ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 81 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. હજી રાજ્યમાં 19 ટકા વરસાદની ઘટ છે, પરંતુ 17 તાલુકા એવા છે, જ્યાં 50 ટકા કરતાં પણ ઓછો વરસાદ થયો છે. જો આ વિસ્તારમાં હવે સીઝનના અંતમાં વરસાદ નહીં થાય તો પાણીની સમસ્યા સર્જાઈ શકે છે અને ખેડૂતોએ કરેલા વાવેતરને પણ મોટું નુકસાન થઈ શકે છે. રાજ્યમાં સતત વરસાદને કારણે બે સ્ટેટ હાઈવે સહિત 47 રસ્તા હજી પણ બંધ છે. રાજ્યમાં હજી આગામી 28 સપ્ટેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં 81 તાલુકાઓમાં મેઘમહેર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં સૌથી વધુ વરસાદ સુરત, દ્વારકા, નવસારી, કચ્છ અને ગાંધીનગર જિલ્લામાં થયો છે. પલસાણા, કલ્યાણપુર અને દ્વારકામાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સીઝનનો અત્યારસુધીમાં 27 ઈંચ સાથે 81.91 ટકા વરસાદ થયો છે, જ્યારે ચોમાસાની સીઝન પૂરી થવામાં હોવાથી હજી રાજ્યનાં 17 તાલુકામાં 50 ટકાથી ઓછો વરસાદ થયો છે.
ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ
ઝોન | ઈંચ | ટકા |
ઉત્તર ગુજરાત | 18.42 | 65.28 |
દક્ષિણ ગુજરાત | 47.32 | 82.21 |
મધ્ય ગુજરાત | 23.3 | 73.4 |
કચ્છ | 15.23 | 87.56 |
સૌરાષ્ટ્ર | 25.51 | 92.45 |
ગુજરાત | 27.08 | 81.91 |
રાજ્યમાં 19 ટકા વરસાદની ઘટ છે
અમદાવાદમાં 1 જૂનથી અત્યારસુધીમાં કુલ 655.7 મિમી વરસાદની સામે 375.4 મિમી જ વરસાદ પડ્યો હોવાથી હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં 40 ટકા ઓછો વરસાદ પડ્યો છે. બીજી તરફ, 1 જૂનથી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં 658.1 મિમીની સામે 534.6 મિમી વરસાદ પડતાં રાજ્યમાં અત્યારસુધીમાં 81 ટકા વરસાદ થયો છે, જ્યારે 19 ટકા વરસાદની ઘટ છે.
આ વિસ્તારમાં રસ્તા બંધ હાલતમાં
સપ્ટેમ્બરમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી માર્ગને નુકસાન થયું છે, જેમાં રાજકોટ અને જૂનાગઢના બે સ્ટેટ હાઈવે હજુ બંધ હાલતમાં છે. પંચાયત હસ્તકના 44 માર્ગોમાં વડોદરા જિલ્લાના 11, નવસારીના 08, રાજકોટના 06, સુરતના 05, ભાવનગર, વલસાડ અને જામનગર જિલ્લાના ત્રણ- ત્રણ જ્યારે દાહોદ, છોટા ઉદેપુર સહિતના જિલ્લામાં પણ એક- એક માર્ગ બંધ છે.
છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં મેઘમહેર
તાલુકો | વરસાદ( મિમી) |
પલસાણા | 119 |
કલ્યાણપુર | 101 |
દ્વારકા | 84 |
સુરત શહેર | 84 |
ચિખલી | 60 |
બારડોલી | 59 |
ઓલપાડ | 53 |
કલોલ | 33 |
અબડાસા | 29 |
નખત્રણા | 27 |
નાંદોદ | 24 |
ખેરગામ | 24 |
ઝગડિયા | 23 |
ટંકારા | 20 |
જલાલપોર | 18 |
રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-79 જળાશય
સરદાર સરોવર નર્મદા નિગમ લિ. દ્વારા જણાવાયું હતું કે સરદાર સરોવર જળાશયમાં હાલ 186731 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના 55.89% છે. સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતું કે રાજ્યનાં 206 જળાશયમાં 418556 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 75.09% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-79 જળાશય, એલર્ટ ૫ર કુલ- 12 જળાશય તેમજ વોર્નિંગ ૫ર-13 જળાશય છે.
ચાલુ વર્ષે અંદાજિત 83.84 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર
કૃષિ વિભાગ દ્વારા જણાવાયું છે કે ચાલુ વર્ષે અંદાજિત 83.84 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 20 સપ્ટેમ્બર સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 85.83 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 98.01% વાવેતર થયું છે. રાહત કમિશનર અને અધિક સચિવ, મહેસૂલ વિભાગના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની ઓનલાઈન બેઠક બે દિવસ પહેલાં સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતેથી યોજાઈ હતી, જેમાં આ માહિતી આપવામાં આવી હતી.
50 ટકા કરતાં ઓછો વરસાદ ધરવાતા તાલુકા
તાલુકો | વરસાદ (ટકામાં) |
સમી | 47.75 |
ખેરાલુ | 45.12 |
ભિલોડા | 45.13 |
માલપુર | 44.94 |
બાલાસિનોર | 44.74 |
સીંગવડ | 49.38 |
વિરમગામ | 46.84 |
ગલતેશ્વર | 41.14 |
ઠાસરા | 37.33 |
સાવલી | 47.4 |
લખતર | 46.43 |
સોનગઢ | 48.54 |
ઉચ્છલ | 47.79 |
સુબીર | 43.68 |
લાખાણી | 39 |
ઉપલેટા | 39 |
નિઝર | 49 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.