સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય:2006 પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મીઓની નોકરીની સેવા સળંગ ગણાશે, 42 હજાર કર્મીઓને લાભ થશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ. - Divya Bhaskar
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ.
  • નાણાં વિભાગના વર્ષ 2017ના ઠરાવ અંતર્ગત આ કર્મચારીઓને પણ મળશે તમામ લાભો

રાજ્ય સરકાર અધિકારી-કર્મચારીઓના હિત માટે અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં ફિક્સ પગાર નીતિ અંતર્ગત નોકરી કરી રહેલા કર્મચારીઓની નોકરીની સેવાઓ સળંગ ગણવા અંગે નાણાં વિભાગ દ્વારા વર્ષ 2017માં ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2006 પહેલાં ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓને લાભ મળતો ન હતો. હવે વર્ષ 2006 પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણવા નિર્ણય લેવામાં આવ્યો છે.

પાંચ વર્ષની સેવા, બઢતી ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવાશે
મંત્રી વાઘાણીએ ઉમેર્યું કે, રાજ્યમાં વર્ષ-2006 પહેલા ફિક્સ પગારની નિતી અન્વયે નિમણુંક પામેલા કર્મચારીઓની ફિક્સ પગારની પાંચ વર્ષની સેવા હવે સળંગ ગણવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત નાણાં વિભાગના 18-1-2017ના ઠરાવ મુજબ દર્શાવેલ બઢતી તેમજ ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતના લાભો ગણતરીમાં લેવામાં આવશે. આ નિર્ણયથી અંદાજે 42000થી વધુ વર્ષ-2006 પહેલા નિમણુંક પામેલા કર્મચારીઓને લાભ થશે. હવે આ કર્મચારીઓની પણ ફિક્સ પગારની પાંચ વર્ષની સેવા, બઢતી ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવાશે.

38285 શિક્ષકોને લાભ થશે
મંત્રીએ ઉમેર્યું કે, આ નિર્ણયથી 576 પંચાયત સહાયક/ તલાટી, 1019 રહેમ રાહે નિમણુંક પામેલા કર્મચારીઓ, 331 સ્ટાફ નર્સ, 2400 લોક રક્ષક અને 38285 શિક્ષકો મળી કુલ 42035 કર્મચારીઓને લાભ થશે.

અન્ય સમાચારો પણ છે...