રેરેસ્ટ ઓફ ધ રેર કેસ:જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા પતિના પ્રેમને જીવંત રાખવા પત્નીનો IVFનો નિર્ણય, પતિના સ્પર્મ સેમ્પલ લેવા હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં

અમદાવાદ5 મહિનો પહેલા
ફાઈલ ફોટો.
  • પતિને કોરોનાને કારણે ફેફસાંમાં ઇન્ફેક્શન વધી ગયું, ડૉક્ટરે કહ્યું, હવે ક્રિટિકલ કેસ છે
  • હાઇકોર્ટે મહત્ત્વનો આદેશ કર્યો, તાત્કાલિક તેના પતિના સ્પર્મનું સેમ્પલ લેવા કહ્યું, પરંતુ તેનો ઉપયોગ કોર્ટના આદેશ વગર નહીં કરી શકાય

ગુજરાત હાઇકોર્ટમાં અનોખો કેસ સામે આવ્યો છે. આ કેસ આજના સમયના દરેક યુગલ માટે પ્રેરણારૂપ છે, જેમાં પતિ પ્રત્યેનો પ્રેમ જીવંત રાખવા માટે એક પત્નીએ બહુ મોટું પગલું ભર્યું છે. એમાં એક વિશેષ માગણી સાથે પત્નીએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે, જેમાં વાત એમ છે કે અરજદારના પતિ કોરોના પોઝિટિવ આવતાં તેમના બચવાની આશા ડોક્ટરે છોડી દીધી હતી. એવામાં અરજદારે IVF સિસ્ટમથી બેબી પ્લાન્ટ કરવા નામદાર હાઇકોર્ટમાં અરજી કરી હતી. ડોક્ટરે દર્દી પાસે 24 કલાક જ હોવાનું જણાવતાં કોર્ટે દર્દીના સ્પર્મ લેવા પણ આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી તેને પ્લાન્ટ ન કરવા ઓર્ડર કર્યો હતો.

કોરોનાથી પતિના મલ્ટીપલ ઓર્ગન ફેલ થયા
આજકાલ જ્યાં નવા દામ્પત્ય જીવનમાં ખટાશ આવતાં છૂટાછેડાના હજારોની સંખ્યામાં કેસ ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ પડ્યા છે. રાજ્યમાં પ્રેમના સંબંધોની મહેક ચારેકોર ફેલાવતી કે તેને લજવતી ઘણી ઘટના રોજબરોજ બનતી હોય છે. જેમાં આવું જ કંઈક રાહુલભાઈ (નામ બદલ્યું છે) અને અંજલિબેન (નામ બદલ્યું છે) સાથે બન્યું છે. બંનેમાં લગ્ન વર્ષ 2020ના ઓક્ટોબર મહિનામાં થયાં હતાં પણ કોરોનાં મહામારીની બીજી લહેરને કારણે અરજદારના પતિ રાહુલને કોરોનો પોઝિટિવ આવ્યો હતો. આ બીમારી ખુશાલ દાંમ્પત્ય જીવનને ભરખી ગઈ છે. રાહુલને કોરોના એ હદે વધી ગયો કે તેમના મલ્ટીપલ ઓર્ગન ફેલ થઈ ગયા અને ડોક્ટરે તેમના બચવાની આશાઓ છોડી દીધી છે. આ સંજોગોમાં અંજલિબેને તેમના સંબંધોની નિશાની રાખવા IVF ટેક્નોલોજીના માધ્યમથી બેબી રાખવા આયોજન કર્યું પણ ડોક્ટરે આ માટે તેમને કોર્ટની મંજૂરી લેવા જણાવ્યું હતું. આ પરિસ્થિતિમાં અંજલિબેને કોર્ટની શરણે જવું પડ્યું હતું.

હાઈકોર્ટમાં અરજી કરનાર મહિલાના વકીલ નિલય પટેલ.
હાઈકોર્ટમાં અરજી કરનાર મહિલાના વકીલ નિલય પટેલ.

કોર્ટે આગામી સુનાવણી સુધી સ્પર્મ પ્લાન્ટ ન કરવા આદેશ કર્યો
IVF કરવા માટે બંને પક્ષની મંજૂરી અનિવાર્ય છે, પરંતુ રાહુલભાઈ છેલ્લા ઘણા સમયથી સભાન અવસ્થામાં ન હોવાને કારણે ડોનર તરીકે તેમની મંજૂરી મળી શકે એમ ન હતું, આથી હોસ્પિટલના તબીબોએ તેમને કોર્ટમાંથી મંજૂરી લાવવા કહ્યું હતું. પરિણામે, અંજલિબેને આજે કોર્ટમાં આ માટેની મંજૂરી માગી હતી. નામદાર હાઈકોર્ટે આ અંગે સુનાવણી હાથ ધરતાં 24 કલાકની અંદર દર્દીના સ્પર્મ લેવાનો આદેશ કર્યો હતો. વધુમાં કોર્ટે ઓર્ડર કર્યો હતો કે આ સ્પામને જ્યાં સુધી કોર્ટ આગામી સમયમાં યોજાનારી સુનાવણીમાં આદેશ ન કરે ત્યાં સુધી પ્લાન્ટ ન કરવા.