મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજથી ગરમીનો પારો ઘટશે, ભ્રષ્ટાચારની શંકાએ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે.રાજેશની ધરપકડ, હાર્દિકના રાજીનામાંથી મેવાણી ધૂંઆપૂંઆ

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે શનિવાર છે, તારીખ 21 મે, વૈશાખ વદ-છઠ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજથી રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ ઓછો થશે, તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો થવાની આગાહી

2) દેશભરમાં આજે આતંકવાદી વિરોધી દિવસની ઉજવણી કરાશે

3) કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજથી અરુણાચલ પ્રદેશના બે દિવસીય પ્રવાસે

4) આજે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પ્રિ-મોન્સુન બેઠક યોજાશે

5) કેન્દ્રિય મંત્રી રાજીવ ચંદ્રશેખર આજે જીટીયુની મુલાકાત લેશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) ભ્રષ્ટાચારની શંકા:સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે.રાજેશની CBI દ્વારા ધરપકડ, સહ આરોપી રફીક મેમણના એક દિવસના રિમાન્ડ મંજૂર

લાંચ અને ખોટી રીતે લાભ કરાવવાના મામલે સીબીઆઈ દ્વારા શુક્રવારે સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે.રાજેશની ધરપકડ કરવામાં આવી હતી. IAS અધિકારી કે. રાજેશના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ CBIએ દરોડા પાડ્યા હતા. જેને લઈ ખળભળાટ મચ્યો છે. ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર ઉપરાંત આંધ્રપ્રદેશ સ્થિત તેમના વતનમાં એકસામટા દરોડા પાડવામાં આવ્યા હતા. બામણબોરના બે હજાર કરોડના જમીન કૌભાંડનો રેલો કે. રાજેશ સુધી પહોચશે. IAS કે. રાજેશ ઉપરાંત CBIએ સુરતથી વેપારી રફીક મેમણની ધરપકડ કરી હતી.

વાંચો સમાચાર વિગતે

2) હાર્દિકના રાજીનામાથી મેવાણી ધૂંઆપૂંઆ: બિલો ધ બેલ્ટ તરીકે રાજીનામું આપવું યોગ્ય નથી, જેમણે પ્રેમ આપ્યો તેમને જ ગાળો આપી

કોંગ્રેસનાં તમામ પદ પરથી રાજીનામું આપીને હાર્દિક પટેલે ગુરુવારે કોંગ્રેસ સામે ભડાશ કાઢી હતી. જોકે હવે પછી કઈ પાર્ટીમાં જોડાશે એ અંગે તેણે કોઈ ફોડ પાડ્યો નથી. ત્યારે શુક્રવારે વડગામના અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે હાર્દિક પટેલને લઈને કહ્યું હતું કે, હાર્દિકે ગરિમામાં રહીને કોંગ્રેસને છોડવી જોઈતી હતી. તેમણે જે શબ્દો બોલ્યા છે એ યોગ્ય નથી. તેમને પ્રેસ-કોન્ફરન્સમાં અંબાણી અને અદાણી કેમ યાદ આવ્યા?. તેમણે કહ્યું હતું કે, હું કોંગ્રેસમાં છું અને લડવાનો છું. કોંગ્રેસ સાથે વૈચારિક મતભેદ હોઈ શકે છે, પણ એ પક્ષની અંગત વાત છે. રાજીનામું આપતી વેળાએ રાહુલજીને ચિકન સેન્ડવિચ આપવાની વાત ક્યાં આવી?

વાંચો સમાચાર વિગતે

3) કોંગ્રેસનું મિશન ગુજરાત:નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવાની સત્તાવાર જાહેરાત આખરી તબક્કામાં, રાજકોટમાં મહાસંમેલનની તૈયારીઓ શરૂ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના રાજીનામા બાદ કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. હાર્દિકે કોંગ્રેસ પર લગાવેલા ગંભીર આરોપો બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાતના પ્રભારી રઘુ શર્મા દિલ્હી પહોંચ્યાં હતા. તેઓ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ મામલે પણ હાઈકમાન્ડ સાથે ચર્ચા વિચારણા કરશે. નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાત સાથે જ 15 મી જૂન પહેલા રાજકોટ ખાતે કોંગ્રેસના મહાસંમેલનની તૈયારી શરૂ થઈ ગઈ. મહા સંમેલનના આયોજનને અંતિમ સ્વરૂપ પણ અપાઈ રહ્યુ છે. નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વિધિવત્ જાહેરાત આખરી તબક્કામાં છે.

