તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રિની મંજૂરી મળશે?:અમદાવાદમાં જન્માષ્ટમી અને ગણોશોત્સવની મંજૂરી મળતાં ખેલૈયાઓએ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી, ગરબા ક્લાસીસમાં વેઇટિંગ શરૂ થયું

અમદાવાદએક મહિનો પહેલા
ગરબા ક્લાસીસ ધમધમ્યા.
  • એક વર્ષ ખાલી ગયું હોવાથી આ વર્ષે ગરબાને મંજૂરી મળે એવી આશા
  • આ વર્ષે ખેલૈયાઓ સરકારના તમામ નિયમો સાથે ગરબા રમવા તૈયાર

માર્ચ 2020થી કોરોના શરૂ થતાં તહેવારો પર ગ્રહણ લાગી ગયું હતું. આ મહામારી દરમિયાન જન્માષ્ટમી સહિત ગુજરાતનો સૌથી વધુ લોકપ્રિય તહેવાર- નવરાત્રિ પણ યોજાઈ શકી નહોતી. સરકારે કોરોનાને કારણે ગરબા પર ગત વર્ષે પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે આ વર્ષે કેસ ઓછા થતાં સરકાર દ્વારા જન્માષ્ટમી અને ગણેશોત્સવ માટે પરવાનગી આપવામાં આવી છે, જેથી હવે ગરબાના ખેલૈયાઓને નવરાત્રિને લઈને આશા જાગી છે અને તેમણે ગરબાની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં ગરબા ક્લાસીસમાં ગરબા શીખવા અને પ્રેક્ટિસ કરવા માટે પણ વેઈટિંગ છે.

ગરબાના ક્લાસીસમાં ખેલૈયાઓએ પ્રેક્ટિસ શરૂ કરી.
ગરબાના ક્લાસીસમાં ખેલૈયાઓએ પ્રેક્ટિસ શરૂ કરી.

અમદાવાદના અનેક વિસ્તારોમાં ગરબા ક્લાસ શરૂ થયા
શહેરના બાપુનગર,નિકોલ, શાહીબાગ, બોડકદેવ, રાણીપ સહિતના અનેક વિસ્તારોમાં ગરબા ક્લાસ શરૂ થયા છે. નવરાત્રિની પરવાનગીની આશા સાથે અનેક ખેલૈયાઓએ ગરબા માટે પ્રેક્ટિસ શરૂ કરી છે. તો કેટલાકે ગરબા શીખવા માટે ક્લાસીસમાં નામ નોંધાવ્યું છે. શહેરમાં નિકોલ, બાપુનગર અને શાહીબાગમાં સહિયર ગ્રુપના 800 જેટલા સભ્યો છે. 28 વર્ષથી ગરબા રમતા ગ્રુપના સંચાલક અને સભ્યોએ પણ ઉત્સાહપૂર્વક આ વર્ષે તૈયારી શરૂ કરી છે. અલગ અલગ 60 સ્ટેપ પર ગરબા શીખવા અને પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું છે.

નવરાત્રિની મંજૂરી મળવાની આશાએ ગરબારસિકોએ પ્રેક્ટિસ શરૂ કરી
નવરાત્રિની મંજૂરી મળવાની આશાએ ગરબારસિકોએ પ્રેક્ટિસ શરૂ કરી

સરકારી કોવિડ નિયમો સાથે ગરબા રમીશું
સહિયર ગ્રુપના સંચાલક દીપુ તિવારીએ જણાવ્યું હતું કે અમારા ગ્રુપને 28 વર્ષ પૂરાં થયાં છે. અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ક્લાસ ચાલે છે. અમારા 800થી 900 સભ્યો છે. અમને જન્માષ્ટમી અને ગણેશોત્સવની પરવાનગી મળતાં નવરાત્રિ માટે આશા જાગી છે, માટે સરકારની ગાઈડલાઇન્સની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે અમે 60 નવા સ્ટેપ પર ગરબા રમવાના છીએ, જેના માટે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે. પરવાનગી આપવામાં આવશે તો નિયમોના પાલન સાથે ગરબા રમીશું.

ક્લાસીસમાં ગરબા શીખવા અને પ્રેક્ટિસ કરવા માટે વેઈટિંગ શરૂ થયું.
ક્લાસીસમાં ગરબા શીખવા અને પ્રેક્ટિસ કરવા માટે વેઈટિંગ શરૂ થયું.

ખેલૈયાઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી
જાન્સી પરીખ નામની સભ્યએ જણાવ્યું હતું કે હું ગ્રુપ સાથે 7 વર્ષથી જોડાયેલી છું. દર વર્ષે અમારી તૈયારી ખૂબ સારી જ હોય છે. ગયા વર્ષે કોરોનાને કારણે અમારી તૈયારી થઈ શકી નહોતી અને ગરબા પણ થઈ શક્યા નહોતા, જેથી આ વર્ષે થોડી વધુ આશા છે કે સરકાર પરવાનગી આપશે, જેથી અમે પ્રેક્ટિસ શરૂ કરી છે. નિયમો જે આપવામાં આવે એના પાલન સાથે અને ગરબા રમવા તૈયાર છીએ. ચાર્મી નામની સભ્યએ જણાવ્યું હતું કે હું મારવાડી કોમ્યુનિટીથી છું છતાં મને ગરબા રમવાનું ગમે છે. હું છેલ્લાં 5 વર્ષથી ગરબા રમું છું. હવે આશા છે કે નવરાત્રિની પરવાનગી પણ આપવામાં આવે છે.

પાયલ, જાન્સી અને ચાર્મીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી.
પાયલ, જાન્સી અને ચાર્મીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી.

ખેલૈયાઓએ સરકારને મંજૂરી આપવા વિનંતી કરી
ગ્રુપની સભ્ય પાયલે જણાવ્યું હતું કે આ વર્ષે અમને ગરબા રમવા મળશે એવી આશા છે. સરકારને વિનંતી કરીએ છીએ કે અમને પરવાનગી આપવામાં આવે, શેરી ગરબાની પણ પરવાનગી આપવામાં આવે. અમે અત્યારસુધી 30-32 સ્ટેપની પ્રેક્ટિસ કરી છે. એ તમામ સ્ટેપ ગ્રાઉન્ડમાં જઈને અમે કરીએ. જે નિયમ રાખવામાં આવશે એના પાલન સાથે ગરબા રમીશું. ધારા નામની સભ્યએ જણાવ્યું હતું કે અમે 5 વર્ષથી ગ્રુપમાં ગરબા રમીએ છીએ. આ વર્ષ માટે અમે પુરજોશમાં અત્યારથી તૈયારી શરૂ કરી છે. આ વર્ષે આશા છે કે સરકારે જન્માષ્ટમી અને ગણેશોત્સવની જેમ નવરાત્રિની પરવાનગી આપશે.