પ્રેશર પોલિટિક્સ:નરેશ પટેલને ચૂંટણી નજીક આવે ત્યારે જ કેમ સમાજ યાદ આવે છે? સરકારને ડિસ્ટર્બ કરવા કે પછી ત્રીજા પક્ષને ટેકાનાં એંધાણ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસમાં બે રાજકીય અને એક સામાજિક કાર્યક્રમ
  • 12 જૂને ખોડલધામમાં લેઉવા અને કડવા પાટીદારના આગેવાનો વચ્ચે બેઠક મળી
  • 14 જૂને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત આવશે, 15 જૂને ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક

ખોડલધામના નરેશ પટેલને હરહંમેશ જ્યારે જ્યારે ચૂંટણીઓ નજીક આવે ત્યારે ત્યારે જ સમાજ યાદ આવે છે. બરાબર ચૂંટણી પહેલાં જ સમાજના લોકોને એકઠા કરી બંધબારણે મીટિંગો કરે છે અને પોતે મૌન ધારણ કરી લેતા હોય છે. ચૂંટણી લડશે કે નહીં, કયા પક્ષને ટેકો આપશે એની કોઈ ખૂલીને વાત પણ નથી કરતા. આજે ફરી ખોડલધામ ખાતે લેઉવા અને કડવા પટેલ સમાજના આગેવાનો મળ્યા હતા. હજુ વિધાનસભા ચૂંટણીને પણ દોઢ વર્ષ જેટલી વાર છે છતાં આટલી વહેલી તૈયારી કેમ? શું કામ સરકારને ડિસ્ટર્બ કરવાની વાત કે પછી કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે તો ત્રીજા પક્ષના ટેકાનાં એંધાણ છે.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર કેજરીવાલ 14 જૂને ગુજરાત આવી રહ્યા છે.

ભવિષ્યમાં 'આપ'નું વર્ચસ્વ હશે એવું મને લાગે છેઃ નરેશ પટેલ
નરેશ પટેલે આજે ખોડલધામ ખાતે સ્પષ્ટ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં ક્યાંક ને ક્યાંક તંત્ર ફેલ થયું છે અને એ આપ સૌએ જોયું છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી, પરંતુ હાલ 'આપ' જે રીતે આગળ વધે છે એનાથી ભવિષ્યમાં એનું વર્ચસ્વ હશે એવું મને લાગે છે. 'આપ’એ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં છે અને એની કામ કરવાની શૈલી પણ ઉમદા હોવાને કારણે એનું ભવિષ્ય ઘણું ઊજળું દેખાઈ રહ્યું છે. આ નિવેદન કઈ તરફ ઈશારો છે એને લઈને એક રાજકીય ચર્ચા જાગી છે.

ત્રીજો પક્ષ ચૂંટણી લડશે તો પાટીદાર સમાજમાંથી મુખ્યમંત્રીનો ચહેરો?
શું ત્રીજો પક્ષ ગુજરાતમાં દરેક બેઠકમાં ચૂંટણી લડશે તો પાટીદાર સમાજનો ચહેરો મુખ્યમંત્રી બનશે તો એને ટેકો જાહેર કરશે, એ પણ એક ચર્ચાનો વિષય છે. નરેશ પટેલ સહિત સમાજના અગ્રણીઓએ કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં ગુજરાતનો મુખ્યમંત્રી પાટીદાર હોય એવું ઇચ્છીએ છીએ અને કેશુભાઈને પણ યાદ કર્યા હતા. શું આ પાર્ટીમાં તેમને આવો ચહેરો દેખાય છે.

મીટિંગ યોજી પ્રેશર પોલિટિક્સ?
બીજી તરફ, આવી મીટિંગ યોજી શું ગુજરાતની ભાજપ સરકારને ડિસ્ટર્બ કરવા માગે છે. હાલ રાજકીય માહોલ ગરમાયો છે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે નરેશ પટેલ અંદરખાને કોંગ્રેસને ટેકો કરે છે એવું પણ જોવા મળ્યું છે. વિધાનસભા ચૂંટણી 2017માં પણ તેમના દીકરાએ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો અને ખોડલધામ સાથે સંકળાયેલા ટ્રસ્ટી દરજ્જાના લોકોને ટિકિટો પણ મળી હતી.

2012 વિધાનસભાઃ ખોડલધામનું શિલાપૂજન કર્યું
વર્ષ 2012ના ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના 11 મહિના પહેલાં એટલે કે જાન્યુઆરી 2012માં કાગવડ ખાતે ખોડલધામની શિલાપૂજન વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 21 લાખ પાટીદારો એકઠા થયા હતા. આ કાર્યક્રમ બાદ ઑગસ્ટ 2012માં કેશુભાઈ પટેલે 'ગુજરાત પરિવર્તન પાર્ટી'ની સ્થાપના કરી હતી, પરંતુ પરિણામ વિપરીત આવ્યાં હતાં.

