તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદિરમાં બિરાજ્યા 'નાથ':અષાઢી બીજે નગરચર્યાએ નીકળેલાં ભગવાન જગન્નાથ, ભાઈ બળરામજી અને બહેન સુભદ્રાજી આજે મંદિરમાં બિરાજમાન થયાં

અમદાવાદ11 દિવસ પહેલા
મંદિરમાં બિરાજમાન કરી ભગવાન જગન્નાથની આરતી ઉતારાઈ.
  • ભગવાન નગરચર્યા કર્યા બાદ મંદિરના પરિસરમાં કરે છે એક રાતનો વિસામો

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા અષાઢી બીજના દિવસે ભક્તો વિના જ સંપન્ન થઈ. નગરચર્યાએ નીકળેલાં ભગવાન જગન્નાથ, ભાઈ બળરામજી અને બહેન સુભદ્રાજીએ આજે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. ભગવાન નગરચર્યા કર્યા બાદ મંદિરના પરિસરમાં એક રાતનો વિસામો કરે છે. મંદિરમાં તેમની આરતી પણ ઉતારવામાં આવી હતી. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આ દરમિયાન જગન્નાથ મંદિરમાં જ ઉપસ્થિત હતા.

નિજમંદિરમાં ભગવાનને પુષ્પો અર્પણ કરતા પ્રદીપસિંહ જાડેજા.
નિજમંદિરમાં ભગવાનને પુષ્પો અર્પણ કરતા પ્રદીપસિંહ જાડેજા.

આ વર્ષે 4 કલાકમાં રથયાત્રા સંપન્ન થઈ
નોંધનીય છે કે દર વર્ષે ભગવાન જગદીશ અમદાવાદના રાજમાર્ગો પર અખાડા, હાથી, ભજનમંડળી સહિત નગરચર્યાએ નીકળે છે. કોરોનાને કારણે ભગવાનની રથયાત્રા નગરમાં ફરી શકી નહોતી. ગત વર્ષે પણ રથયાત્રાને મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવી હતી. આ વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સરકારે નિયમો સાથે રથયાત્રા યોજવાની મંજૂરી આપી હતી, જેથી ગઈકાલે શહેરમાં ભગવાન જગદીશ ભારે પોલીસ-બંદોબસ્ત અને કર્ફ્યૂની વચ્ચે નગરચર્યાએ નીકળ્યા હતા. દર વર્ષે 14 કલાક જેટલો સમય શહેરમાં ફરતી ભગવાન જગન્નાથની રથયાત્રા આ વખતે માત્ર ચાર કલાકમાં 22 કિલોમીટર ફરીને નિજમંદિર પરત ફરી હતી.

ગૃહ રાજ્યમંત્રી સતત સમીક્ષા કરતા હતા
રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થાય એ માટે ગૃહ રાજ્યમંત્રી સતત સમીક્ષા કરતા હતા. શનિવારથી શરૂ થયેલી રથયાત્રા મહોત્સવને લઈને પ્રદીપસિંહ જાડેજા પોલીસતંત્ર અને મંદિર સાથે બેઠકો કરતા હતા, રથયાત્રાના દિવસે જ સવારે 3.30 વાગ્ચાથી તેઓ મંદિરમાં હાજર થઈ ગયા હતા. તેમની સાથે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા અને અમદાવાદના પોલીસ કમિશન સંજય શ્રીવાસ્તવ પણ હતા. સતત આઠ કલાક સુધી તેઓ રથયાત્રાની સાથે સાથે રહ્યા હતા. શહેરમાં શનિવારથી જ પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 23 હજાર જેટલા પોલીસકર્મીઓ શહેરમાં બંદોબસ્તમાં ખડા થઈ ગયા હતા. સતત મોનિટરિંગથી તેમણે રથયાત્રા માટે તૈયાર કરેલી SOPનું સહેજ પણ ઉલ્લંઘન થવા નથી દીધું.

રથયાત્રા પહેલાં ભગવાનની મંગળા આરતી સમયની તસવીર.
રથયાત્રા પહેલાં ભગવાનની મંગળા આરતી સમયની તસવીર.

ભગવાન માત્ર સવા કલાકમાં જ મોસાળમાં પહોંચ્યા
કોરોના મહામારી પહેલાંનાં વર્ષોમાં ભગવાન 12.30 વાગ્યે મોસાળમાં પહોંચે છે, પરંતુ આ વખતે 4 કલાક વહેલા એટલે 8.30 વાગ્યે મોસાળ સરસપુરમાં પહોંચી ગયા હતા. આમ, 7.30 મિનિટે મંદિરેથી નગરચર્યાએ નીકળીને ભગવાન 12.30 વાગ્યે મોસાળમાં પહોંચે છે, જોકે આ વખતે ભગવાન માત્ર સવા કલાકમાં જ મોસાળમાં પહોંચી ગયા હતા.

આ રથયાત્રા ન ભૂતો ન ભવિષ્યતિઃ દિલીપ દાસજી
રથયાત્રા નિજમંદિરે પહોંચ્યા બાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે સરકાર સાથે રહી 144મી રથયાત્રા સાથ અને સહકારથી પૂર્ણ થઈ આ રથયાત્રા ન ભૂતો ન ભવિષ્યતિ રહી છે.

નાથની 144મી નગરચર્યાની તસવીર.
નાથની 144મી નગરચર્યાની તસવીર.

શ્રદ્ધા અને સ્વાસ્થ્યના જતન સાથે રથયાત્રા પૂરી થઈઃ પ્રદીપસિંહ
જ્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે જણાવ્યું હતું કે અમદાવાદની પરંપરાગત રથયાત્રા શ્રદ્ધા અને સ્વાસ્થ્યના જતન સાથે પૂરી થઈ છે. કોઈ વિઘ્ન વિના 20 કિ.મી.નો રૂટ ફરી રથ પરત ફર્યા છે, જે આનંદનો વિષય છે. લોકોને જે અપીલ કરી હતી એ પ્રમાણે તેમણે ઘરમાં રહી ભગવાનનાં દર્શન કર્યાં છે. ભગવાનનાં ચરણમાં કોરોનામાંથી મુક્તિ આપો અને ચોમાસું સારું રહે એવી પ્રાર્થના કરું છું.