અમદાવાદના હાટકેશ્વર બ્રિજના નિર્માણમાં કઈ હદનો ભ્રષ્ટાચાર થયો છે એના હવે રોજ નવા પુરાવા મળી રહ્યા છે. સાવ નબળામાં નબળી કક્ષાના મટીરિયલના ઉપયોગને કારણે પાંચ વર્ષમાં જ આ બ્રિજનો જીર્ણોદ્ધાર કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, ખુદ સરકારના જ ઓડિટ રિપોર્ટમાં જ ઘટસ્ફોટ કરાયો છે કે હાટકેશ્વર બ્રિજના બાંધકામ સમયે વિવિધ કન્સલ્ટિંગ એજન્સીઓને કરાયેલી રૂ. 2.45 કરોડની ચુકવણીનો કોઈ રેકોર્ડ જ નથી. બીજી તરફ, પ્રૂફ ચેકિંગ કન્સલ્ટન્ટને અમદાવાદ મ્યુનિ.એ ઉપરથી ઓર્ડર થતાં ચાર ગણી વધુ રકમ ચૂકવી દીધી છે.
મ્યુનિ. અધિકારીઓ-કોન્ટ્રેક્ટરોની મિલીભગત
હાટકેશ્વર બ્રિજના બાંધકામની ગુણવત્તા સાવ નિમ્નકક્ષાની છે એમાં તો હવે કોઈ બેમત રહ્યો નથી. જોકે રોજ કબાટમાંથી એક નવું મડદું બહાર આવે ને બરાબરનું ગંધાય એમ હાટકેશ્વર બ્રિજના નિર્માણમાં રોજ એક નવી પોલનો ભાંડો ફૂટી રહ્યો છે. ખુદ રાજ્ય સરકારના વર્ષ 2015-16માં બ્રિજના બાંધકામ સમયના ઓડિટ રિપોર્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલીભગતનો ઘટસ્ફોટ થયો છે. આ બ્રિજની કોન્ટ્રેક્ટર કંપની અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને કામગીરીના વિલંબ પેટે રૂ. 12.69 લાખનો દંડ કરવાનો હતો, પરંતુ આ દંડની વસૂલાતમાં પણ ઢીલ દાખવાઈ હતી. છે. ટેન્ડરની શરત મુજબ 1% ટેસ્ટિંગ ચાર્જ બિલની કપાતમાંથી બાદ કરવાનો હોય છે, જે કદી કરાયો જ નથી. ટેસ્ટિંગ ચાર્જ પેટે રૂ. 38.83 લાખની રકમ વસૂલવી જોઈએ, પરંતુ સંસ્થાએ ટેસ્ટિંગ ચાર્જ પેટે વસૂલ્યા છે એવો કોઈપણ પ્રકારનો ઉલ્લેખ નથી, એવું આ ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યું છે.
SGS પ્રા. લિ.નાં બિલોમાં પણ વિસંગતતાઓ
વધુમાં ઓડિટ રિપોર્ટ દરમિયાન ફાઈલોની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે હાટકેશ્વર બ્રિજના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે SGS પ્રાઇવેટ લિમિટેડે રજૂ કરેલાં બિલોની ચુકવણીમાં પણ ગોટાળા છે. જે ત્રણ બિલ રજૂ કર્યાં છે એમાંથી એક બિલમાં કામ પૂર્ણ થયાની તારીખમાં એક દિવસનો ફેરફાર કરાયો છે. કામગીરી પૂર્ણ થયાનો બે બિલોમાં સરખી તારીખ છે, જ્યારે એક બિલમાં એક દિવસ પછીની તારીખ રજૂ કરાઈ છે. ત્રણેય બિલ રજૂ કરવામાં આવ્યાં છે એમાં કામગીરીનો સમયગાળો એકસરખો હોવા છતાં પણ બિલ રજૂ કરવાની તારીખમાં ચાર મહિના અને 15 દિવસનું અંતર આવ્યું છે. આમ, કામગીરીમાં વિલંબ થયો હોવાથી વિલંબ વળતરથી બચવા માટે આ પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હોવાની પણ ઓડિટ રિપોર્ટમાં નોંધ કરવામાં આવી હતી.
