તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેસ્ટ એડિટરની કલમે:માના પ્રત્યે સ્નેહ દર્શાવવા એક જ દિવસ કેમ? એ તો રોજેરોજ વ્યક્ત થવો જોઈએઃ રાગિણી શાહ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાગિણી શાહ, અભિનેત્રી - Divya Bhaskar
રાગિણી શાહ, અભિનેત્રી

આજે, આ લખી રહી છું ત્યારે મારી જિંદગીના પાંચ દાયકા મેં રંગભૂમિ, સિનેમા અને ટેલિવિઝન સાથે વિતાવ્યા છે. અઢાર વર્ષની ઉંમરે મારી ગુજરાતી ફિલ્મ ‘ડાકુરાણી ગંગા’ રિલીઝ થઈ ત્યારે હું રંગભૂમિ ઉપર નાટકો કરી ચૂકી હતી. એ પછી અનેક ગુજરાતી ફિલ્મો, હિન્દી ફિલ્મો, અને હિન્દી ટેલિવિઝન સીરિયલમાં કામ કરતી વખતે હું એક પછી એક પેઢીની યુવતીઓને મળતી રહી... એમની સાથે વાત કરવા, એમની પાસેથી બદલાતા સમયને સમજવાનું મને સદભાગ્ય મળ્યું છે. સમય બદલાયો છે, એની સાથે બદલાતી પેઢીઓની માનસિકતા પણ ખૂબ બદલાઈ છે. એમના વિચારો, વ્યવહાર અને જીવન પરત્વેનો અભિગમ પણ હું બદલાયેલો જોઉં છું. આમાં કશું ખોટું નથી, હું જૂની પેઢીની વ્યક્તિ તરીકે આ બદલાવ વિશે કોઈ કમેન્ટ કરવાને બદલે એક સાક્ષી તરીકે, ઓબ્ઝર્વર તરીકે આ બદલાવ વિશે વાત કરવા માગું છું.

આજે મધર્સ ડે છે. આખી દુનિયા માતૃત્વનો ઉત્સવ ઊજવે છે ત્યારે એક સવાલ એવો થાય કે, મા માટે, એના પરત્વે આભાર કે સ્નેહ વ્યક્ત કરવા માટે વર્ષનો એક જ દિવસ હોય ખરો ? ના... એને તો રોજ સ્નેહ અને આભાર મળવો જોઈએ, પરંતુ જેમ વર્ષમાં એક જ દિવસ દિવાળી હોય, એક જ હોળી કે એક દિવસ ઈશ્વરના જન્મનો ઉત્સવ હોય એમ આ એક ખાસ દિવસ આખી દુનિયાએ ‘મા’ માટે ફાળવ્યો છે. આજે મધર્સ ડેના દિવસે હું જ્યારે વિતેલા સમયને મારી ડ્રાઈવિંગ સીટમાં બેસીને કોઈ રિઅર વ્યૂ મિરરમાં પાછળની તરફ જોઉં છું ત્યારે મને આ પેઢીની બદલાયેલી યુવતિઓ માટે ગર્વ થાય છે.

આજના સમયમાં પુખ્ત થઈ ગયેલી છોકરી પોતાની જિંદગી વિશેના નિર્ણયો જાતે કરશે એવું નક્કી છે. એ પોતાના માતા-પિતાને આ વાત સ્પષ્ટ કહેતાં અચકાતી નથી. એમનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ જુદો છે. એ કોઈપણ વર્ગમાંથી આવતી હોય, પરંતુ એમનો પોતાના વિશેનો અભિગમ સ્પષ્ટ છે અને વિતી ગયેલી પેઢી કરતાં વધુ નવો – આધુનિક છે. એમની પાસેથી ઘણું શીખવા જેવું છે. એમના વિચારો અને નિખાલસતા અમારી પેઢીને વિચારતાં કરી મૂકે એવી છે. એ લોકો પ્રમાણમાં પ્રેક્ટિકલ છે. શું જોઈએ છે અને શું મહત્ત્વનું છે એ વિશેની એમની સ્પષ્ટતા ક્યારેક દાદ માગી લે એવી છે. આર્થિક સલામતી લગભગ દરેક યુવતિ માટે આજના સમયમાં ખૂબ મહત્ત્વની છે અને એને માટે એમની કારકિર્દી એમને જરૂરી લાગે છે.

કારકિર્દી અને આર્થિક સ્વતંત્રતા હોય તો અંગત સ્વતંત્રતા અનિવાર્ય બની જાય છે અને આ ત્રણેય હોય તો આત્મસન્માન હોય અથવા હોવું જ જોઈએ એવું આ પેઢી માને છે. એમને સતત નવું જાણવા-શીખવાની તાલાવેલી છે. એમને ઝડપથી આગળ વધવું છે. સફળતા મેળવવી છે અને એમાં સામે આવતા પડકારોનો સામનો કરવાની એમને હિંમત છે. આ નવી પેઢી નિષ્ફળતાથી ડરતી નથી. કોઈપણ મુશ્કેલી કે સંકટોનો સામનો સામાન્ય રીતે જાતે અને એકલા જ કરવાનું પસંદ કરે છે. નાની નાની વાતમાં માતા-પિતા, પતિ કે બોયફ્રેન્ડ પાસે દોડી જવું આ પેઢીની યુવતિઓને જરૂરી નથી લાગતું.

એમને કૌટુંબિક જવાબદારીનું ભાન પણ છે... એમને માતા-પિતા વડીલોની સંભાળ રાખવાની અને એમની કાળજી લેવાની તૈયારી છે, પરંતુ એની સામે આ નવા જમાનાની યુવતિઓ કારકિર્દી માટે કે સ્વતંત્રતા માટે એકલી રહેવાનું પસંદ કરે છે. બને ત્યાં સુધી કામની નજીકના સ્થળે એ ઘર શોધવાનો પ્રયાસ કરે છે. એમને રોકટોક કે ડિસ્ટર્બન્સ બહુ સ્વીકાર્ય નથી. એ પોતાની મરજી પ્રમાણે જીવવા માગે છે. એમાં રહેલા જોખમ અને જવાબદારી બંનેનું એમને ભાન પણ છે અને એ પ્રકારના જોખમનો સામનો કરવા આ યુવતિઓ પ્રમાણમાં ઘણી તૈયાર પણ છે અને પોતાના નિર્ણયો જાતે લેવા માગે છે. એના સારા-નરસા પરિણામની જવાબદારી પણ પોતે લેવા તૈયાર છે. એમની સમજણ છે કે, એ જે કંઈ કરી રહી છે, જીવી રહી છે અથવા જે પ્રકારના સ્વપ્નો જુએ છે એમાં બીજા લોકો માટે (માતા-પિતા, વડીલ અને પતિ માટે પણ ક્યારેક) પ્રમાણમાં ઓછી જગ્યા છે. એમની પ્રગતિમાં કે જીવનશૈલીમાં કોઈનોય અવરોધ હવે એમને મંજૂર નથી.

આજથી વીસ વર્ષ પહેલાં લગ્નની વય વધુમાં વધુ 24 કે 25 વર્ષની ગણાતી. લગ્ન એ સલામતી કે સેટલમેન્ટનો એક જરૂરી મુદ્દો ગણાતો. હવે છોકરીઓ 30-32 વર્ષ સુધી પણ લગ્ન કરવાનું ટાળે છે. એમની પાસે શારીરિક સંબંધો અને લાગણીના સંબંધો વચ્ચેના તફાવતની પાકી સમજ છે. બોલચાલમાં, વર્તનમાં, કોની સાથે કેટલું અંતર રાખવું એની એમને સમજણ છે. હવેની છોકરીઓ માટે લગ્ન કરીને સંતાનોને જન્મ આપવો એ જીવનનો એકમાત્ર ઉદ્દેશ નથી. એમને માટે અત્યારે એમની કારકિર્દી, એમની સ્વતંત્રતા અને આર્થિક સલામતી લગ્ન કરતાં ઘણા વધુ મહત્ત્વના છે. એમને એ ખબર છે કે, પ્રેમ થાય, પરંતુ એ વ્યક્તિ સાથે જીવનભર રહી શકાશે કે નહીં, એ વિશે પાકી ચકાસણી અને નિર્ણય કરતાં પહેલાં પોતાને પણ તૈયાર કરવાની જરૂર હોય છે.

