AAPનો મુખ્યમંત્રીને પત્ર:'ગુજરાતની ખાનગી સ્કૂલોમાં ફી વધારો પાછો ખેંચી ડોનેશનપ્રથા બંધ કરો, FRCમાં વાલીઓનો પણ સમાવેશ કરો'

અમદાવાદએક મહિનો પહેલા
  • ગુજરાતમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે અને સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે: ગોપાલ ઈટાલિયા
  • માગણીઓ પર સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો 'આપ' વિવિધ કાર્યક્રમોથી વિરોધ કરશે

ગુજરાતમાં આમ આદમી પાર્ટી(AAP) દ્વારા સતત શિક્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે AAPના પ્રદેશ-પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે સરકારી શાળા મુદ્દે મજબૂત લડત આપીને સરકારને કામ કરવું પડે એ માટે દબાણ ઊભું કર્યું છે. ભાજપના નેતાઓએ શિક્ષણનો વેપાર બનાવી દીધો છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓની સ્કૂલો બને એના માટે સરકારી સ્કૂલો ખાડે ગઈ છે. ગુજરાતમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે અને સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે. બેફામ ફી લઈ વાલીઓને લૂંટવામાં આવે છે.

'દિલ્હીની સ્કૂલોમાં 7 વર્ષથી ફી નથી વધી'
તેમણે આગળ કહ્યું હતું કે દિલ્હી અને પંજાબમાં ખાનગી શાળાઓની ફી વધારવા પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હીમાં 7 વર્ષથી ખાનગી સ્કૂલોમાં ફી નથી વધી. પંજાબમાં પણ AAPની સરકાર બની ત્યારથી ખાનગી સ્કૂલોને ફી વધારા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સરકાર ઈચ્છે તો વાલીઓને લૂંટતા બચાવી શકે છે. ગુજરાતની લાચાર જનતા વતી આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને કેટલીક માગણીઓને લઈ પત્ર લખ્યો છે.

શું છે આમ આદમી પાર્ટીની માગણી?

  1. પ્રાઈવેટ સ્કૂલોમાં ફી વધારો પાછો ખેંચવામાં આવે.
  2. ડોનેશનપ્રથા બંધ કરવામાં આવે, ડોનેશન માગનાર પર કાર્યવાહી કરવામાં આવે.
  3. યુનિફોર્મ, પુસ્તકો, નોટબુક, બૂટ-મોજા વગેરે કોઈ ચોક્કસ દુકાનેથી જ ખરીદવા બાબતે પ્રાઇવેટ સ્કૂલોની મનમાની બંધ કરવામાં આવે.
  4. પ્રાઈવેટ સ્કૂલના શિક્ષકો અને અન્ય સ્ટાફનું શોષણ બંધ કરવામાં આવે.
  5. FRC કમિટીમાં વાલીઓનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે.
AAPનો મુખ્યમંત્રીને પત્ર
AAPનો મુખ્યમંત્રીને પત્ર

સરકાર માગ પર યોગ્ય નિર્ણય નહીં લે તો રાજ્યભરમાં કાર્યક્રમો કરાશે
ગુજરાતની જનતાની આશા, અપેક્ષા અને વિશ્વાસનું નેતૃત્વ કરતા પક્ષ તરીકે જનતા વતી આમ આદમી પાર્ટી ઉપરોક્ત માગણીઓ કરે છે. અમારી ઉપરોક્ત માગણીઓ સંદર્ભે યોગ્ય નિર્ણય લેવામાં નહિ આવે તો આગામી દિવસોમાં લોકશાહી ઢબે શાંતિપૂર્વક જિલ્લા-ઝોન વાઈઝ કાર્યક્રમો નક્કી કરી રાખ્યા છે એ કરીશું અને સરકારના બહેરા કાનમાં આ મુદ્દા પહોંચાડવાનો પ્રયાસ કરીશું.

'નામ બદલવાથી વિકાસ ન થાય'
આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાએ હાર્દિક પટેલ અને સ્થળોનાં નામ બદલવા મુદ્દે કહ્યું હતું કે 'જે ભાજપવાળા હાર્દિકને ગાળો આપતા હતા તેને હવે આમંત્રણ આપે છે. તમે ભાજપને પૂછો. નામ બદલવાની રાજનીતિ ભાજપને કોઠે પડી ગઈ છે. નામ બદલવાથી વિકાસ ન થાય. માલધારી સમાજની માગણીઓ વાજબી છે અને પહેલા જ દિવસથી આમ આદમી પાર્ટી માલધારી સમાજ સાથે જ છે.'

અન્ય સમાચારો પણ છે...