પ્રૂફ ચેકિંગના 5 લાખને બદલે 19 લાખ ચૂકવ્યા
ઇન્કમટેક્સ અને સેસની કપાતમાં પણ અનિયમિતતાઓ ઊડીને આંખે વળગે એવી છે. આ મામલે યોગ્ય તપાસ આવશ્યક હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું. પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ડિઝાઇન કન્સલ્ટન્ટ, પ્રૂફ ચેકિંગ કન્સલ્ટન્ટ અને સુપરવિઝન ચાર્જ પેટે કુલ રૂ. 2.45 કરોડ ચૂકવાયા, પણ એના પેમેન્ટ્સનો કોઈ રેકોર્ડ જ ઓડિટ માટે મૂકવામાં આવ્યો નહોતો. પ્રૂફ ચેકિંગ કન્સલ્ટન્ટ માટે જે ખર્ચ અંદાજવામાં આવ્યો હતો એ રૂ. 5 લાખ હતો, એને બદલે 4 ગણો વધારે રૂ. 19 લાખ ચાર્જ ચૂકવાયો છે. સુપરવિઝન અને કન્ટિજન્સી ચાર્જ પેટે રાજ્ય સરકારે ગ્રાન્ટમાંથી 3 ટકાને બદલે 5.45 ટકાની ગ્રાન્ટ કાપી હતી, જેને કારણે અન્ય કામોમાં નાણાંની અછત સર્જાતાં કામો વિલંબમાં મુકાઈ શકે છે એ બાબતને ધ્યાનમાં લેવામાં આવી નથી. એક્સ્ટ્રા આઇટમ પેટે ટેન્ડરની શરતોને બાજુમાં મૂકી રૂ. 11.19 લાખ ચૂકવાયા, આંતરિક ઓડિટની વ્યવસ્થા નબળી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
બ્રિજ બનતો હતો ત્યારે કોઈએ ચેક જ ન કર્યું
રાજ્ય સરકારના ઓડિટ રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ-રોડ વિભાગના અધિકારીઓએ આ બ્રિજની ગુણવત્તા જાળવણી બાબતે સાવ લાલિયાવાડી દાખવી છે. હાટકેશ્વર બ્રિજનું નિર્માણકાર્ય ચાલુ હતું ત્યારે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, ડિઝાઇન કન્સલ્ટન્ટ, પ્રૂફ ચેકિંગ કન્સલ્ટન્ટ વગેરે બાબતો પર સુપરવિઝન કે તપાસ કરવામાં જ આવી નહોતી. મ્યુનિ.ના કોઈ અધિકારીઓ અહીં ફરકતા પણ નહોતા. આ કારણથી વિલંબ વળતરની વસૂલાત, ટેસ્ટિંગ ચાર્જની વસૂલાત, ઇન્કમટેક્સ અને સેસની કપાતો તેમજ એક્સ્ટ્રા આઈટેમની વધારાની ચુકવણી બાબતે નાણાકીય અનિયમિતતા અને ટેન્ડરની શરતોનો ભંગ થયો હતો.
ભ્રષ્ટ અધિકારીઓએ કોઈ કાર્યવાહી જ ન કરી
આ તમામ બાબતોની ગંભીર નોંધ લેવા માટે ઓડિટ વિભાગ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. આમ છતાં અમદાવાદ મ્યુનિ.ના નીંભર અને ભ્રષ્ટ અધિકારીઓએ આ મામલે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી જ નહોતી. ઊલટાનું દરેક ચેકિંગ વખતે સબ સલામત હોવાનું રાજ્ય સરકાર સમક્ષ ગાણું ગાયે રાખ્યું હતું. આમ, ગુજરાત સરકારના ઓડિટ રિપોર્ટની વિગતો પરથી સ્પષ્ટ જણાય છે કે અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓ અને કોન્ટ્રેક્ટરથી લઇ તમામ લોકોને બચાવવાના પ્રયાસ પણ આ બ્રિજના બાંધકામ સમયે કરવામાં આવ્યા હતા.
હલકી કક્ષાનાં મટીરિયલનો રિપોર્ટ હજી બાકી
હજુ તો હાટકેશ્વર બ્રિજના નિર્માણમાં વપરાયેલાં હલકી કક્ષાનાં મટીરિયલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ત્યાં સરકારના ઓડિટ રિપોર્ટમાં બ્રિજ બાંધકામ સમયે અધિકારીઓ અને કોન્ટ્રેક્ટર વચ્ચે સાઠગાંઠ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. 2015-16ના ઓડિટ રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બ્રિજની કામગીરીમાં વિલંબ ઉપરાંત સંખ્યાબંધ ક્ષતિ અને ગેરરીતિ થઈ છે. આનો રિપોર્ટ પણ જે-તે સમયે રાજ્ય સરકારના ઓડિટ વિભાગે કોર્પોરેશનને આપ્યો હતો. જોકે આ ઓડિટ રિપોર્ટ પર મ્યુનિ.એ કોઈપણ પ્રકારની તપાસ કરી નહોતી.
વાહનો માટે હાટકેશ્વર બ્રિજ ફરી બંધ કરાયો
શહેરના પૂર્વ વિસ્તારના સૌથી વ્યસ્ત ગણાતા હાટકેશ્વરના છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ પર ગત ઓગસ્ટમાં ગાબડ઼ું પડ્યું ત્યારથી વાહનો માટે આ બ્રિજ બંધ કરાયો હતો. બ્રિજની કામગીરી નબળી જણાતાં તંત્રએ બ્રિજ નીચે સપોર્ટ માટે લોખંડના ટેકા મૂક્યા છે, પરંતુ લોકોને ભય છે કે ગમે ત્યારે બ્રિજ ધરાશાયી થઈ શકે છે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. લોકોનો આક્ષેપ છે કે હલકી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ કરીને બ્રિજ બનાવાયો હોવાથી આ નોબત આવી છે. લોકોના ટેક્સના રૂપિયા ભ્રષ્ટાચારમાં બરબાદ થઈ ગયા છે. વિકાસના નામે લોકોની મુશ્કેલી દૂર કરવાને બદલે ઊલટાની વધારી દીધી છે. તંત્ર ઘોર નિદ્રામાં હોય એવું લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.