ભાજપ અને આપ કાર્યકરો વચ્ચે બબાલ:સુરતમાં AAPની સભા બાદ બબાલ, ભાજપ કાર્યાલય ખાતે પથ્થરમારો; પોલીસ અને BSFની ટુકડી ખડકી દેવાઈ

અમદાવાદ9 દિવસ પહેલા

સુરતમાં ભાજપ અને આપના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. આપ આદમી પાર્ટી દ્વારા સુરતના કિરણ ચોક ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. AAPની સભા પૂર્ણ થયા બાદ ભાજપ કાર્યાલય પર બબાલ થઈ હતી. આ દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો થતા ભાજપનો એક કાર્યકર ઘાયલ થયો હતો. જોકે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને BSFની ટુકડી સ્થળ પર પહોંચી ગઈ હતી અને મામલો શાંત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ સમગ્ર મામલો કાબુમાં લેવામાં આવ્યો છે.

બાપુનગરના AIMIMના ઉમેદવારનો કોંગ્રેસને ટેકો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો પણ જાહેર થઈ ગયા છે, ત્યારે ઝંઝાવાત પ્રચાર પણ જોવા મળી રહ્યો છે.ગુજરાતમાં ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હવે માત્ર ફોર્મ પાછું ખેંચવા માટેના પ્રયાસો શરૂ થયાં છે. અમદાવાદની બાપુનગર બેઠક પર AIMIMના ઉમેદવાર શાહનવાઝ પઠાણે કોંગ્રેસના હિંમતસિંહ પટેલને ટેકો આપવા ફોર્મ પાછુ ખેંચ્યું છે. શાહનવાઝ ખાન પઠાણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મુસ્તાક ખાન પઠાણનો ભત્રીજો છે તેમજ કોંગ્રેસના મહેઝબિન પઠાણનો પણ સંબંધી થાય છે. શાહનવાઝ ખાન સસ્તા અનાજની દુકાન ધરાવે છે.

અશોક ગેહલોત બે દિવસ ગુજરાતના પ્રવાસે
રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના નિરીક્ષક અશોક ગેહલોત બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે રાત્રે 8.30 વાગે તેઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. અમદાવાદમાં તેઓ રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ 20 નવેમ્બરે અશોક ગેહલોત સુરત જવાના છે. જ્યાં તેઓ રાહુલ ગાંધીના સભા સ્થળની મુલાકાત લેશે. ત્યારબાદ 21 નવેમ્બરે તેઓ રાહુલ ગાંધી સાથે રાજકોટની સભામાં ઉપસ્થિત રહેશે. જોકે, આ બે દિવસ દરમિયાન અશોક ગેહલોત પણ સભાઓ ગજવશે.

નાના ચિલોડામાં અલ્પેશ ઠાકોરનો વિરોધ
ભાજપના સ્ટારપ્રચારકો લોકોની વચ્ચે જઈ રહ્યા છે.ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોરને ટીકિટ આપી છે. ત્યારે શરૂઆતથી જ વિરોધનો સામનો કરી રહેલા અલ્પેશ ઠાકર આજે નાના ચિલોડામાં તેમના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતાં. આ દરમિયાન નાના ચિલોડાના સ્થાનિક લોકોએ અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો હતો. ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ બેનર લગાવાયા છે. ગાંધીનગર દક્ષિણ બેઠક વિસ્તારમાં આ બેનર લાગ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, અમારી દક્ષિણની બેઠકમાં તમારી કોઇ જરૂર નથી. તમારા માટે રાધનપુર બરાબર છે.

કાર્યાલયના ઉદ્ઘાટન સમયે જ અલ્પેશ ઠાકોરનો વિરોધ થયો
કાર્યાલયના ઉદ્ઘાટન સમયે જ અલ્પેશ ઠાકોરનો વિરોધ થયો

મહુવામાં ઉમેદવાર ચાલુ સભાએ સુઈ ગયા
ભાવનગરના મહુવામાં ભાજપના ઉમેદવાર શિવાભાઈ ગોહિલનો વીડિયો વાઇરલ થયો છે. મહુઆમાં એક કાર્યક્રમમાં ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે ભાજપના આ નેતાજી ઝોકું ખાઈ રહ્યા હતા. કાર્યક્રમમાં તેમનું નામ લેતાં જ તેમની નિદ્રા તૂટી હતી.આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા.

