ગુજરાતી મહાઠગ મુદ્દે કોંગ્રેસના 8 સવાલ:જમ્મુ કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારમાં આટલી મોટી સુરક્ષા ચૂક કેમ? આતંકવાદી હોત તો શું સ્થિતિ સર્જત?

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર દેશ અને રાષ્ટ્રીય સુરક્ષા સામે ચિંતાનો વિષય એવી જમ્મુ કાશ્મીરના અતિ સંવેદનશીલ વિસ્તારની મુલાકાત કિરણ પટેલ પીએમઓના અધિકારી બતાવી ફરી રહ્યા હતાની વિગતો સામે આવતા સૌ માટે અને ખાસ દેશની રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર સવાલ ઉભા કરે છે ત્યારે ભાજપ સરકાર અને પ્રધાનમંત્રી દેશની જનતાને જવાબ આપે તેવી કોંગ્રેસે માંગ કરી છે. 8 સવાલો કરીને કોંગ્રેસે પ્રહારો કર્યા છે.

કિરણ પટેલને ઓળખી કેમ ન શક્યા?: કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું કે, કિરણ પટેલે જમ્મુ કાશ્મીરમાં અધિકારીઓ સાથે બેઠક પણ કરી,લાલ ચોકની પણ મુલાકાત લીધી, ઉરીની કમાન્ડ પોસ્ટ સુધી ફરી આવ્યા અનેક અધિકારી સાથે બેઠક થઈ. કોંગ્રેસ પક્ષ - દેશની જનતાનો પ્રશ્ન છે કે કિરણ પટેલને ઓળખી કેમ ન શક્યા? ઓળખકાર્ડમાં પોસ્ટ બતાવી તેની ચકાસણી કેમ ન થઈ? ઝેડ પ્લસ સિક્યોરિટી માટે નિતિ નિયમ હોય છે. કોના આશીર્વાદથી સિક્યોરિટી સાથે ફરતા? જમ્મુ અને કાશ્મીર માટે મોટા દાવા કરતી સરકાર કેવી કે જે કનફોર્મ ન કરી શકે. નકલી પીએમઓ અધિકારી સંવેદનશીલ વિસ્તારમાં સત્તાવાર મુલાકાત તો કરે નકલી પીએસઆઈ કરાઈમાં ટ્રેનિંગ લઈ લે અને હવે આ કિસ્સો સામે આવ્યો, આટલી મોટી ચૂક કેમ થાય? કેન્દ્ર સરકાર જવાબ આપે.

વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો
ઠગ કિરણ પટેલના અનેક ભાજપ નેતા સાથે ફોટા છે,આ ફોટોગ્રાફ કિરણ પટેલના વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકેલા છે. અધિકારીની ગોઠવણ કે પદાધિકારીઓની મિલીભગત-ગોઠવણ છે? એ વાત તો ચોક્કસ છે કે આ રાષ્ટ્રીય સુરક્ષામાં ગંભીર ચૂક છે. ગૃહ મંત્રાલયની મદદ વગર ઝેડ પ્લસ સિક્યોરિટી કેમ મળે તેનો જવાબ આપવો જોઈએ. અહીં સુરક્ષાના નામે કોન્સ્ટેબલ ન મળે અને કિરણ પટેલને ઝેડ પ્લસ સિક્યોરિટી મળી રહી છે. આ ઠગ છે કે આખી ગોઠવણ હતી? આ મોટી ચૂક છે. બેદરકારી છે. ભાજપને પૂછવા માંગીએ છીએ કે મજબૂત સરકારની વાતો કરતી ભાજપ સરકાર લોકોને સુરક્ષા આપવા માંગે છે કે આવા નકલીને ઓળખકાર્ડ આપવા માંગે છે? આ તમામ વિગતોના ખુલાસાઓ થવા જોઈએ તે જરૂરી છે. કિરણ પટેલના સોશિયલ મીડિયામાં તમામ વીડિયો છે તપાસ થવી જોઈએ. આ કોઈ વિશેષ જવાબદારી હતી કે નકલી વ્યવસ્થા હતી ભાજપ જવાબ આપે

