ગુજરાતના નેતા ગોરધન ઝડફિયાને શૂટ કરવા આવેલા શાર્પ શૂટરો અમદાવાદની એક હોટલમાંથી પકડાઈ ગયા છે. ત્યારે ગોરધન ઝડફિયાને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવ્યા તે અંગેના અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે, જેમાં ઝડફિયાની રાજકીય કામગીરી કે હિન્દુ નેતા તરીકેની છાપના લીધે ટાર્ગેટ બનાવ્યા હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.ગુજરાતમાં 2002ના કોમી રમખાણોમાં ગોરધન ઝડફીયાની કામગીરી દરમિયાન દુશ્મનાવટ ઊભી થઇ હોય અને 18 વર્ષ પછી બદલો લેવાની કોશિષ હોઈ શકે છે
લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની રાજકીય દુશ્મની હોવાની ચર્ચા
2019ની લોકસભાની ચૂંટણીમાં ગોરધન ઝડફિયાને ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં ભાજપને જીતાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી, એ દરમિયાન કોઈ રાજકીય દુશ્મન ઊભો થયો હોઈ શકે છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપની સરકાર રચવામાં સતત પ્રયત્નશીલ હતા. ગોરધન ઝડફિયા એ દરમિયાન પણ કોઈના દુશ્મન બની ગયા હોઈ શકે છે. ઉપરાંત વર્ષોથી હિન્દુવાદી નેતા તરીકેની છાપ ધરાવતા હોવાથી ગોરધન ઝડફિયાને કોઈ બીજી કોમ સાથે દુશ્મનાવટ ઊભી થઈ હોય તેમ બની શકે છે.
ગોરધન ઝડફિયા 2002માં ગુજરાતના હોમ મિનિસ્ટર હતા
ગોરધન ઝડફિયા હાલ નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રમુખ સાથે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ ગુજરાત ભાજપના ઉપપ્રમુખ છે. તેઓ 2002માં ગુજરાતમાં કોમી તોફાનો થયા ત્યારે ગૃહરાજ્યમંત્રી હતા. તેઓ ભાજપના દિગ્ગજ અને ફાયર બ્રાન્ડ નેતા તરીકે જાણીતા છે. તેઓ વર્ષોથી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે સંકળાયેલા રહ્યા છે. તેની રાજકીય અને હિન્દુ નેતા તરીકેની કારકિર્દીની શરૂઆત વિશ્વ હિન્દુ પરિષદથી શરૂ થઈ હતી. તેઓ 1995થી 97 અને 1998થી 2002 સુધી ધારાસભ્ય પદે રહ્યા હતા. તેમણે 2012માં ગુજરાતમાં કેશભાઈ પટેલ સાથે મળીને ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી હતી. જો કે તેમાં તેમના સફળતા મળી ન હતી. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં તેમણે ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.