વડોદરા: 8 સોસાયટીના રહીશોએ મતદાનના બહિષ્કારના બેનર્સ લગાવ્યા
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી 8 સોસાયટીઓના રહીશોએ મતદાનના બહિષ્કારના બેનર્સ લગાવ્યા છે. જેમાં કારેલીબાગ પાણીની ટાંકીથી લઈને હાથીખાના રોડ પર ભરાતા શાક માર્કેટનો વિરોધ કરવામાં આવ્યો છે. શાક માર્કેટ અને લારી-ગલ્લાના દબાણને કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. અનેક વખત તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને સોસાયટીઓ બહાર મતદાનના બહિષ્કારના બેનર્સ લગાવ્યા છે. લોકોએ જણાવ્યું હતું કે, અમે મત આપવા માંગીએ છીએ, પણ અમારું કોઈ સાંભળતું નથી, તો અમે શા માટે મત આપીએ? રોડ પર શાક માર્કેટ ભરાતુ હોવાથી ટ્રાફિકજામ થાય છે અને સોસાયટીમાં લોકો વાહન પાર્ક કરે છે. આ શાક માર્કેટ હટાવવાની અમારી માંગ છે.

ચૂંટણી પહેલાં જ અશ્વિન કોટવાલે રોફ બતાવ્યો
ખેડબ્રહ્મા બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા છે અને ભાજપે તેમને ખેડબ્રહ્માની ટિકિટ પણ આપી દીધી છે. તેઓ વિજયનગર તાલુકામાં જોરાવરનગર ગામે પ્રચાર દરમિયાન સ્થાનિકના પ્રજાલક્ષી કે વિકાસનાં કોઈ કામો ગામમાં કેમ થયાં નથી એવો પ્રશ્ન પૂછતાં કોટવાલ અકળાયા હતા. પ્રશ્ન પૂછનાર મતદારને કોટવાલે કહ્યું હતું, હું તેમને જવાબ આપવા બંધાયેલો નથી. વોટ આપવો હોય તો આપો, નહીં તો કંઈ નહીં.

ભાજપના ખેડબ્રહ્માના ઉમેદવાર અશ્વિન કોટવાલ.
ભાજપના ખેડબ્રહ્માના ઉમેદવાર અશ્વિન કોટવાલ.

ભાજપની નવી રણનીતિ, નવા પ્રભારી મૂક્યા
ચૂંટણીમાં જીત હાંસલ કરવા ભાજપે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ભાજપે ગુજરાતની 182 બેઠક પર પ્રભારીઓને મૂક્યા છે, જેથી મતદાન બૂથનો દરેક મેસેજ પેજ સમિતિના પ્રમુખ સુધી પહોંચશે. પેજ સમિતિના પ્રમુખ સુધીની કામગીરીનું સીધું જ મોનિટરિંગ કરાશે. તદુપરાંત વોર્ડથી માંડીને બૂથ સુધીની કામગીરીનું સતત નિરીક્ષણ કરાશે. પ્રદેશકક્ષાથી લઇને બુથકક્ષાના કાર્યકરો વચ્ચે સેતુરૂપ ભૂમિકા બંધાશે તેમજ ભવિષ્યમાં શક્તિ કેન્દ્રના માળખાને પણ વધારે મજબૂત બનાવાશે.

અમિત શાહે ભાજપ સંગઠનને મજબૂત કરવા પ્રયાસ કર્યા.
અમિત શાહે ભાજપ સંગઠનને મજબૂત કરવા પ્રયાસ કર્યા.

મુખ્યમંત્રી અમદાવાદમાં કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપના નેતાઓ વિવિધ જગ્યાએ પ્રચારમાં મેદાને ઊતર્યા છે. ત્યારે આજે રાત્રે મુખ્યમંત્રી અમદાવાદની ત્રણ વિધાનસભા બેઠક પર મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લઈને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. ચૂંટણીને લઈને મુખ્યમંત્રી કાર્યકર્તાઓ તેમજ ઉમેદવારો સાથે વાતચીત કરી તેમને માર્ગદર્શન આપશે. મુખ્યમંત્રી સાંજે સાત વાગ્યે વટવા વિધાનસભા, રાત્રે 8 વાગ્યે નિકોલ વિધાનસભા અને રાત્રે 9 વાગ્યે સાબરમતી વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલય પર મુખ્યમંત્રી પહોંચશે.

