હાલના સમયમાં મોટી સંખ્યામાં લોકો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધુ કરતા હોય છે. ત્યારે હવે નાની-મોટી કોઈપણ વસ્તુની ખરીદી, પેટ્રોલ પંપ, શોપિંગ મોલ સહિતમાં હવે કેશની જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ વધારે થાય છે. ત્યારે બેન્ક દ્વારા પણ પોતાના યુઝર્સની સરળતા માટે નવી-નવી ટેક્નોલોજી આપતી હોય છે. હાલમાં વાઈફાઈ ક્રેડિટ-ડેબિટ કાર્ડનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે, પણ શું તમે જાણો છો કે, તમારી પાસે પડેલા વાઈફાઈ ક્રેડિટ-ડેબિટ કાર્ડ કેટલાં સુરક્ષિત છે? અને કેવી રીતે તમારા કાર્ડને સ્પર્શ કર્યા વગર જ તમારા એકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ શકે છે? આ સમગ્ર બાબતે સાઈબર ક્રાઈમ સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે આ પ્રકારના ફ્રોડથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવા જણાવ્યું છે.
તમારું કાર્ડ કેટલું સુરક્ષિત છે?
ટેક્નોલોજીના જેટલા ફાયદા હોય છે એટલા જ ગેરફાયદા પણ હોય છે અને જરાક જેટલી ગફલત કે ભેજાબાજ ગુનેગારો આ તકનો લાભ લેવાનું ચૂકતા નથી. હવે મોટા ભાગનાં શહેરીજનો પોતાના પર્સમાં ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ રાખતાં હોય છે. કોરોના આવ્યો એટલે લોકો અજાણી વસ્તુને સ્પર્શ કરવાથી ડરવા લાગ્યા અને હવે નવી ટેકનોલોજીને કારણે વાઈફાઈ ટ્રાન્ઝેક્શન પણ થવા લાગ્યાં છે, જેમાં કાર્ડને મશીનમાં નાખ્યા વગર વાઈફાઈ સિસ્ટમથી લિંક કરવામાં આવે છે અને ટ્રાન્ઝેક્શન થઈ જાય છે. અગાઉ કાર્ડ ક્લોન કરનાર મશીન રાખતા હતા એમ હવે કાર્ડને વાઈફાઈ કનેક્ટ કરીને ચોર ગેંગ રૂપિયા ઉપાડી શકે છે.
ભીડમાં કોઈપણ તમારા કાર્ડને એક્ટિવ કરી શકે છે: ડીસીપી
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે ખિસ્સામાં રહેલા વાઈફાઈ કાર્ડ કોઈ ગેજેટથી કનેક્ટ થઈ શકે છે એક વખત કોઈ કાર્ડનો ડેટા ભેજાબાજને મળી જાય તો એમાં OTP કે ડેબિટ લિમિટ ન હોય તો એમાં ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. જેના કારણે લોકોને નુકસાન સહન કરવાનું આવી શકે છે. બીજી તરફ, સાયબર એક્સપર્ટ નિશાતભાઈએ જણાવ્યું હતું કે કોઈ એવી વ્યક્તિ વાઈફાઈ કનેક્ટ કરવા કોઈ કનેક્ટર કે ઈન્ટરનેટ એક્સસ માટેનું કનેક્ટ ડિવાઇસ લઈને તમારા આસપાસ ભીડમાંથી નીકળે તો વાઇફાઇ કનેક્ટ થઈને ડેટા લિંક થવાના પૂરા ચાન્સ રહે છે. એ માટે વાઇફાઇ સિગ્નલ ન મળે એવી તકેદારી રાખવી જોઈએ.
કાર્ડમાં ટ્રાન્ઝેક્શન લિમિટ નાની સેટ કરવી: સાયબર ક્રાઇમ
આ અંગે સાયબર ક્રાઇમ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જો વાઇફાઇ સિગ્નલ ન પકડાતું હોય તો નો એર કનેક્ટિવિટી હોય તો જ એ શક્ય બને છે, જેથી તમારા પોકેટમાં પડેલા કાર્ડને ફોઈલ પેપરમાં ફોલ્ડ કરીને રાખવું જોઈએ, જેથી તમે જ્યાં સુધી એને ફોઈલ પેપરમાંથી બહાર ન કાઢો ત્યાં સુધી કાર્ડ અને એનો ડેટા સેફ રહી શકે છે. બીજી તરફ, કાર્ડમાં ટ્રાન્ઝેક્શન લિમિટ નાની સેટ કરવી અને OTP પ્રાયોરિટી રાખવામાં આવે તો બચી શકાય છે.
વાઇફાઇ કાર્ડથી પિન વગર રૂ.5000 સુધી ઉપાડી શકાય છે
વાઈફાઈ ક્રેડિટ-ડેબિટ કાર્ડને કોન્ટેક્ટલેસ કાર્ડ પણ કહેવામાં આવે છે. આવા કાર્ડથી POS મશીનમાંથી પિનનો ઉપયોગ કર્યા વિના 5000 રૂપિયા સુધીની રકમ ઉપાડી શકાય છે. ઉદાહરણ તરીકે જો તમારા ખિસ્સામાં વાઈફાઈ ક્રેડિટ-ડેબિટ કાર્ડ છે તો છેતરપિંડી કરનારાઓ તમારા ખિસ્સામાં POS મશીનને સ્પર્શ કરીને પૈસા ઉપાડી શકે છે. આવા કાર્ડ્સની રેન્જ 4 સે.મી.ની હોય છે. જો તમે પણ ફ્રોડ થવાથી બચવા માગો છો તો તમારે હોટલ અથવા દુકાનમાં પેમેન્ટ કરતી વખતે ક્યારે પણ દુકાનદારને કાર્ડ ન આપો તેમજ કાર્ડ સ્વેપ કર્યા બાદ જ્યાં શું ટ્રાન્ઝેક્શનનો મેસેજ ન આવે ત્યાં સુધી સ્થળ ન છોડો તેમજ વાઈફાઈ કાર્ડને એલ્યુમિનિયમ ફોઈલ પેપરમાં જ રાખો અથવા મેટલવાળા પાકિટનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય માર્કેટમાં RFID બ્લોકિંગ વોલેટ પણ મળે છે, જેનાથી તમે ફ્રોડ થતા બચી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.