જળાશયો ઓવરફ્લો:ગુજરાતમાં 55 ડેમ હાઈએલર્ટ પર, નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં 130.86 મીટરે પહોંચી

અમદાવાદ13 દિવસ પહેલા
  • સૌરાષ્ટ્રના 13, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 7 ડેમ છલોછલ

આ વખતે ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ થયો છે. હજી વરસાદની સિઝનના બે મહિના બાકી છે ત્યારે રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઈ માટેની તકલીફો દૂર થઈ છે. બીજી તરફ આજથી વરસાદ વિરામ લેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. હવે વરસાદ ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં શરૂ થશે. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં 70 ટકા વરસાદ વરસી ગયો છે. બીજી તરફ નર્મદા ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી છે.

207 ડેમોમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ
ગુજરાતમાં વરસાદને પગલે 206માંથી 34 ડેમ ઓવરફ્લો થયા છે, 100 ટકા ડેમ છલોછલ થયા હોય તેમાં સૌરાષ્ટ્રના 13, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 7 અને મધ્ય ગુજરાતના એક ડેમનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં હજુ પાણીની ખાસ આવક થઈ નથી, ત્યાંના 15 ડેમોમાં 24.38 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર સહિત ગુજરાતના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

ગુજરાતમાં કુલ 55 ડેમો ઉપર હાઈએલર્ટ પર
નર્મદા વિભાગના બુધવારના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં કુલ 55 ડેમો ઉપર હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ આપવામાં આવી છે, 78 પૈકી 55 ડેમ હાઈએલર્ટ ઉપર છે, જ્યાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે, 6 ડેમો એલર્ટ ઉપર છે, જ્યાં 80થી 90 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો છે આ ઉપરાંત 17 ડેમો વોર્નિંગ ઉપર છે, જ્યાં 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતમાં વરસાદ પહેલાં ડેમોમાં પાણીનો વાપરવા લાયક જથ્થો માંડ 22 ટકા આસપાસ જ રહ્યો હતો, જોકે હવે 65.54% ટકા જેટલો પાણીનો જીવંત સંગ્રહ થયો છે.

નર્મદા ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી ગઈ
સરદાર સરોવર ડેમમાં 74.19 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 44.29 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 71.81 ટકા, કચ્છના 20 ડેમમાં 70.39 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 55.29 ટકા એમ રાજ્યના 207 ડેમમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી ગઈ છે.

નર્મદા ડેમમાં નવા નીરની આવક
નર્મદા બંધના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મધ્યપ્રદેશના ઈન્દિરાસાગર અને તવા ડેમના તમામ દરવાજા ખોલાયા હોવાથી ત્યાંનું પાણી નર્મદા ડેમમાં આવતાં જળસપાટીમાં વધારો થયો છે. હજુ પણ ચોમાસાના બે મહિના બાકી છે ત્યારે નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટીએ ખૂબ વહેલો ભરાઈ જશે અને ગુજરાતના માથેથી પાણીનું સંક્ટ નહીં રહે તે નિશ્ચિત બન્યું છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 118 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 118 તાલુકામાં વરસાદ વરસ્યો છે,જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે.જ્યારે વલસાડના કપરાડામાં 2 ઈંચ,ધંધુકામાં 1.5 ઈંચ,બોટાદના રાણપુરમાં 1.5 ઈંચ,નર્મદાના નાંદોદમાં 1.5 ઈંચ,બનાસકાંઠાના ધાનેરામાં 1 ઈંચ,અમદાવાદ શહેરમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે.