તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેસ્ટ એડિટરની કલમે:સ્ત્રીના હિસ્સામાં પીડાના આંસુની ખારાશ જ કેમ?: નેહલ ગઢવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નેહલ ગઢવી, મોટિવેશન સ્પીકર - Divya Bhaskar
નેહલ ગઢવી, મોટિવેશન સ્પીકર

આમ તો જીવન અંતહીન રંગે, રૂપે અને રસથી મને ભિંજવે અને સ્પર્શે છે, અસંખ્ય વાતો મને સુઝે છે. પણ અત્યારે, આજે આ પળે અને આ સ્થળે હું આપ સૌની સાથે એવા પ્રશ્નો વહેંચવા માગું છું જેના કોઈ ઉત્તરો નથી અને હા એવા ઉત્તરો વહેંચવા માગું છે જેના કોઈ પ્રશ્નો પૂછતું નથી. ટુંકમાં હું મારા સાવ અંગત સ્વપ્નલોક , કલ્પનાલોક અને વિસ્મયલોકમાં આપને આમંત્રણ આપુ છું.

આ પૃથ્વી પર અત્યારે લગભગ 7.5 બિલીઅન લોકો (7,800,000,000) વસે છે. તેમાં 49.6% સ્ત્રીઓ છે અને 27.00% બાળકો છે જેમાંના માત્ર 2 થી 3 % બાળકો મનો-દિવ્યાંગ છે. આટલી મોટી સંખ્યા હોવા છતાં આ સ્ત્રીઓ અને બાળકોને આ જગત તેમનું ગૌરવ અને ગરિમા, ઓળખ અને અસ્મિતા, આકાશ અને ભૂમિ કેમ નથી આપતું ?

જે સ્ત્રી થકી જગતને રૂપ,રંગ,રસ મળે છે. સંસ્કૃતિને સૌન્દર્ય, સાહિત્ય-કલા, સર્જન અને આનંદ મળે છે અને સભ્યતાને પોતાની ધરી અને કેન્દ્ર મળે છે. તે સ્ત્રીના હિસ્સામાં શ્રમના પરસેવાની અને પીડાના આંસુની ખારાશ જ કેમ આવે છે? સ્ત્રીઓ અર્ધું આકાશ રોકે છે તેમ કહેનાર વિશ્વ તેને એકલતા અને ઉદાસીના અંધકારવાળી ખાલીખમ ઓરડી જ કેમ આપે છે? સ્ત્રીની મહત્તા વિશેના આવા સેંકડો સવાલો હું આપ સૌની ઝોળીમાં ભરી દઉં છું.- તે સ્વયં ને પણ પૂછજો અને અન્યને પણ પૂછજો.

આપણાં વિશ્વની કુલ બાળ વસ્તીના 3% અત્યંત તેજસ્વી બાળકો છે જયારે 3% દિવ્યાંગ બાળકો છે. પેલા તેજસ્વીને તો સૌ સ્વીકારે છે પણ દિવ્યાંગો તરછોડાયેલા જ રહી જાય છે. આપણે જો મનો-દિવ્યાંગોની વાત કરીએ તો આ એવા બાળકો છે જેમની પાસે ખુબ વિકસિત તર્ક, મન બુદ્ધિ, સિદ્ધિ, ગુણો, આવડતો નથી. અમારી સંસ્કાર નગરી ભાવનગરમાં એક ‘અંકુર’ નામક સંસ્થા છે જે આવા દિવ્યાંગો માટેનું એક આત્મવાન અભ્યારણ છે, જે છેલ્લા 42 વરસથી આવા બાળકો ને ઓળખવાનું અને ઓળખાવવાનું, મુલવવાનું અને પામવાનું, સાંભળવાનું અને સંભાળવાનું કામ હૃદયપૂર્વક કરે છે. આ ‘અંકુર’ મારી કર્મભૂમિ છે. જ્યાં લગભગ છેલ્લા પંદર વરસથી આવા બાળકો પાસેથી જીવનનો પ્રેમ અને આનંદ હું શીખી રહી છું.

અંકુરના આંગણે અને ઓટલે બેસીને, તેના વર્ગખંડો અને બાળકોના હૃદય ખંડોમાં બેસીને તેમના શબ્દોનો કલબલાટ અને ગીતોનો ગણગણાટ, ચિત્તનો કલરવ અને મૈત્રીનો ગુંજારવ, આસ્થાનો પગરવ અને જીવનનો ધબકાર ધ્યાનસ્થ બનીને હું સાંભળું છું. કદાચ આને જ જીવન સાધના કહેવાતી હશે.

મારા બાળકોની પીડા અને પડકારો લઈને જીવતી તેમની માતાઓ કેટલો ધિક્કાર, વિવશતા અને અપમાન જીવે છે તેની પણ મને ખબર છે. મને શ્રધ્ધા છે કે સાત અબજની વસ્તી ધરાવતા આ સમૃદ્ધ વિશ્વમાં આ બે- ત્રણ ટકા લોકોને સૌ સાચવી લેશે.

મને અંગત રીતે તો હંમેશા એમ પ્રતિત થાય છે કે આ વિશ્વમાં જન્મ લેતું દરેક દિવ્યાંગ બાળક:પરમ અસ્તિત્વ નો કોઈ નુતન પ્રયોગ અને પ્રયાસ છે, પરમ જીવનનું કોઈ નૂતન કાવ્ય અને ચિત્ર છે, ચાલો, આપણાં હિસ્સામાં આવેલ સુખ અને સંપતિ ને, ઉલ્લાસ અને ઉજાસને, આનંદ અને મૈત્રીને બે મુઠ્ઠી તેમની સાથે પણ વહેંચીએ.

અન્ય સમાચારો પણ છે...