શ્રેયસ ફાઉન્ડેશન સ્કૂલના સંચાલકો દ્વારા પ્રાથમિક શિક્ષકોના પગારના માળખામાં કરવામાં આવતા ભેદભાવ અંગે પિટિશન કરાઈ છે. શિક્ષકો તરફથી એડવોકેટ એસ.એચ ઐયરે એવી દલીલ કરી હતી કે, શ્રેયસ ફાઉન્ડેશનના સંચાલકો તેમની પ્રાથમિક સ્કૂલને બીજી ટ્રેડિશનલ પ્રાથમિક સ્કૂલ જેવી ગણવા ઇન્કાર કરીને શિક્ષકોને સરકારે નક્કી કરેલો પગાર ચૂકવતા નથી. 30 વર્ષથી લડી રહેલા શિક્ષકો નિવૃત્ત થઇ ગયા છે. છતા તેમને અન્ય પ્રાથમિક સ્કૂલના શિક્ષકો જેટલો પગાર મળ્યો નથી. આ અંગે ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે ફટકાર લગાવતા એવી ટકોર કરી હતી કે, શિક્ષકો સમાજનું ઘડતર કરે છે તેમની તમે આવી દશા કરો છો? 30 વર્ષ સુધી શિક્ષકોને તેમને હકના નાણાં માટે લડવું પડે તેનું અમને ઘણું દુ:ખ છે.
શ્રેયસ ફાઉન્ડેશનના ટ્રસ્ટીએ હાઈકોર્ટનું વલણ જોતા એવી દલીલ કરી હતી કે 24 કલાકમાં આ વિવાદને અમે સમાધાન કરી લઇશું. ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, જો 24 કલાકમાં ઉકેલ નહીં લાવો તો વકીલને દરેક અરજીના 25 હજાર દંડ ચૂકવવો પડશે. તમારે શિક્ષકો ઉપર દયા નથી ખાવાની તેમને સરકારી શિક્ષકો જેટલો પગાર મળવો જોઇએ.
ખંડપીઠે એવી ટકોર કરી હતી કે શ્રેયસ ફાઉન્ડેશનના શિક્ષકો જે પદ્ધતિથી ભણાવે છે તે બીજી ટ્રેડિશનલ પ્રાથમિક સ્કૂલ કરતા વધારે સારું ભણાવે છે. છતા તેમને પગાર ઓછો આપવામાં આવે છે. તેમને ઉચ્ચતમ પગાર ધોરણ મળવું જોઇએ. તેના બદલે તમે લઘુતમ કરતા પણ ઓછો પગાર આપો છો. તમે શિક્ષકોનો ઉપહાસ કરો છો?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.