આ દેશની સુરક્ષા માટેનો મામલો: કોંગ્રેસ
મુખ્ય સવાલ સંવેદનશીલ વિસ્તારનો છે, રાષ્ટ્રીય સુરક્ષા એ મોટી અને ગંભીર બાબત છે. ત્રણ વાર અધિકારી સાથે બેઠક કરી, ઉરી કમાન પોસ્ટ સુધી જઇ આવ્યા. ઘણી મોટી બાબત છે. આ ભાજપ સરકારની જવાબદારી છે. હકીકત શું છે દેશની જનતાને જાણવું જરૂરી છે.નકલી પીએસઆઈની ટ્રેનિંગ લઈ શકે અને કિરણ પટેલ ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે ફરે તપાસ જરૂરી, ઠગની ગોઠવણ કોણે કરી તેની તપાસ જરૂરી છે. કોના કોના તાર જોડાયેલા છે તે સામે આવું જોઈએ. આ દેશની સુરક્ષા માટેનો મામલો છે તમામ પાસાની તપાસ થવી જોઈએ. તો જ દેશના લોકોને વિશ્વાસ આવશે. સરકારે લોકોને ભરોસો આપવો પડશે.

રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર બાબત અંગે કોંગ્રેસ પક્ષના મહત્વના સવાલનો કેન્દ્રની ભાજપ સરકાર જવાબ આપે.

1. કેમ આરોપી કિરણ પટેલને આધિકારીઓ કે સુરક્ષા વિભાગ ઓળખી ન શક્યા ?

2. કેમ ઉચ્ચ અધિકારીઓ પણ કિરણ પટેલના ઝાંસામાં આવી ગયા?

3. પીએમઓનું કાર્ડ અસલી કે નકલી તેની કેમ કોઈ તપાસ ન કરાઈ ?

4. જમ્મુ કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારમાં આટલી મોટી સુરક્ષા ચૂક કેમ ?

5. આરોપી બોર્ડર સુધી પોલીસ રક્ષણમાં ફર્યો છતાં કેમ કોઈને ગંધ ન આવી?

6. ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છતાં કેમ ઠગબાજની ઓળખ ન થઈ ?

7. કિરણ પટેલને બદલે કોઈ આતંકવાદી હોત તો શું સ્થિતિ સર્જત?

8. સંવેદનશીલ વિસ્તારમાં કોઈ મોટી ઘટનાને અંજામ મળ્યો હોત તો ?

J&K પોલીસ સાથે કિરણ પટેલની તપાસમાં ગુજરાત ATS જોડાયું
ગુજરાતમાં પોતાની પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ (PMO)ના માણસ તરીકેની ઓળખ આપતા કિરણ પટેલને અહીંયા કોઈ ઓળખી શક્યું નહીં, પણ તેને જમ્મુ-કાશ્મીરમાં પકડી લેવાયો છે. હવે ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્કવોર્ડ(ATS) તેને પૂછપરછ કરવા શ્રીનગર પહોંચી છે, પરંતુ ગુજરાત ATSના કેટલાક અધિકારીઓ જ કિરણ પટેલના સોશિયલ મીડિયા ફ્રેન્ડ છે.

મહાઠગ કિરણ પટેલ BJP ગુજરાતનો સભ્ય હોવાનો ગુજરાત AAPનો દાવો
ગુજરાત AAP દ્વારા મહાઠગ કિરણ પટેલનું ભાજપ સાથે કનેક્શન કાઢ્યું છે. ટ્વિટર પર તેના સભ્યપદ નંબર સહિતની વિગતો જાહેર કરી છે. ગુજરાત આપે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, BJP ગુજરાતના નેતા કિરણ પટેલ PMO ઓફિસર બનીને જનતાના ટેક્સના પૈસા વેડફી રહ્યા છે. તેનું ભાજપ સભ્યપદ નં. 1000130975. પોતાને PMO ઓફિસર કહીને કાશ્મીર જાય છે, સરકારી સુરક્ષા અને સુવિધાઓનો લાભ લે છે.

