તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ધમધમાટ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ત્રણ નેતા કોરોના પોઝિટિવ આવ્યા છે, જેની વચ્ચે આજે રાજ્યનાં ચાર મહાનગરમાં 28 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવામાં આવી છે. હવે 12થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં હતો.
ક્રિકેટ માટે કર્ફ્યૂમાં રાહત?
આ સપ્તાહમાં મહાનગરોની ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત આગામી 24 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મોટેરા સ્ટેડિયમ ખાતે ડે-નાઈટ ટેસ્ટ મેચ યોજાનાર છે. જેને પગલે રાત્રિ કર્ફ્યૂમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં 50 હજાર જેટલા દર્શકો અમદાવાદ સહિત રાજ્યભરમાંથી આવનાર છે. આ સંજોગોમાં કર્ફ્યૂ હોવાને કારણે દર્શકોને ભારે મુશ્કેલી પડી શકે છે. જેને પગલે કર્ફ્યૂના કારણે પોલીસ અને પ્રક્ષેકો વચ્ચેની બબાલ ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવી પ્રબળ શક્યતા છે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવા અંગે આજે બપોરે ત્રણ વાગ્યે મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ રાત્રિ કર્ફ્યૂ અંગે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે. અમદાવાદ પોલીસ કમિશનર પણ જાહેરનામું બહાર પાડી શકે છે.
1 ફેબ્રુ.એ 15 ફેબ્રુઆરી સુધી કર્ફ્યૂના અમલનો નિર્ણય કર્યો હતો
ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ કાબૂમાં છે અને રિકવરી રેટ લગભગ 97 ટકા આસપાસ છે. એવા સમયે ગુજરાત સરકારે ચાર મહાનગરના લોકોને વધુ રાહત આપતો નિર્ણય કરીને પહેલી ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીના સમય દરમિયાન રાત્રિ કર્ફ્યૂ 11 વાગ્યાથી લઇને સવારે 6 વાગ્યા સુધીનો કર્યો હતો. સરકારની સૂચના અનુસાર, 15 ફેબ્રુઆરી બાદ જો કોરોના સંક્રમણની સ્થિતિ વધુ કાબૂમાં રહેશે તો પુનઃ સમીક્ષા કરીને કર્ફ્યૂ હટાવવા કે એમાં વધુ ઘટાડો કરવાનો નિર્ણય લેવાઇ શકે છે.
લગ્ન સહિતના પ્રસંગો યોજનારા પરિવારો માટે સારા સમાચાર
રાત્રિ કર્ફ્યૂની સાથે સરકાર લગ્ન પ્રસંગ તેમજ અન્ય જાહેર કાર્યક્રમો માટે પણ છૂટછાટ આપી શકે છે. એક મહિના પહેલાં અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન અને અન્ય પ્રસંગો યોજનારા પરિવારો માટે હાશકારો થાય એવા સમાચાર પણ છે. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે સામાજિક કે ધાર્મિક સમારોહ જો ખુલ્લા સ્થળોમાં, પાર્ટી પ્લોટ કે કોમન પ્લોટ જેવાં સ્થળોએ યોજાવાના હોય તો એમાં વ્યક્તિ મર્યાદા રહેશે નહીં. જ્યારે બંધ સ્થળો જેવાં કે હોલ, બેન્ક્વેટ કે હોટલ, ઘર કે અન્ય કોઇ ખાનગી કે જાહેર મકાન અથવા જ્ઞાતિની વાડીઓમાં સમારોહ યોજવો હોય તો એ સ્થળની કુલ વ્યક્તિ ક્ષમતાના પચાસ ટકા પણ સંખ્યાની દૃષ્ટિએ 200થી વધુ નહીં તેટલા લોકો ભાગ લઇ શકે છે.
હોલ–હોટલ-બેન્ક્વેટ હોલમાં 50 ટકાની કેપેસિટીની મર્યાદા: પંકજકુમાર
ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી સમગ્ર દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલું જ નહીં, ગુજરાતમાં તો રાજ્ય સરકારનાં સઘન આરોગ્યલક્ષી પગલાં અને લોકોની સક્રિય અને સહયોગથી કોરોના સંક્રમણનો વ્યાપ મહદંશે ઘટાડી શકાયો છે. રાજ્યમાં પેશન્ટ રિકવરી રેટ 97 ટકા સુધી લઇ જવામાં સફળતા મળી છે, જેથી હવે કેટલાક નિયમો હળવા કરવામાં આવી રહ્યા છે. જોકે આ દરમિયાન કોઇપણ વ્યક્તિએ મોં અને નાક ઢંકાય એ રીતે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. આયોજકે અને યજમાને સમારોહના સ્થળ પર સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ રીતેની વ્યવસ્થા કરવાની રહેશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ માટે સમારોહ સ્થળે ખુરશીઓ વચ્ચે અંતર તથા લોકોને ઊભા રહેવા માટે ફ્લોર માર્કિંગ પણ કરવાનું રહેશે. સમારોહમાં આવેલી કોઇપણ વ્યક્તિએ પાન-મસાલા ખાઇને પિચકારી મારવી નહીં. જો આમાંથી કોઇપણ વાતનો ભંગ થશે તો જે-તે વ્યક્તિ અને આયોજકને દંડ થશે. આ આયોજન માટે યજમાને www.digitalgujarat.gov.in પોર્ટલ પર Online Registration for Organizing Marriage Function નામના Software પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.