વિધાનસભા 2017: હાર્દિકને મળ્યા અને કહ્યું, અમે તમારી સાથે છીએ
ડિસેમ્બર 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી સમયે પણ નરેશ પટેલ મેદાનમાં ઊતર્યા હતા. આ વિધાનસભા ચૂંટણી પહેલાં તત્કાલીન પાસ નેતા હાર્દિક પટેલ સાથે બંધબારણે બેઠક કરી હતી. મીટિંગ બાદ હાર્દિક પટેલે એવું ટ્વીટ કર્યું હતું કે નરેશભાઇ સાથે મારે 15 મિનિટ ચર્ચા ચાલી. નરેશભાઇએ એવું કહ્યું હતું કે જે કરો એ ઇમાનદારીથી કરજો, માતાજીની સાક્ષીએ કરજો, અમે તમારી સાથે છીએ.

2017માં પુત્રએ કોંગ્રેસના ઉમેદવારોને ટેકો જાહેર કર્યો હતો
વિધાનસભા 2017ની ચૂંટણીમાં પણ નરેશ પટેલે કોઈને ટેકો નહીં કરવો અને સંસ્થાને રાજકીય રંગમાં નહીં રંગવા દઉંની જાહેરાતો કરી હતી, તો બીજી તરફ તેના પુત્રએ કોંગ્રેસના ઉમેદવારોને ખુલ્લા મંચ પર પરથી ટેકો જાહેર કર્યો હોવા છતાં તમામ ઉમેદવારો હારી ગયા હતા. એ વખતે પણ વ્યક્તિગત સંબંધો છે એવું જણાવી રાજકારણ કર્યું જ હતું.

લોકસભા 2019: હાર્દિકને પારણાં કરાવ્યાં, કોંગ્રેસના નેતા સાથે બેઠક
લોકસભા ચૂંટણી 2019 પહેલાં 2018ના ઓગસ્ટમાં ઉપવાસ આંદોલન કરી રહેલા હાર્દિક પટેલને પારણાં કરાવવા માટે અમદાવાદ આવ્યા હતા. ત્યાર બાદ 2019ની લોકસભા ચૂંટણી જાહેર થતાં જ તેમની ચૂંટણી લડવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે બાદમાં નરેશ પટેલના પુત્ર શિવરાજને કોંગ્રેસમાં ચૂંટણી લડાવવાની તૈયારીઓ થઈ હતી તેમજ પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સાથે બેઠકો પણ યોજી હતી, જોકે બાદમાં શિવરાજ પટેલ ચૂંટણી મેદાનમાં ઊતર્યા નહોતા.

2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ઊંઝા ઉમિયાધામ ગયા
ગત ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જાન્યુઆરીમાં ઊંઝા ઉમિયાધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એક જ મંચ પર આવ્યા હતા. ઉમિયાધામની મુલાકાત દરમિયાન નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે રાજકીય અને સામાજિક બાબતોમાં જ્યારે પાટીદાર સમાજની નોંધ લેવામાં આવતી નથી.

ગોત્ર કોંગ્રેસી, પણ ભાજપનેય સાચવી લેવાની કળા
નરેશ પટેલની રાજકીય વિચારધારા કોંગ્રેસ તરફ ઝૂકેલી છે એ જગજાહેર છે, પરંતુ સમય મુજબ ભાજપના ટોચના નેતાઓનેય સાચવી લેવાની તેમની કળા એવી કારગત છે કે છેવટે નરેશ પટેલ કઈ બાજુ છે એ કોઈને ખબર પડતી નથી.

અગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે પણ હાર્દિક પટેલ સાથે બંધબારણે મુલાકાત થઈ હતી અને એ વખતે પણ હાર્દિકે નરેશ પટેલનો ટેકો હોવાનું જાહેર કર્યું હતું. નરેશ પટેલે બંધબારણે જે કંઈ કહ્યું હોય, પણ જાહેરમાં કશું જ ન કહીને હાર્દિકના દાવાની હવા કાઢી નાખી હતી. એ પછી તરત નરેશ પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની સાથે બેઠક કરતા જોવા મળ્યા હતા.

કાયમી પદ્ધતિઃ જાહેરમાં કશું નહિ બોલવાનું, ખાનગીમાં જશ લેવાનો
નરેશ પટેલ દરેકને સાચવી લેવાની કળામાં એટલા માહેર છે કે ખોડલધામની મુલાકાતે આવતા દરેક મોટા નેતાને તેમના દરજ્જા મુજબનાં માન-સન્માન આપે. બંધબારણે બેઠક પણ કરે. નેતા જાહેરમાં કંઈપણ બોલે, પરંતુ નરેશભાઈ મોંમાં મગ ભરી રાખે. છેવટે પરિણામ આવે ત્યારે જીતેલા પક્ષને કે નેતાને અંગત ધોરણે કહી દે કે અમે તમારું સમર્થન કર્યું હતું.

આમ, તેઓ હંમશાં દૂધ-દહીં બંનેમાં પગ રાખીને સૌનો રાજીપો જીતી રાખે છે. અલબત્ત, તેમની આ કૂટનીતિ છેવટે પાટીદાર સમાજના હિતમાં છે કે કેમ? સમાજના હિતની વાતો કરતા નરેશ પટેલને જો રાજકીય મહત્ત્વાકાંક્ષા છે તો ખૂલીને કેમ વ્યક્ત નથી કરતા એ અંગે પાટીદારોમાં પણ કચવાટ છે જ.