અલ્પેશ ભટ્ટ
જ્યારે કોઇ મિલકતનો માલિક મ્યુનિ.ને પ્રોપર્ટી ટેક્સ ન ચૂકવે ત્યારે તેને સીલ કરી તે બાદ પણ જો પ્રોપર્ટી ટેક્સ ન ચૂકવે તો હરાજી કરીને પણ તે મિલકતમાંથી મ્યુનિ. ટેક્સની રકમ વસૂલી શકે છે. ત્યારે ચીનુભાઇ સેન્ટરમાં આવેલી ઓફિસને સીલ કર્યા બાદ તેની હરાજી કરી હતી. પરંતુ કોઈએ બોલી લગાવી ન હતી. જેથી મ્યુનિ. આ મિલકત માત્ર રૂ. 1માં પોતાના નામે તબદીલ કરી દીધી હતી. જેના બે વર્ષ પછી મૂળ માલિક મ્યુનિ. પાસેથી ઓફિસ પાછી લેવા આવ્યો હતો.
જો કે, મ્યુનિ.ને આ ઓફિસનો રૂ.60 લાખથી વધુ ટેક્સ વસૂલવાનો બાકી હતો. જે અંગે માલિકને માહિતીગાર કરાતા માલિકે રૂ.60 લાખ ટેક્સ અને 1 લાખ વહીવટી ચાર્જ ચૂકવી દેતાં મ્યુનિ. તેમને ઓફિસ સોંપી હતી. હરાજી થઈ ગયા પછી પણ મૂળ માલિકને મિલકત પાછી અપાઈ હોવાની મ્યુનિ.ના ઈતિહાસની આ પ્રથમ ઘટના હોવાનું અધિકારીઓનું કહેવું છે.
ઉલ્લેખનીય છે કે, 2019માં મ્યુનિ.એ ટેક્સ વસૂલાત માટે ઝુંબેશ ચલાવી હતી. જેમાં આ ઓફિસનો ટેક્સ ભરવા માલિકને નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં માલિકે ટેક્સ ભર્યો ન હતો. જેથી વ્યાજ અને પેનલટી સાથે આ રકમ 1 કરોડ જેટલી થઈ હતી. જો કે, મ્યુનિ. દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલી વ્યાજ માફીની ઝુંબેશનો ઓફિસ માલિકે લાભ લેતાં 60 લાખ ટેક્સ ભર્યો હતો.
ટેક્સ બાકી હોવાની વાતથી વેપારી અજાણ
કોલકાતાથી અમદાવાદ આવેલા વેપારીએ મ્યુનિ.ની ઓફિસમાં જઈને અધિકારીઓને કહ્યું કે, મારી ઓફિસનો આટલો બધો ટેક્સ બાકી છે તેની મને જાણ ન હતી. હવે મને જાણ થતાં હું ટેક્સની જે પણ બાકી રકમ છે તે ભરપાઈ કરવા તૈયાર છું.
એક વર્ષમાં 6656 મિલકત સીલ કરાઈ
ઝોન | મિલકત |
મધ્ય | 827 |
ઉત્તર | 552 |
દક્ષિણ | 851 |
પૂર્વ | 1320 |
પશ્ચિમ | 805 |
ઉ.પશ્ચિમ | 1076 |
દ.પશ્ચિમ | 1225 |
કુલ | 6656 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.