હાઇકોર્ટનો માનવીય અભિગમ:કેન્સરગ્રસ્ત પતિની સાથે એક જ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી પત્નીની શિક્ષણ વિભાગે બીજે બદલી કરી, હાઇકોર્ટે પ્રતિબંધ લગાવ્યો

અમદાવાદ18 દિવસ પહેલા
  • પતિને કેન્સર હોવાની શિક્ષિકાએ દલીલ કરતાં શિક્ષણ વિભાગે મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો હતો
  • હાઇકોર્ટે શિક્ષણ વિભાગને માનવતાવાદી વલણ દાખવવા ટકોર કરી બદલી રદ કરી નાખી

પાટણ જિલ્લાનાં શિક્ષક દંપતીને બદલીના કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટ તરફથી ન્યાય મળ્યો છે. કોર્ટની ટકોર બાદ શિક્ષણ વિભાગે બદલી રદ કરી મૂળ સ્થાન પર પરત મૂકવા હુકમ કર્યો છે. આ કિસ્સામાં અરજદાર શિક્ષિકા પાટણ જિલ્લાની ખારાધરવા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં હતાં. તેમની સાથે તેમના પતિ પણ એ જ શાળામાં શિક્ષક તરીકે કાર્યરત હતા. જોકે તેમના પતિને કેન્સર જેવી ગંભીર બીમારી હતી, તેની વચ્ચે શિક્ષિકાની ટ્રાન્સફર પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી, જેને લઇને શિક્ષિકાએ હાઇકોર્ટ સમક્ષ તેમની બદલીના હુકમને પડકાર્યો હતો.

અરજદારના પતિને કેન્સરની ગંભીર બીમારી છે
અરજદાર શિક્ષિકાના વકીલ સુધાંશુ ઝા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અરજદારના પતિને કેન્સર જેવી ગંભીર બીમારી છે, જેથી નિયમ મુજબ તેમની ટ્રાન્સફર ન થઈ શકે. પતિને કેન્સરની બીમારી હોવાથી તેમની સારસંભાળ રાખવા માટે સાથે રહેવું જરૂરી હતું. જોકે તેમ છતાં તેમની બદલી કરવામાં આવી હતી. અરજદાર શિક્ષિકા દ્વારા શિક્ષણ વિભાગે કરેલી બદલીના આદેશને હાઇકોર્ટમાં પડકારતાં ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2021માં શિક્ષિકાની તરફેણમાં હુકમ કરતાં બદલી રદ કરી હતી. શિક્ષણ વિભાગે શિક્ષિકાના પતિના તબીબી પરીક્ષણ માટે મેડિકલ બોર્ડ સમક્ષ હાજર રહીને તપાસ કરાવી હતી, જેમાં તેમના પતિને કેન્સર હોવાનું ફલિત થયું હતું.

હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરવામાં આવી હતી
જોકે આ કિસ્સામાં તેમની બદલી જરૂરી ન હોવાનું પણ કહ્યું હતું, જેને લઇને શિક્ષકની પત્ની દ્વારા હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટના આદેશના તિરસ્કારની અરજી બાદ શિક્ષણ વિભાગે હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે શિક્ષિકાને તેમની મૂળ ખારાધરવા શાળામાં રાખવા હુકમ કર્યો. ત્યાર બાદ ફરીથી શિક્ષણ વિભાગે મેડિકલ બોર્ડ સમક્ષ હાજર રહેવા માટે શરત રાખી હતી, જેને લઇને અરજદાર વતી ફરીથી હાઇકોર્ટ સમક્ષ આ બાબતે રજૂઆત કરવામાં આવી. એને લઇ શિક્ષણ વિભાગે ફરીથી નવો કચેરી આદેશ કરીને શિક્ષિકાને તેમની મૂળ શાળામાં રાખવા માટે હુકમ કર્યો. એમાં તબીબી પરીક્ષણ માટે મેડિકલ બોર્ડ સમક્ષ હાજર રહેવામાંથી પણ મુક્તિ પણ આપવામાં આવી છે.