તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોક્ટર બાદ હવે નર્સ આંદોલનના માર્ગે:પોતાની માંગણીઓને લઈને રાજ્યભરના નર્સો નર્સિંગ-ડે પર કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે, પ્રતિક હડતાલ પર જવાની આપી ચીમકી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નર્સોની માગણી ખાલી પડેલી 4000 જગ્યા તાત્કાલિક ભરીને હાલની અછત દૂર કરાય.
  • માસિક પગાર 35000 ચૂકવાય અને છેલ્લા 1 વર્ષથી ન મળેલી રજાઓનું વળતર ચૂકવવામાં આવે.
  • 12થી 17 મે સુધી નર્સો હાથમાં કાળી પટ્ટી બાંધી પોતાનો વિરોધ વ્યક્ત કરશે.

રાજ્યમાં ડોકટરની હડતાળ હજી માંડ માંડ સમેટાઈ છે ત્યારે હવે નર્સ પોતાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરી રહી છે. 12મી મેના રોજ વર્લ્ડ નસિંગ-ડેના દિવસે તમામ નર્સ હવે કાળી પટ્ટી પહેરીને વિરોધ દર્શાવશે. ત્યાર બાદ હડતાળ પર જવા તૈયારી કરી દીધી છે. નર્સિંગ સ્ટાફ હવે પોતાની માગણીઓને લઈને આંદોલન કરવાના મુડમાં આવી ગયા છે. નર્સ દ્વારા લખયેલા પત્રમાં જણાવ્યા પ્રમાણે તેઓ સતત કોરોનાનાં સમયમાં દિવસ રાત નોકરી કરે છે. તેઓ અનેક વખત સંક્રમિત થયા છે.તેના લીધે કેટલીક નર્સે પણ પોતાનો જીવ ગુમાવી દીધા છે.ત્યારે તેમની સાથે સતત અન્યાય થઈ રહ્યો છે. જેને તાત્કાલિક ન્યાય મળે અને તેમની માંગ સંતોષવામાં આવે નહીં તો સ્ટાફ હળતાલ પર ઉતરશે અને એક દિવસની પ્રતીક હડતાળ પર જશે.

નર્સીસ સ્ટાફે સરકાર સામે બાંયો ચડાવી
યુનાઈટેડ નર્સીસ ફોરમના રાજ્યભરના દરેક જિલ્લાના પ્રતિનિધિઓની એક સંયુક્ત બેઠક આજે અમદાવાદમાં મળી હતી. છેલ્લા એક વર્ષથી પોતાની અને પરિવારની ચિંતા કર્યા વિના તણાવ પૂર્ણ વાતાવરણમાં કામ કરતા નર્સ સંક્રમણનો ભોગ બની રહ્યા છે અને ઘણા નર્સીસ શહીદ પણ થયા. જોકે રાજ્ય સરકારને અનેક રજૂઆતો બાદ પણ નર્સીસ પ્રત્યે ઉદાસીન અને ઉપેક્ષિત વલણ દાખવવાના પરિણામે હવે નર્સો આંદોલનનું શસ્ત્ર ઉગામવા જઈ રહ્યા છે.

હોસ્પિટલ સ્ટાફની ફાઈલ તસવીર
હોસ્પિટલ સ્ટાફની ફાઈલ તસવીર

શું છે નર્સોની માગણીઓ?
નર્સોની માગણીઓ છે કે, તેમને ગ્રેડ પે રૂ.4200 અને ખાસ ભથ્થાઓ રૂ.9600 પ્રતિ માસ ચૂકવાય. સાથે જ આઉટ સોર્સિંગથી ભરતી બંધ કરીને રૂ.35000 માસિક પગાર ચૂકવાય. નર્સિંગ સ્ટુડન્ટ્સમાં ડીપ્લોમા દરમિયાન રૂ. 15000 પ્રતિ માસ સ્ટાઈપેન્ડ અપાય અને ડિગ્રી અભ્યાસમાં (બેઝિક BSC) ફાઈનલ વર્ષમાં ઈન્ટર્નશીપ દરમિયાન રૂ. 18000 પ્રતિ માસ ચૂકવાય. નર્સોને બે ઉચ્ચતર પગાર ધોરણને બદલે શિક્ષકોની જેમ 10-20-30 વર્ષે ત્રણ ઉચ્ચતર પગાર અપાય. રાજ્યમાં નર્સીસની ખાલી પડેલી લગભગ 4000 જગ્યા તાત્કાલિક ધોરણે ભરીને હાલની અછત દૂર કરાય. નર્સોને છેલ્લા એક વર્ષથી આજદીન સુધી ન મળેલી રજાઓનું વળતર અપાય અથવા જમા કરવાનો હુકમ થાય. ફિક્સ પગારમાં ફરજો બજાવતા નર્સીસને પણ આ તમામ ભથ્થા સમાન દરે ચૂકવાય.

માંગણીઓ નહીં સંતોષાય તો 1 દિવસની પ્રતિક હડતાલ
નર્સો દ્વારા 12મી મેના રોજથી 17મી મે સુધી આ PPE કીટ પર હાથમાં કાળી પટ્ટી બાંધીને ધરણાં યોજી પોતાનો વિરોધ વ્યક્ત કરશે. આ દરમિયાન તેઓ દર્દીઓની સેવા ચાલુ રાખશે. જો સરકાર દ્વારા આ દરમિયાન કોઈ કાર્યવાહી નહીં કરાય તો 18મી મેના રોજથી તેમણે એક દિવસની પ્રતિક હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. જેમાં રાજ્યના દરેક જિલ્લા ખાતેની તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ફરજો બજાવતા નર્સીસ તેમાં જોડાઈને સામુહિક વિરોધ દાખવશે.

અમદાવાદમાં સિનિયર ડોક્ટરોએ ધરણાં યોજ્યા હતાં.
અમદાવાદમાં સિનિયર ડોક્ટરોએ ધરણાં યોજ્યા હતાં.

તબીબો પણ હડતાલ પર ઉતર્યા હતા
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોએ સરકાર સામે બાયો ચઢાવીને વર્ષ 2008થી બાકી રહેલી બઢતી અંગે ત્વરિત નિર્ણય લેવાય તેવી માંગ કરીને પોતાની અલગ અલગ 15 માંગણીઓ મામલે સરકારની આવેદન પત્ર આપ્યાં હતાં. પરંતુ સરકાર તરફથી કોઈ પગલાં નહીં ભરાતાં તબીબોએ ગઈ કાલે ગુરુવારે ઘરણાં યોજ્યાં હતાં અને આંદોલનની ચીમકી આપી હતી. તેમને આ આંદોલનમાં જુનિયર ડોક્ટરોએ પણ ટેકો આપ્યો હતો. ત્યારે હવે સરકાર તરફથી તેમને બે દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી અપાતાં હડતાળ પાછી ખેંચવામાં આવી છે.