ફરિયાદ:લગ્નના મહિનામાં જ પતિ સસરા પાસેથી 4 લાખ લઈ આવી અમેરિકા જતો રહ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ન્યૂ રાણીપની યુવતીની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
  • અમેરિકા પહોંચી 6 મહિનામાં ડિવોર્સનાં પેપર મોકલી દીધાં
  • ​​​​​​​હનીમૂનમાં પણ ટિકિટ વિના ફરવા લઈ ગયો હોવાનો આક્ષેપ

ન્યૂ રાણીપમાં રહેતી યુવતીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા અને નણંદ સામે દહેજ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, જે અનુસાર અમેરિકામાં રહેતો પટેલ પરિવારનો યુવક લગ્ન કરીને એક મહિનામાં જ અમેરિકા પાછા જવા માટે સસરા પાસેથી દહેજના 4 લાખ અને પત્નીના દાગીના લઈને અમેરિકા જતો રહ્યો હતો. પતિ અમેરિકા પલાયન થઈ ગયા બાદ નણંદે પણ પિયરમાંથી 1 કરોડ લઈ આવવા માગણી કરી હતી.

પરિણીત યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, જુલાઈમાં અમેરિકા ગયેલા પતિએ અમેરિકાથી 6 મહિનામાં જ પત્નીને છૂટાછેડાના પેપર્સ સહી કરવા માટે મોકલી આપ્યા હતા. પત્નીએ તેનું સ્ત્રીધન અને 4 લાખ પાછાં માગતાં તે આપવા પણ પતિએ ઇનકાર કર્યો હતો.

વર્ષ 2021માં ન્યૂ રાણીપમાં રહેતી યુવતીના લગ્ન મૂળ મહેસાણાના હાલ અમેરિકામાં રહેતા યુવક સાથે થયાં હતાં, લગ્નના બીજા દિવસથી જ પતિ પત્નીને તેના પિતા પાસેથી 4 લાખ લઈ આવવા દબાણ કરતા, પત્નીએ ઇનકાર કરતાં તે જાતે સસરા પાસેથી પૈસા માગી લાવ્યો હતો. લગ્ન બાદ બંને હનીમૂન માટે ફરવા ગયાં હતાં જ્યાં તેના પતિએ ટ્રેનની ટિકિટ લીધા વગર પ્રવાસ કરાવતા, પતિની આ હરકતથી પત્નીએ નારાજગી દર્શાવી હતી.

લગ્નના મહિના બાદ તેનો પતિ અમેરિકા જતો રહ્યો હતો. જ્યારે ગત 26 માર્ચે તેણે અમેરિકાથી પત્નીને છૂટાછેડાના પેપર્સ મોકલી તેમાં સહી કરવાનું કહેતા પતિની આ હરકતથી હતપ્રભ પત્નીએ સ્ત્રીધન અને 4 લાખ પાછા માગતા સાસરિયાંએ તેનો ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં અંતે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...