કાશ્મીરમાં Z+ સિક્યોરિટી સાથે ફરતો કિરણ મૂળ અમદાવાદનો
જમ્મુ-કાશ્મીરમાં પોતાને PMOનો અધિકારી જણાવીને ફરતા ભેજાબાજને પોલીસે ઝડપ્યો ત્યાં સુધીમાં તો કિરણ પટેલે તેમનો બરાબરનો ઉપયોગ કરી લીધો હતો. પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીઓને જાણવા મળ્યું કે, પોતાને હાઈ પ્રોફાઈલ અધિકારી જણાવનારો કિરણ મૂળ અમદાવાદના ઈસનપુરનો રહેવાસી હતો. હાલમાં એક વર્ષ પહેલાં જ તેણે પોશ સિંધુભવન રોડ પાસે બંગલો લીધો હતો અને ફેમિલી સાથે ત્યાં રહેવા ગયો હતો.

જમ્મુ-કાશ્મીરમાં પોલીસે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યા બાદ અમદાવાદના રહેવાસી એવા કિરણ પટેલની ધરપકડ કરી છે. કિરણ પટેલે PMOનો અધિકારી હોવાનું કહી ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ મેળવી હતી. ત્યારે અમદાવાદ ખાતે રહેતી કિરણ પટેલની પત્ની માલિની પટેલનો દિવ્ય ભાસ્કર દ્વારા સંપર્ક કરતા જણાવ્યું હતું કે, કિરણને ફસાવવામાં આવ્યો છે. PMOમાં કિરણને બધા ઓળખે છે, એમની કોઈ બદનામી કરી રહ્યું છે, કોઈ છે જે તેની પાછળ પડ્યું છે પરંતુ કોણ છે તેની નથી ખબર.

કિરણ પટેલ સાથે તેમનાં પત્ની પણ કાશ્મીર ગયાં હતાં
જમ્મુ-કાશ્મીરમાં PMOના અધિકારી તરીકે ઓળખ આપીને હાઈ સિક્યુરિટી વચ્ચે ફરતા ગુજરાતીની પોલીસે ધરપકડ કરી છે. કિરણ પટેલના ઈસનપુર અને એસજી હાઈવે વિસ્તારમાં મકાન છે. હાલ કિરણ પટેલનો પરિવાર ઈસનપુર વિસ્તારમાં આવેલા ઘરમાં રહે છે. કિરણ પટેલ અવારનવાર કાશ્મીર આવતો જતો હોય છે. કિરણ પટેલ સાથે તેમનાં પત્ની પણ કાશ્મીર ગયાં હતાં.

કિરણ પટેલ પરિવારને પણ કાશ્મીર સાથે લઈ ગયો હતો.
કિરણ પટેલ પરિવારને પણ કાશ્મીર સાથે લઈ ગયો હતો.

કાશ્મીર પોલીસ પણ કિરણ માટે પોઝિટિવ છે
માલિની પટેલે જણાવ્યું હતું કે કિરણ પટેલ સાથે થયું તે ખોટું છે. કિરણને ફસાવવામાં આવ્યા છે. અમે ક્યારેય કોઈનું ખોટું કરતા નથી. અત્યારે કાશ્મીર પોલીસ પણ કિરણ માટે પોઝિટિવ છે. કશું હતું જ નહીં પણ ખોટી રીતે કિરણને ફસાવવામાં આવ્યા છે. કિરણ તો સારા ડેવલોપમેન્ટ માટે કાશ્મીર ગયા હતા અને કોઈએ ફસાઈ દીધા છે. તેમનું કાશ્મીરમાં કેટલાય સમયથી કામ ચાલુ જ છે. કામ ચાલુ હોય એટલે આવવા જવાનું રહે છે.

અન્ય સમાચારો પણ છે...