હાઈકોર્ટનું અવલોકન:પત્નીને તેની ઈચ્છા વિરુદ્ધ પતિ સાથે રહેવા આદેશ ન કરી શકાય, મુસ્લિમ એક્ટની સાથે કેસની વાસ્તવિકતા ધ્યાને લેવી જરૂરી: હાઈકોર્ટ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • મુસ્લિમ લો મુજબ લગ્ન હકો પરત મેળવવા પતિની તરફેણમાં ફેમિલી કોર્ટે ચૂકાદો આપ્યો હતો
  • પત્નીએ ગુજરાત હાઇકોર્ટમાં ફેમિલી કોર્ટના ચૂકાદાને રદ કરવા અરજી કરી
  • કાયદાની સાથે કેસની વાસ્તવિકતા પણ ધ્યાને લેવી જરૂરી હોવાથી પત્નીની તરફેણમાં ચૂકાદો આપ્યો

લગ્ન અધિકારો ભોગવવાને લઈને આવેલા એક સંવેદનશીલ કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ બાબતોની નોંધ લેતા પત્નીની તરફેણમાં ચૂકાદો આપ્યો છે. બનાસકાંઠાના પાલનપુરની ફેમિલી કોર્ટના ચૂકાદાને પડકારતી અરજી બાબતે ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું છે કે, કાયદો એક તરફ છે અને આ કેસની હકીકતો અલગ છે. સામાન્ય રીતે મુસ્લિમ લો બહુપત્નીત્વને સહનશીલતાથી સ્વીકારે તો છે, પરંતુ તેને પ્રોત્સાહન નથી આપતો. જેથી આ કિસ્સામાં પત્નીને તેની ઈચ્છાની વિરુદ્ધ તેના પતિ સાથે રહેવા માટે આદેશ ન કરી શકાય.

સમગ્ર મામલો શું છે?
બનાસકાંઠામાં મુસ્લિમ યુવક-યુવતીએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. પત્ની નર્સ તરીકે સરકારી નોકરી કરે છે, જ્યારે પતિ કરિયાણાની દુકાન ધરાવતો હતો. આ દરમિયાન પત્નીને તેના સાસરિયા દ્વારા વિદેશમાં જવા માટે ફરજ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે પત્નીએ તેની પાસે સરકારી અને પ્રતિષ્ઠિત નોકરી હોવાથી, તે પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો. જેથી સાસરિયા પક્ષે તેને માનસિક રીતે ત્રાસ આપી અને તેના ચારિત્ર્ય પર શંકા કરવામાં આવતી હોવાનો દાવો કર્યો હતો. અંતે કંટાળી પત્નીએ વર્ષ 2015માં સાસરિયું છોડી પોતાના પિયરમાં રહેવા લાગી હતી.

પત્નીની મિલકત જપ્ત કરી કાર્યવાહીની દાદ માગી હતી
પત્ની છોડી જતા પતિએ પત્નીને પરત મેળવવા માટે મુસ્લિમ લો મુજબની જોગવાઈ પ્રમાણે લગ્ન હકો પરત મેળવવા ફેમિલી કોર્ટમાં પત્ની સામે દાવો માંડ્યો હતો. તેણે કોર્ટ સમક્ષ મુસ્લિમ કાયદા પ્રમાણે લગ્નનાં હક ન આપતી હોવાથી તેની મિલકત જપ્ત કરી કાર્યવાહી કરવા દાદ માગી હતી. જે સંદર્ભે ફેમિલી કોર્ટે પતિની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. જેની સામે પત્નીએ ગુજરાત હાઇકોર્ટમાં ફેમિલી કોર્ટના ચૂકાદાને રદ કરવા અરજી કરી હતી. જે સંદર્ભે સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કેટલાક મહત્વપૂર્ણ અવલોકન કર્યા હતા. જેમાં કોર્ટે નોંધ્યું હતું કે, આ કિસ્સામાં મુસ્લિમ કાયદો અલગ છે અને આ કેસની હકીકતો અલગ છે. જેથી કાયદો અને કેસની વાસ્તવિકતાને ધ્યાને લઇ ચૂકાદો આપ્યો છે.

મુસ્લિમ લોમાં બહુપત્નીત્વનો સ્વીકાર પણ પ્રોત્સાહન નહીં
અરજદાર પત્ની વતી હાઈકોર્ટમાં એડવોકેટ ચેતન પંડ્યા અને હેતલ ગૌરવ પટેલ હાજર રહ્યાં હતાં. એડવોકેટ હેતલ પટેલે જણાવ્યું હતું કે, જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે આ કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ અવલોકન એ પણ કર્યું કે, મુસ્લિમ લોમાં બહુપત્નીત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ તેને પ્રોત્સાહન નથી આપવામાં આવ્યું. એટલે કે મુસ્લિમ લોમાં કાયદો છે, પરંતુ આ કેસમાં કાયદાની સાથે કેસની વાસ્તવિકતા પણ ધ્યાને લેવી જરૂરી હોવાથી પત્નીની તરફેણમાં ચૂકાદો આપ્યો છે

અન્ય સમાચારો પણ છે...