મોટાભાગની આધુનિક યુવતિઓને માતૃત્વની ઝંખના હોય છે, પણ એને માટે લગ્ન ન કરવા હોય તો આ યુવતિઓ બાળકને દત્તક લેવા તૈયાર છે. આ નવા જમાનાની યુવતિઓ સમજે છે કે, એક બાળકને જન્મ આપવો એના કરતાં આ ધરતી પર જન્મી ચૂકેલા એક બાળકનું જીવન સુધારવું એ વધુ મહત્ત્વનું અને અગત્યનું છે. અભિનેત્રીઓથી શરૂ કરીને કોર્પોરેટ વર્લ્ડની બીજી કેટલીયે સ્ત્રીઓ હવે લગ્ન કરવાને બદલે લિવ ઈન રહેવાનું અને ગર્ભ ધારણ કરવાને બદલે બાળક દત્તક લેવાનું પસંદ કરે છે. આ નવી પેઢી, છોકરી કે છોકરો વર્તમાનમાં જીવવા માગે છે. જીવનને માણવા માગે છે. એમની પાસે એમના સ્પષ્ટ ધ્યેય અને લક્ષ્ય છે. એમની સફળતાની વ્યાખ્યા આપણાથી જુદી છે અને સાથે જ નિષ્ફળતા માટે આ પેઢી એમના માતા-પિતાની પેઢી કરતાં ઘણી વધુ તૈયાર અને સક્ષમ છે.

હું જુનવાણી નથી, બલ્કે સાચું પૂછો તો મારી પેઢીમાં પણ હું પ્રમાણમાં આધુનિક કહેવાતી હતી. એ માનસિકતા સાથે પણ હું જ્યારે આ નવી પેઢી તરફ જોઉં છું ત્યારે આ યુવતિઓની હિંમત, નીડરતા, નિખાલસતા મને ગમે છે. એમની સાથે વાતો કરીને ક્યારેક મને પણ મારા કેટલાક સવાલોના જવાબો મળ્યા છે એવું મારે સ્વીકારવું જોઈએ. તેમ છતાં, મને ક્યારેક સવાલો થાય છે કે, નવી પેઢીની યુવતિઓનો આ આત્મવિશ્વાસ, જીવન પાસેથી વધુ પડતી અપેક્ષા, કે પછી લક્ષ્ય તરફની આંધળી દોટ... સ્વતંત્રતા માટેની એમનું ઝનૂન અને વર્તમાનમાં, અત્યારની ક્ષણમાં જીવી લેવાનો એમનો અભિગમ અને કારકિર્દીને જ કેન્દ્રમાં રાખીને જીવાતી એમની જિંદગી, કે એમની આ ન માની શકાય તેવી સ્પષ્ટતાઓ એમને જીવનમાં જરૂરી લાગણીઓથી વંચિત નહીં કરી નાખે ને ? આવા કારકિર્દીલક્ષી કે આર્થિક સ્વતંત્રતાલક્ષી એમના વિચારો એમની ભીતર રહેલી ઋજુતા કે એના માતૃત્વ પર અસર કરશે ?

સમય સાથે બધું બદલાય છે, પરિવર્તન જીવનનો અને સંસારનો નિયમ છે... એ પરિવર્તનને આપણે સૌએ સ્વીકારવું પડશે, પરંતુ સાથે સાથે આપણા અનુભવ અને આપણી કાળજીને કોરે નહીં મૂકી શકાય. નવી પેઢીની પાંખો નવી છે, એમની આંખો નવી છે અને એમને મળેલું આકાશ પણ નવું છે... ઊડતાં ઊડતાં ક્યાંક આ પેઢી ગોથું ખાય કે ભટકાય તો આપણે સૌએ આપણા ખોળા ધરીને તૈયાર ઊભા રહેવાનું છે... એ પછડાય, પણ એમને વાગે નહીં એ જોવાની ફરજ એમની પહેલાંની... મારી, તમારી અને આપણી પેઢીની છે...

અન્ય સમાચારો પણ છે...