મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાલધારી સમાજની મહાપંચાયત મળશે:અમદાવાદમાં પોલીસકર્મીની દીકરી-પત્ની સાથે આત્મહત્યા, સાયરસની મર્સિડીઝનો FSL રિપોર્ટ, પુલની ખરાબ ડિઝાઈનથી થયો અકસ્માત

અમદાવાદ23 દિવસ પહેલા

નમસ્કાર,
આજે ગુરુવાર, તારીખ 8 સપ્ટેમ્બર, ભાદરવા સુદ તેરસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) રખડતાં ઢોર સહિતના અનેક પ્રશ્નો મામલે માલધારી સમાજની મહાપંચાયત મળશે.
2) વડાપ્રધાન મોદી ઇન્ડિયા ગેટ પર ‘કર્તવ્ય પથ’નું ઉદ્ઘાટન અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) અમદાવાદમાં પોલીસ પરિવારની સામૂહિક આત્મહત્યા, બાળકી અને પત્ની સાથે 12મા માળેથી ઝંપલાવ્યું
અમદાવાદ શહેરના ગોતામાં રહેતા એક પોલીસકર્મીએ પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો હતો. તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

વાંચો સમાચાર વિગતવાર

2) પાટીલના AAP પર પ્રહાર, 'જે પાર્ટી ભાડાના ટટ્ટુ રાખી લોકોને ગેરમાર્ગે દોરે, અર્બન નક્સલીને ટિકિટ આપે, તેમને ગુજરાતમાં પેસવા ન દેવાય
વડોદરા શહેરના છેવાડે કપુરાઈ ચાર રસ્તા પાસે જિલ્લા ભાજપ દ્વારા બનાવવામાં આવનાર કાર્યલયનું ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, જે પાર્ટી ભાડાના ટટ્ટુ રાખીને વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરાવી રહી છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. અર્બન નક્સલાઇઝ લોકોને પાર્ટી ટિકિટ આપે છે. આવી પાર્ટીનું ગુજરાતમાં કોઇ સ્થાન નથી. જેથી આંખમાં તેલ નાખીને જાગતા રહેજો.

વાંચો સમાચાર વિગતવાર
3) પાક.માં મોત, કોટડા ગામમાં માતમ, પાકિસ્તાનની જેલમાંથી ફોન આવ્યો, "મમ્મી, આપણા ગામના એક ભાઈનું મોત થઈ ગયું"
પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય માછીમારના એક ફોનથી ગીર સોમનાથનું કોટડા ગામ હીબકે ચડી શોકમાં ગરકાવ થયું છે. ફોનમાં આવેલા સમાચાર મુજબ, પાક જેલમાં કેદ કોટડા ગામના એક માછીમારનું મૃત્યુ નીપજ્યું છે તથા અન્ય એક માછીમાર ત્યાંની હોસ્પિટલમાં ઓક્સિજન પર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. આ સમાચારથી ગીર સોમનાથ જિલ્લાના કોટડા ગામના તમામ રહેવાસીઓ ચિંતિત બની ગયા છે.

વાંચો સમાચાર વિગતવાર
4) AAPના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, કોંગ્રેસમાંથી 'આપ’માં જોડાયેલા કૈલાસ ગઢવીને કચ્છના માંડવી સીટની ટિકિટ
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત અગાઉ ભાજપ અને કોંગ્રેસ પહેલાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. 182માંથી 19 ઉમેદવારને જાહેર કર્યા બાદ આજે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ત્રીજી યાદી જાહેર કરી છે, જેમાં બીજા 10 ઉમેદવાર જાહેર થયા છે. આમ આદમી પાર્ટીએ કુલ 29 ઉમેદવાર જાહેર કરી દીધા છે.

વાંચો સમાચાર વિગતવાર
5)કોંગ્રેસની ભારત જોડો યાત્રા શરૂ, રાહુલે કહ્યું- ન્યૂઝ ચેનલો પર આખો દિવસ મોદીને દેખાડવામાં આવે છે, તેથી યાત્રા કાઢવી પડી
કોંગ્રેસે બુધવારે કન્યાકુમારીથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરી. યાત્રા કાશ્મીર સુધી જશે. રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા યાત્રા અંગે લોકોને જાણકારી આપી. તેમને કહ્યું કે ન્યૂઝ ચેનલો પર આખો દિવસ મોદીને દેખાડવામાં આવે છે. અમને કોઈ નથી દેખાડતું, તેથી અમે યાત્રા કાઢી રહ્યાં છીએ.