વાંચો સમાચાર વિગતે

4) જ્ઞાનવાપી પર સુપ્રીમ કોર્ટનો આદેશ, વારાણસી જિલ્લા જજ 8 સપ્તાહમાં સુનાવણી પૂર્ણ કરે; નમાજ પર રોક નહીં, શિવલિંગના દાવા વાળી જગ્યા સુરક્ષિત રહેશે

જ્ઞાનવાપી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે ત્રીજી વખત મળી. ત્રણેય જજની બેંચે કેસ વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટને ટ્રાંસફર કરી દેવાયો. એટલે કે હવે આ કેસની સુનાવણી બનારસના જિલ્લા જજ કરશે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચે 51 મિનિટ સુધી ચાલેલી સુનાવણીમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ કેસ અમારી પાસે જરૂરથી છે પરંતુ તેની સુનાવણી વારાણસી જિલ્લા કોર્ટમાં થાય. કોર્ટે કહ્યું કે જિલ્લા જજ 8 સપ્તાહમાં પોતાની સુનાવણી પૂર્ણ કરે. ત્યાં સુધી 17 મેની સુનાવણી દરમિયાન આપવામાં આવેલા નિર્દેશ યથાવત રહેશે.

વાંચો સમાચાર વિગતે

5) મહારાષ્ટ્રમાં ભીષણ રોડ અકસ્માત,લાકડાંથી ભરેલી ટ્રક અને પેટ્રોલ ટેન્કર અથડાતાં આગ લાગી, 9 લોકોનાં મોત

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં શુક્રવારે સવારે એક ભીષણ દુર્ઘટનામાં 9 લોકોનાં મૃત્યુ થયાં છે. ઝડપી ગતિથી આવી રહેલી એક ટ્રક પેટ્રોલ ટેન્કર સાથે અથડતાં આગ લાગી હતી. ટ્રકમાં લાકડાં હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ટ્રકમાં બેઠેલા 7 લોકો અને પેટ્રોલ ટેન્કરમાંના 2 લોકોનાં આગથી દાઝવાને પગલે ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. દુર્ઘટનામાં શબ એટલા ખરાબ રીતે સળગી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. આ ભીષણ દુર્ઘટના પછી ઘણા કલાકો સુધી ચંદ્રપુર શહેર તરફ આવવાનો રસ્તો જામ રહ્યો હતો. હાઈવેની બંને તરફ વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. આગની જવાળાઓના પગલે જંગલમાં આગ લાગી હતી.

વાંચો સમાચાર વિગતે

6) દેશમાં પ્રથમ વખત 5G કોલનું IIT મદ્રાસમાં સફળ પરીક્ષણ, આત્મનિર્ભર ભારતની વધુ એક ઉપલબ્ધિ

IIT મદ્રાસમાં 5G કોલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે નેટવર્કને લગતી સંપૂર્ણ ડિઝાઈન ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે. આ સમયે કેન્દ્રીય મંત્રીએ 5G નેટવર્ક પર વીડિયો કોલ પણ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 5G ટેસ્ટ બેડને કુલ 8 જેટલી સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેને IIT મદ્રાસના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવ્યું છે.

વાંચો સમાચાર વિગતે

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) ગરમીથી હાશકારો!:રાજ્યમાં કાલથી કાળઝાળ ગરમીથી રાહત મળશે, તાપમાનનો પારો 2-3 ડિગ્રી જેટલો ઘટવાની હવામાન વિભાગની આગાહી

2) મેટ્રો કોર્ટે જામીન મંજૂર કર્યા:AIMIMના પ્રવક્તા દાનીશ કુરેશીને 25 હજારના બોન્ડ પર શરતી જામીન, ફરી ભૂલ કરશે તો જામીન રદ થશે

3) કોંગ્રેસમાં ‘કરંટ’:15 જૂન પહેલાં સૌરાષ્ટ્રમાં સોનિયા અથવા રાહુલના રોડ શોનું આયોજન થશે, ટાર્ગેટ મુજબ રણનીતિ ઘડાશે: જગદીશ ઠાકોર

4) પ્રશાંત કિશોરની કોંગ્રેસ અંગે આગાહી, ગુજરાત અને હિમાચલની ચૂંટણીઓમાં હારનો સામનો કરવો પડશે; પાર્ટીએ ચિંતન શિબિરમાં ગાંધી પરિવારનું અસ્તિત્વ બચાવ્યું

5) જમ્મુ અને કાશ્મીરમાં મોટી દુર્ઘટના સર્જાઈ, રામબનમાં નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો, 13 મજૂરો ફસાયો

6) 'તારક મહેતા' હવે હોસ્ટ બન્યા: શૈલેષ લોઢાએ સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને અલવિદા કહીને નવા શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું, આ રહી તસવીરો

આજનો ઈતિહાસ
વર્ષ 1991માં આજના દિવસે તમિલનાડુના શ્રીપેરમ્બદૂરમાં આત્મઘાતી હુમલામાં દેશના ભૂતપુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ હતી.

અને આજનો સુવિચાર
જિનિયસ બનવા ફક્ત એક ટકા પ્રેરણા અને 99 ટકા આકરી મહેનત કરવાની જરૂર હોય છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...