઘાનો સામનો કરી રહેલાં ઈન્દિરા ગાંધીને અહેમદ પટેલ અને તેમના સાથી સનત મહેતાએ પોતાના ચૂંટણીક્ષેત્ર ભરૂચમાં બોલાવ્યાં. અહેમદ પટેલ કોંગ્રેસની પ્રથમ પંક્તિમાં 1980 અને 1984ની વચ્ચે આવ્યા, જ્યારે ઈન્દિરા ગાંધી પછી જવાબદારી સંભાળવા માટે પુત્ર રાજીવ ગાંધીને તૈયાર કરવામાં આવી રહ્યા હતા.ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી 1984માં લોકસભાની 400 સીટની બહુમતી સાથે સત્તામાં આવ્યા હતા અને અહમદ પટેલને કોંગ્રેસ સાંસદ સિવાય પાર્ટીના સંયુક્ત સેક્રેટરી બનાવવામાં આવ્યા. તેના થોડા સમય પછી જ તેમને સંસદીય સચિવ અને પછી કોંગ્રેસ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા.

કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં પ્રમુખ સોનિયા ગાંધી સહિત 20 સભ્યો છે
કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં પ્રમુખ સોનિયા ગાંધી સહિત 20 સભ્યો છે. જેમાં, કાયમી આમંત્રિતોની સંખ્યા 24 છે, જ્યારે વિશેષ આમંત્રિતોની સંખ્યા 9 છે. કાર્યકારી સમિતિના સભ્યોમાં સોનિયા ગાંધી, ડો. મનમોહન સિંહ, રાહુલ ગાંધી, એકે એન્ટોની, અજય માકન, અંબિકા સોની, આનંદ શર્મા, ગાયખિંગમ, ગુલામ નબી આઝાદ, હરીશ રાવત, ભંવર જીતેન્દ્ર સિંહ, કે.સી વેણુગોપાલનો સમાવેશ થાય છે, મલિકાર્જુન ખડગે, ઓમેન ચાંડી, પ્રિયંકા ગાંધી, પી ચિદમ્બરમ, રણદીપ સિંહ સુરજેવાલા, રઘુવીર સિંહ મીના અને તારિક અનવર સામેલ છે. આ યાદીમાં કાયમી આમંત્રિતમાં ગુજરાતમાંથી માત્ર શક્તિસિંહ ગોહિલનું જ નામ છે.