વાંચો સમાચાર વિગતવાર
6) સાયરસની મર્સિડીઝનો ફોરેન્સિક રિપોર્ટ, પુલની ખરાબ ડિઝાઈનથી થયો અકસ્માત
મુંબઈ-અમદાવાદ હાઈવે પર સૂર્યા નદીના પુલના ફોલ્ટી ડિઝાઈનને કારણે ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ. અકસ્માતની તપાસ માટે પહોંચેલી IIT ખડગપુરની 7 મેમ્બરવાળી ફોરેન્સિક ટીમે કારની ડિટેઈલ તપાસ કર્યા બાદ આ રિપોર્ટ આપ્યો છે.

વાંચો સમાચાર વિગતવાર
7) AAP નેતા સંજયસિંહે બદનક્ષીની નોટિસ ફાડી, કહ્યું- હું આનાથી ડરતો નથી; વિનય સક્સેનાને પૂછ્યું-કેશ પેમેન્ટમાં કેટલા રૂપિયાની હેરફેર કરી?
આમ આદમી પાર્ટી(AAP)ના સાંસદ સંજયસિંહે બુધવારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાની માનહાનિની ​​નોટિસની કોપી ફાડી નાખી હતી. તેમણે કહ્યું- હું ભ્રષ્ટ વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલી આ નોટિસથી ડરતો નથી.સિંહે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભારતનું બંધારણ મને સાચું બોલવાનો અધિકાર આપે છે. રાજ્યસભાના સભ્ય તરીકે મને સાચું બોલવાનો અધિકાર મળે છે. સંજયસિંહે આક્ષેપ કર્યો હતો કે ખાદીના ચેરમેન રહીને ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ કરોડોનું કૌભાંડ કર્યું હતું.

વાંચો સમાચાર વિગતવાર
8) હજારો ગાયોના શબથી ઢંકાયેલા મેદાનનો VIDEO,લમ્પીથી મરી રહેલી ગાયોને ખુલ્લામાં ફેંકવામાં આવી રહી છે; દુર્ગંધ એટલી કે ન પૂછો વાત
રાજસ્થાન સહિત ઘણાં રાજ્યોમાં લમ્પી રોગ હાહાકાર મચાવી રહ્યો છે. ગાયના વંશમાં ફેલાયેલા આ વાયરસની સરખામણી મનુષ્યો માટે જીવલેણ કોરોના વાયરસ સાથે કરવામાં આવી રહી છે. રાજસ્થાન અને ગુજરાતમાં આ રોગને કારણે હજારો ગાયોનાં મોત થયાં છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મરેલી ગાયોની સંખ્યા વધુ હોવાથી ગાયોને દાટી દેવાને બદલે ખુલ્લામાં ફેંકી દેવામાં આવી રહી છે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) 7 રાજ્યોમાં 100 સ્થળે ITના દરોડા, પોલિટિકલ ફન્ડિંગ મામલે કાર્યવાહી, રાજસ્થાનમાં ગેહલોત સરકારના મંત્રી રાજેન્દ્ર યાદવને ત્યાં પણ રેડ
2) સુરતમાં 8 વર્ષના દીકરા સામે જ માતાનો 12મા માળેથી કૂદી આપઘાત, પતિ ચારિત્ર્ય પર શંકા કરી ત્રાસ આપતાં પગલું ભર્યું.
3) રાજકોટમાં સવારે મેલિરિયાથી દાદીએ દમ તોડ્યો તો સાંજે તાવથી પૌત્રએ અંતિમ શ્વાસ લીધા, પરિવાર પર વજ્રઘાત.
4) પેટ્રોલ-ડીઝલ 3 રૂપિયા સસ્તું થઈ શકે છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $92 પર પહોંચ્યું, 7 મહિનામાં સૌથી નીચલા સ્તરે.
5) પાક.ની અવળચંડાઈ, પાક.એ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, 18 મહિના પછી સરહદે ફાયરિંગ.
6) રણબીર-આલિયા મહાકાલનાં દર્શન ના કરી શક્યાં, હિંદુ સંગઠનોએ કાળા વાવટા ફરકાવ્યા, એક્ટરના 11 વર્ષ જૂના બીફ અંગેના નિવેદનનો વિરોધ થતાં હોબાળો થયો.

આજનો ઈતિહાસ
56 વર્ષ પહેલાં 1966માં 8 સપ્ટેમ્બરે જ અમેરિકાની ચેનલ NBC પર સ્ટાર ટ્રેક સીરીઝનો પહેલો એપિસોડ ટેલીકાસ્ટ કરાયો હતો.

આજનો સુવિચાર
માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે: ડૉ. રાધાકૃષ્ણન

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...