આપમાં આંતરિક વિખવાદ?:ગુજરાતના AAPના નવા સંગઠનમાં ઈશુદાન ગઢવી અને મહેશ સવાણીની બાદબાકી, ઈટાલિયા રહેશે કે જશે?

અમદાવાદ2 મહિનો પહેલા
આપના નેતા મહેશ સવાણી અને ઈશુદાન ગઢવી
  • ભવિષ્યમાં ઈશુદાન અને સવાણીને પાર્ટી કોઈ વિશેષ જવાબદારી સોંપી શકે છે

ગુજરાતમાં 2022ની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોર્પોરેશનની જેમ વિધાનસભામાં પણ જીત મેળવવા માટે પાર્ટી અલગ-અલગ રણનીતિઓ ઘડી રહી છે. ત્યારે ગઈકાલે આપએ મિશન 2022 અંતર્ગત સંગઠનનું માળખું તૈયાર કર્યું છે. જોકે ત્યારબાદથી પાર્ટીના નેતાઓમાં મદભેદ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. નવા સંગઠનમાં ઈશુદાન ગઢવી તેમજ મહેશ સવાણીની બાદબાકીથી અનેક સવાલો ઉભા થયા છે. બીજીતરફ એવી પણ ચર્ચા છે કે, આ બંને નેતાઓ ગુજરાતના આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની આગેવાનીમાં કામ કરવા નથી માંગતા. ત્યારે એવી પણ ચર્ચા છે કે ભવિષ્યમાં આ બંને નેતાઓને પાર્ટી કોઈ વિશેષ જવાબદારી સોંપી શકે છે.

ગોપાલ ઈટાલિયાની ફાઈલ તસવીર
ગોપાલ ઈટાલિયાની ફાઈલ તસવીર

AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ પદેથી ઈટાલીયા હટશે?
સુરતમાં કોંગ્રેસને ટક્કર આપી વિજય થયા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં વધુ એક્ટિવ થઈ રહી છે. ત્યારે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વધુ તાકાત લગાવી જીત મેળવવા માટે બુથ લેવલની કામગીરી કરવા માટે તૈયારી ચાલી રહી છે. ઈશુદાન ગઢવીએ પત્રકારત્વ છોડીને આપમાં જોડાયા છે. જ્યારે સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપની ટોપી પહેરી છે. જોકે ગઈકાલે આપએ જાહેર કરેલા નવા સંગઠનના માળખામાં લોક ગાયક કલાકાર વિજય સુંવાળા સહિત ત્રણ પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામા આવ્યા છે. સાગર રબારીને પ્રદેશ મહામંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે. જો કે, આપના નેતા ઈશુદાન ગઢવી અને મહેશ સવાણીને સંગઠનમાં કોઈ હોદ્દો આપવામાં આવ્યો નથી. સાથે એવી પણ ચર્ચા છે કે, 2022ની ચૂંટણી પહેલા ગોપાલ ઈટાલિયાને ગુજરાત AAPના પ્રદેશ પ્રમુખના પદેથી હટાવીને કોઈ સિનિયર નેતાને સ્થાન આપી શકે છે.

આપના પદાધિકારી સંમેલનમાં પાર્ટી કાર્યકર્તા જોડાયા
આપના પદાધિકારી સંમેલનમાં પાર્ટી કાર્યકર્તા જોડાયા

વિધાનસભાની ચૂંટણીમાં તાકાત લગાવી બુથ લેવલની કામગીરીની તૈયારી
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના મેમ્બર છે અને ગુજરાતમાં હાલમાં તેઓને જવાબદારી નથી સોંપાઇ. તેઓને ભવિષ્યમાં ગુજરાતની વિશેષ જવાબદારી સોંપવામાં આવશે. તે રીતે મહેશ સવાણીને પણ પ્રદેશમાં પાર્ટીના નેતાની જવાબદારી સોંપાશે. આજે પ્રદેશથી લઈ નગર સુધીના નેતાઓની મળેલી બેઠકમાં પ્રદેશના નેતાઓ દિલ્લીમાં અરવિંદ કેજરીવાલજીની મુલાકાત કરી આવ્યા બાદ ત્યાં થયેલી ચર્ચા વિશે વાતચીત થઈ હતી. 22 ટકા જનતાએ પરિવર્તનની રાજનીતિ એટલે કે આમ આદમી પાર્ટીને વોટ આપ્યો છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં વધુ તાકાત લગાવી જીત મેળવવા માટે બુથ લેવલની કામગીરી કરવા માટે તૈયારી કરવા જણાવ્યું હતું.

નરોડાના મેવાડા પાર્ટી પ્લોટ ખાતે આપનું પદાધિકારી સંમેલન
નરોડાના મેવાડા પાર્ટી પ્લોટ ખાતે આપનું પદાધિકારી સંમેલન

નરોડામાં આપ પદાધિકારીઓનું સંમેલન યોજાયું
ગઈકાલે અમદાવાદના નરોડા વિસ્તારમાં મેવાડા પાર્ટી પ્લોટ ખાતે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓનું સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ, જિલ્લા, તાલુકા, મહાનગર અને નગરના તમામ નેતાઓ હાજર રહ્યાં હતાં. આજના સંમેલનમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી ઠરાવ કરવામાં આવ્યો હતો. ગુજરાતની જનતાના સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગારી, ખેતી, વીજળી, આદિવાસી અને દલિત લોકોના પ્રશ્નો મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરશે. જો યોગ્ય રીતે રજૂઆતને ધ્યાનમાં લઈ કામગીરી નહિ થાય તો તબક્કાવાર જનઆંદોલન કરવામાં આવશે તેમ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...