તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈતિહાસમાં પહેલીવાર કેન્દ્રમાં ગુજરાતના 7 મંત્રી:મેરિટના આધારે માંડવિયા-રુપાલાનું પ્રમોશન, 2022ની ચૂંટણીના રાજકીય સમીકરણો, જ્ઞાતિ-ઝોન પ્રમાણે મંત્રીપદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ ગુજરાતમાંથી દર્શનાબેન, મધ્યમાંથી દેવુસિંહ, સૌરાષ્ટ્રમાંથી ડો. મહેન્દ્ર મુંજપરાને મોદી કેબિનેટમાં સ્થાન
  • ઉત્તર ગુજરાતના ગાંધીનગરમાંથી શાહ, સૌરાષ્ટ્રમાંથી પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયાને મંત્રી તરીકે ચાલુ રખાયા

ગુજરાતથી દિેલ્હી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની બીજી ટર્મના મંત્રીમંડળ વિસ્તરણમાં ગુજરાતના ચારેય ઝોનને મંત્રીપદ મળ્યું છે. ગુજરાતની તમામ 26 સંસદની બેઠકો પર ભાજપનો વિજય થયો છે, ત્યારે ગુજરાતના 26માંથી 4 સાંસદો અને રાજ્યસભાના 3 સભ્યોને મંત્રીપદની ભેટ મળી છે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી કી પોસ્ટ, એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રી પદ અમિત શાહને આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાંથી પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને ડો. મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ રૂપાલા અને માંડવિયાને મેરિટના આધારે પ્રમોટ કરીને કેબિનેટ મંત્રી બનાવ્યા છે.

જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી મહિલા સાંસદ દર્શનાબેન જરદોશ, તથા મધ્ય ગુજરાતમાંથી દેવુસિંહ ચૌહાણને કેન્દ્રીય મંત્રીપદની ગિફ્ટ મળી છે. ગુજરાતની આગામી 2022ની ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવાયેલા મંત્રીઓનું જ્ઞાતિ સમીકરણ પણ જોવા આવ્યું છે. જેમાં બે પાટીદાર તથા ત્રણ ઓબીસીને સ્થાન મળ્યું છે.

2022ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્રીય મંત્રીમંડળમાં 3નો સમાવેશ
નરેન્દ્ર મોદી મંત્રીમંડળમાં અગાઉ ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા એસ. જયશંકરની સાથે ગાંધીનગરના સાંસદ અમિત શાહને નંબર 2નું સ્થાન એટલે કે ગૃહમંત્રી પદ આપવામાં આવ્યું હતું. જ્યારે પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાને રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્રીય મંત્રીમંડળમાં વધુ 3નો સમાવેશ કરવામાં આવ્યો છે.

મંત્રીમંડળમાં ગુજરાતના સાંસદોને સમાવવા પાછળના રાજકીય સમીકરણો જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સુરતમાં ભાજપને ટક્કર આપવા આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થવાથી ભાજપ માટે કપરા ચઢાણ બની જતા કેન્દ્રીય મંત્રીમંડળમાં સુરતના સાંસદને સ્થાન આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે મધ્ય ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાંથી કોંગ્રેસનો સફાયો કરવા માટે દેવુસિંહ ચૌહાણને મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા છે.

PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ફાઈલ તસવીર
PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ફાઈલ તસવીર

ઉત્તર ગુજરાતમાં 'ચાણક્ય' અમિત શાહનો દબદબો
ગુજરાતમાં ભાજપ માટે સૌરાષ્ટ્રની બેઠકો ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે અને આ બેઠકોમાં ભાજપને વિરોધ પક્ષ સામે ટક્કર આપવી પડતી હોય છે. જેથી આગામી ચૂંટણીમાં ભાજપ સૌરાષ્ટ્રમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સંપૂર્ણ સફાયો કરી શકે તે માટે સૌરાષ્ટ્રમાંથી પણ પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા સાથે સુરેન્દ્રનગરના કોળી આગેવાન અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાને મંત્રી બનાવવામાં આવ્યા છે.

જેથી સૌરાષ્ટ્રમાં કોળી મતોથી ભાજપને વધુમાં વધુ ફાયદો થઈ શકે. જોકે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠામાંથી એકપણ સાંસદને મંત્રીપદ આપવામાં આવ્યું નથી, પરંતુ ગાંધીનગરના સાંસદ અને ભાજપના ચાણક્ય એવા અમિત શાહનો દબદબો સમગ્ર ઉત્તર ગુજરાતમાં રહી શકે તે માટે અન્ય સાંસદને મંત્રી બનાવવાને બદલે ઉત્તર ગુજરાત માટે માત્ર એક જ અમિત શાહને મંત્રીપદ આપવામાં આવ્યું છે.

PM મોદી સાથે ડો. મહેન્દ્ર મુંજપરા અને તેમનો પરિવાર
PM મોદી સાથે ડો. મહેન્દ્ર મુંજપરા અને તેમનો પરિવાર

કોણ છે ડો. મહેન્દ્ર મુંજપરા?
ડો. મહેન્દ્ર મુંજપરા સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાંથી 2019માં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયા હતા. તેઓ એમડી(મેડિસિન) છે અને મેડિકલ ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં લેક્ચર આપે છે. પોતાના પ્રોફેશન ઉપરાંત તેઓ ચુવાળિયા કોળી યુવા સમાજના પ્રમુખ છે અને શ્રી સમસ્ત ચુવાળિયા ઠાકોર કોળી વેલનાથ પ્રગતિ મંડળના ટ્રસ્ટી પણ છે. તેઓ શહેરના અને આસપાસના ગામડાંઓમાં એક સેવાભાવી ડોક્ટર તરીકે ઓળખાય છે.

