અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું છેકે, અમદાવાદમાં કાલે સવારે 6 વાગ્યે 57 કલાકનો કર્ફ્યૂ પૂરો થશે, પરંતુ રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રી કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. આ પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર શહેરમાં ફક્ત રાત્રી કર્ફ્યૂ રહેશે.
કાલથી અમદાવાદનું દિવસનું જનજીવન પુનઃ ધબકતું થશેઃ નીતિન પટેલ
તેમણે ચેનલને જણાવ્યું હતું કે, અમદાવાદમાં શનિ-રવિની રજાઓ હતી અને લોકો બહુ ભેગા ન થાય, તહેવારોમાં થયેલા સંક્રમણમાં વધારો ન થાય એટલા માટે શહેરમાં દિવસનો કર્ફ્યૂ નાંખેલો છે, તે આવતી કાલે પૂરો થાય છે. ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યૂ રહેવાનો છે. દિવસનો કર્ફ્યૂ અમદાવાદ એકલામાં હતો જે આવતીકાલે પૂર્ણ થવાનો છે. આવતીકાલે સવારથી અમદાવાદનું દિવસનું જનજીવન પુનઃ ધબકતું થઇ જવાનું છે. ફરી પાછો રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ અમલ થવાનો છે, જેનો અમલ ચાર મહાનગરોમાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી રહેવાનો છે.
રાતે 9 વાગ્યા પહેલા લગ્ન પ્રસંગ પૂર્ણ કરી લેવા પડશે: પોલીસ કમિશનર
કોરોના કારણે શહેરમાં હવે કરફ્યૂ નાખી દેવામાં આવ્યો છે. જે સંદર્ભે હવે પોલીસ આગામી પરિસ્થિતિ માટે પણ સજ્જ થઈ છે. આજે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ શહેરની મુલાકત લીધી હતી અને આ કરફ્યૂ અને આગામી પરિસ્થિતિ માટે પોલીસને જરૂરી સૂચના પણ આપી હતી. પોલીસ કમિશનરે જણાવ્યું છે કે, હાલ શહેરીજનો કરફ્યૂમાં સપોર્ટ કરી રહ્યા છે. બીજી તરફ શહેરમાં લગ્ન સિઝન છે જેના કારણે પરિવારને પરમિશન આપવામાં આવી છે તેની સાથે 9 વાગ્યા પહેલા લગ્ન પ્રશ્નગ પૂર્ણ કરી લેવામાં આવે તેવી સૂચના પણ છે ત્યારે બાદ રાત્રીમાં કોઈ પરમિશન આપવામાં આવશે નહિં. લોકોને અપીલ છે કે, કરફ્યુમાં સમર્થન કરે અને તેમના સ્વાસ્થ્ય માટે જરૂરી હોય આ કરફ્યૂનો અમલ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં કોરોનાના કેસો વધતા અમદવાદમાં સતત કર્ફ્યુની સાથે અન્ય ત્રણ શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને તે માટે થઈને સાવચેતીના પગલા રૂપે સતત 57 કલાકનો કર્ફ્યુ મુકવામાં આવ્યો છે. અમદાવાદમાં કર્ફ્યુ લંબાવવા અંગે સરકાર પણ અસમંજસની સ્થિતિમાં છે કેમ કે ગુજરાતના વેપાર-ધંધા ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા છે, ત્યારે ફરીથી કર્ફ્યુ કે લોકડાઉનના કારણે વેપારીઓને ફરી નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
4 શહેરોમાં આ પ્રકારે કર્ફ્યૂની જાહેરાતની સંભાવના
* દિવસે સવારે 6થી 10 અને સાંજે 4થી 8 વાગ્યા સુધી છૂટછાટ મળી શકે છે.
* મહિલાઓને સવારના અમુક કલાકો માટે કર્ફ્યૂમાંથી મુક્તિ મળી શકે છે.
* દિવસે જરૂરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, કરિયાણું, દવાઓ અને શાકભાજી સિવાયના તમામ ધંધા-વ્યાપાર બંધ રહી શકે
* ઔદ્યોગિક એકમોને ગાઇડલાઇનના પાલન સાથે છૂટછાટ મળી શકે છે. જરૂરિયાતની વસ્તુ સિવાયના તમામ વેપારી એકમો અને દુકાનોને બંધ રાખવા ફરજ પડાઇ શકે છે.
કેન્દ્ર સાથે મસલત બાદ અંતિમ નિર્ણય
કેન્દ્ર સરકારે અનલોક માટે બહાર પાડેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ જણાવાયું છે કે કોઇપણ રાજ્ય પોતાની રીતે લોકડાઉન લાગુ કરી શકે નહીં. આથી આ પ્રકારના કર્ફ્યૂના નામે લાગુ થઇ શકે તેવાં લોકડાઉન માટે ગુજરાત સરકાર કેન્દ્ર સાથે ચર્ચા કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.