સૌરાષ્ટ્રની બેઠકો અંકે કરવા જે.પી. નડ્ડાએ અડધી રાત્રે રણનીતિ ઘડી
વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે 11 દિવસ જ બાકી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના રાષ્ટ્રીયથી લઈ સ્થાનિક દિગ્ગજ નેતાઓ પ્રચારમાં ઊતર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગઈકાલથી રાજકોટમાં પ્રચાર કરી રહ્યા છે. ગઈકાલે સભા બાદ સૌરાષ્ટ્રના કમલમમાં તેઓએ અડધી રાત્રે બેઠક યોજી હતી, જેમાં સૌરાષ્ટ્રના સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા તેમજ પૂર્વ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં મીડિયાને નો-એન્ટ્રી હતી, પરંતુ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ, જે.પી. નડ્ડાએ સૌરાષ્ટ્રની બેઠકો કઈ રીતે અંકે કરવી એ માટેની રણનીતિ ઘડી હતી તેમજ આંતરિક જૂથવાદને લઈ થયેલા ડેમેજનો રિપોર્ટ પણ માગ્યો હતો. રાજકોટની ચારેય બેઠકમાં ચૂંટણીને લઈ નેતાઓ સાથે મહામંથન કર્યું હતું.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ રાજકોટની ચારેય બેઠકમાં ચૂંટણીને લઈ નેતાઓ સાથે મહામંથન કર્યું.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ રાજકોટની ચારેય બેઠકમાં ચૂંટણીને લઈ નેતાઓ સાથે મહામંથન કર્યું.

PM મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતમાં
PM મોદી આજથી 21 નવેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસમાં PM મોદી 8 જેટલી જનસભાને સંબોધન કરશે. આજે દક્ષિણ ગુજરાતના વાપીમાં PM મોદી રોડ શો કરશે. વલસાડમાં પણ PM મોદી આજે જંગી જનસભાને સંબોધિત કરશે. 20 નવેમ્બરે PM મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણીપ્રચાર કરશે તેમજ 20 નવેમ્બરે PM મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પણ જનસભા સંબોધશે તેમજ 21 નવેમ્બરે PM મોદીની સુરેન્દ્રનગરમાં જનસભા આયોજન કરાયું છે તો 21 નવેમ્બરે PM મોદી નવસારી અને જંબુસરમાં પણ જનસભાને સંબોધશે.

મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતમાં.
મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતમાં.

ધારાસભ્ય પુત્રવધૂએ સસરા પર નિશાન સાધ્યું
ચૂંટણીપ્રચાર દરમિયાન કાલોલનાં MLA સુમનબેન ચૌહાણે તેમના જ સસરા અને પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નામ લીધા વિના નિશાન તાક્યું હતું. પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણને બીજેપીની ટિકિટ ન મળતાં કોંગ્રેસ પક્ષ તરફથી કાલોલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સુમનબેન ચૌહાણ કાલોલ વિધાનસભા બેઠકના બીજેપીના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણના ચૂંટણીપ્રચારમાં જોડાયાં છે. BJP છોડવાને લઈ પ્રભાત સિહ ચૌહાણનો વ્યક્તિગત નિર્ણય હોવાનું સુમનબેન ચૌહાણે થોડા સમય પહેલાં જ પ્રતિક્રિયા આપી હતી.

પ્રભાતસિંહ ચૌહાણ અને સુમનબેન ચૌહાણ.
પ્રભાતસિંહ ચૌહાણ અને સુમનબેન ચૌહાણ.

રાજકોટમાં AAPના 200થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
ગુજરાતમાં પોતાની જમીન મજબૂત કરવા મેદાનમાં ઊતરેલી આમ આદમી પાર્ટીને વિધાનસભા ચૂંટણી પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. રાજકોટ ગ્રામ્ય બેઠક પર આમ આદમી પાર્ટીને ફટકો લાગ્યો છે. કોટડા સાંગાણી ખાતે આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ઉતારી કોંગ્રેસનો કેસ કર્યો ધારણ કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર અને અર્જુન ખાટરિયાના હસ્તે આ બધા લોકોએ ખેસ પહેર્યો હતો.

રાજકોટમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ.
રાજકોટમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ.

દહેગામ બાદ હાલોલ બેઠકની ટિકિટ વેચાઈ હોવાનો આક્ષેપ
કોંગ્રેસમાં કામિનીબા બાદ વધુ એક નેતાએ પાર્ટીમાં ટિકિટ વેચાતી હોવાના સનસનીખેજ આરોપ લગાવ્યા છે. હાલોલ વિધાનસભા બેઠક પર ગુરુરાજ ચૌહાણે ટિકિટ માટે દાવેદારી કરી હતી. જોકે તેમની જગ્યાએ કોંગ્રેસ પાર્ટીએ અનીસ બારિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જેથી નારાજ થયેલા ગુરુરાજ ચૌહાણે કોંગ્રેસ પાર્ટી પર 2થી 9 કરોડ રૂપિયામાં ટિકિટ સેટલમેન્ટના આરોપ લગાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...