તેઓ જનસેવા નામની હોસ્પિટલ ચલાવે છે અને તેમણે અત્યાર સુધીમાં અંદાજે 8 લાખ કરતા વધારે દર્દીઓની સારવાર કરાઈ છે. ડો. મહેન્દ્ર મુંજપરાનો 1968માં સુરેન્દ્રનગરના વઢવાણમાં જન્મ થયો છે, તેઓ ચુવાળિયા કોળી ઠાકોર સમાજમાંથી આવે છે. તેમણે અમદાવાદ સ્થિત એનએચએલ મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેમજ અમદાવાદમાં પીએચએસ સાબરમતી, એલજી હોસ્પિટલ, વીએસ હોસ્પિટલમાંથી તેમજ સુરેન્દ્રનગરની સીયુ શાહ સેન્ટરમાં ઇન્ટર્નશિપ કરેલી છે. તેમના પત્ની પણ BAMS આયુર્વેદિક ડોક્ટર છે અને તેમના બન્ને સંતાનો દિકરો અને દિકરી પણ મેડિકલનો અભ્યાસ કરે છે.

સ્મૃતિ ઈરાની સાથે દર્શનાબેન જરદોશની ફાઈલ તસવીર
સ્મૃતિ ઈરાની સાથે દર્શનાબેન જરદોશની ફાઈલ તસવીર

કોણ છે દર્શનાબેન જરદોશ?
ફોટોગ્રાફરથી પોતાના કરિયરની શરૂઆત કરનારા અને મોદીના નવા મંત્રી મંડળમાં સ્થાન મેળવનારા દર્શનાબેન 3 ટર્મથી સાંસદ છે. સંસદની અલગ અલગ સમિતીઓમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે. પરિવારમાંથી કોઈ જે ક્ષેત્રમાં ન હોય તે ક્ષેત્રમાં જળહળતી સફળતા પ્રાપ્ત કરીને ટકાવી તલવારની ધાર પર ચાલવા જેવું કામ છે. તેમાં પણ રાજકારણ જેવા સતત થતાં આરોપો અને આક્ષેપોની વચ્ચે અણીશુદ્ધ રહેવું એક મહિલા માટે ભારે કપરું ગણાય છે. સુરતના ત્રણ ટર્મથી સાંસદ રહેલા દર્શના જરદોષને મોદીના નવા મંત્રીમંડળમાં મિનિસ્ટર બનાવાયા છે. તેઓ દક્ષિણ ગુજરાતના પ્રથમ મહિલા સાંસદ છે.

પાટીદાર આંદોલન વખતે તેઓએ ભારે વિરોધ વચ્ચે પણ પાર્ટી માટે પ્રચાર પ્રસાર કર્યો હતો. દર્શના જરદોશ સંસદના સભ્ય તરીકે 2009 ચૂંટણી દરમિયાન લોકસભાની સુરત બેઠક પરથી ફરી ચૂંટાયા હતા. તેમણે ઐતિહાસિક જીત મેળવી હતી. પોતાના કોંગ્રેસ પ્રતિસ્પર્ધી કરતાં 5,33,190 વધુ મતથી જીત મેળવી હતી, જે ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં ઈન્દિરા ગાંધી પછી કોઇપણ મહિલા સાંસદ દ્વારા મેળવાયેલી લીડથી સૌથી વધુ લીડ મેળવી હતી. 2014ની ચૂંટણી દરમિયાન ચોથા ક્રમની સૌથી વધુ લીડ તેમણે મેળવી હતી. તેમણે 75.79 ટકા મત સાથે જીત મેળવી હતી, જે ચૂંટણી 2014 માટેનો એક વિક્રમ છે.

સાંસદ દેવુસિંહ ચૌહાણની ફાઈલ તસવીર
સાંસદ દેવુસિંહ ચૌહાણની ફાઈલ તસવીર

કોણ છે દેવુસિંહ ચૌહાણ?
ગુજરાત ભાજપના સીનિયર સાંસદ દેવુસિંહ ચૌહાણ 2007થી મે 2014 સુધી બે ટર્મમાં ધારાસભ્ય રહ્યા છે. તેઓ 2014થી 2019 દરમિયાન ગુજરાતમાંથી 16મી લોકસભાના સાંસદ રહ્યા હતા અને 2019માં 17મી લોકસભા ફરી ચૂંટાઈને અત્યારે સાંસદ છે. દેવુસિંહ જેસિંગભાઈ ચૌહાણનો જન્મ 29 ઓક્ટોબર 1964ના રોજ નવાગામ ખેડામાં થયો હતો. તેમણે પોરબંદરમાં સ્થિત સરકારી પોલિટેકનિક કોલેજથી ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં કોર્ષ કર્યો છે. તેમણે ઓલ ઈન્ડિયા રેડિયોમાં એન્જિનિયર રહી ચૂક્યા છે.