વિશ્વાસઘાત:પત્ની ઓસ્ટ્રેલિયાથી પિતાની ખબર પૂછવા અમદાવાદ આવી, પતિએ મેટ્રીમોનિયલ સાઇટ પર પોતાનો બાયોડેટા મૂકી દીધો

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓસ્ટ્રેલિયામાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હોવાથી પતિ ફોન પણ રિસીવ કરતો નથી
  • મહિલાએ ચાંદખેડામાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી

ચાંદખેડામાં રહેતી યુવતીએ મેટ્રીમોનિયલ સાઇટ પરથી ઓસ્ટ્રેલિયામાં રહેતા નારણપુરાના યુવક સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ પતિ સાથે ઓસ્ટ્રેલિયા પણ ગઈ. અમદાવાદમાં પિતાની તબિયત બગડતાં યુવતી પિતાની ખબર પૂછવા માટે અમદાવાદ આવી હતી. બીજી તરફ પતિએ મેટ્રીમોનિયલ સાઈટ પર ફરીથી પોતાનો બાયોડેટા મૂકી દીધો. યુવતી પતિ કોલ કરે તો કોલ પણ રિસીવ નથી કરતો. આખરે પરિણીતાએ ચાંદખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમાજના રીત રિવાજ મુજબ યુવતીના લગ્ન થયા હતા
વિચિત્ર બનાવની જાણવા માટે વિગત એવી છે કે ચાંદખેડામાં રહેતી યુવતીના માતા-પિતાએ ત્રણેક વર્ષ પહેલા મેટ્રીમોનિયલ સાઇટને આધારે ઓસ્ટ્રેલિયામાં રહેતા નારણપુરાના એક યુવકની પસંદગી કરી હતી. બંને પરિવારોએ એકબીજા સાથે મુલાકાત કરીને પુરતી ચકાસણી કર્યા બાદ લગ્નનું નક્કી કર્યું હતું. યુવતીના લગ્ન ઓસ્ટ્રેલિયામાં રહેતા મોહિત ચૌધરી સાથે સમાજના રીત રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા.

1 વર્ષ અગાઉ યુવતી અમદાવાદ આવી હતી
યુવતીની ફરિયાદ છે કે, લગ્ન વખતે મોહિતના પરિવારે દહેજ પણ લીધું હતું. લગ્ન બાદ તેની પત્નીને ઓસ્ટ્રેલિયા લઈ ગયો હતો. મોહિતની બાજુમાં જ તેની બહેન પણ રહેતી હોવાથી રોહિતની પત્ની અને તેની બહેન વચ્ચે જુદા જુદા મુદ્દે વારંવાર તકરાર થતી હતી. પરિણીતાની ફરિયાદ મુજબ ગત વર્ષે તેના ચાંદખેડામાં રહેતા પિતાની તબિયત લથડતા તે ખબર પૂછવા માટે અમદાવાદ આવી ગઈ હતી. બીજી તરફ તેના પતિએ થોડા દિવસ બાદ અન્ય મેટ્રીમોનિયલ સાઈટ પર પોતાનો બાયોડેટા મૂકી દીધો હતો.

યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
આ બાબતે જ્યારે પરીણીતાને જાણ થઈ તો તેણે તેના પતિનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પતિ તેનો ફોન રિસિવ કરતો નથી. નારણપુરામાં રહેતા સાસુ-સસરાને પણ આ બાબતે ફરિયાદ કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. જેને કારણે પરિણીતાએ આ બાબતે ચાંદખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...