મંડે મેગા સ્ટોરી:ગુજરાતમાં આદિવાસી વોટબેન્ક કબજે કરવા ભાજપ, કોંગ્રેસ અને AAP એકાએક ઇલેક્શન મોડમાં શા માટે આવી ગયા?

4 મહિનો પહેલાલેખક: યશપાલ બક્ષી
  • આદિવાસી વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને કેજરીવાલ સભા ગજવી ચૂક્યા છે
  • હવે ફરી 10 જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના આદિવાસી વિસ્તાર ખુડવેલમાં સભા કરવાના છે

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ કરી ચૂક્યા છે. નોંધવા જેવી વાત એ છે કે ત્રણેય પક્ષે 2022માં સભાઓની શરૂઆત આદિવાસી વિસ્તારમાંથી કરી. 20 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં 21 હજાર કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા, સાથે વિશાળ જનસભા સંબોધી. 1 મે ગુજરાત સ્થાપના દિવસે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આદિવાસી વિસ્તાર ભરૂચ જિલ્લાના ચંદેરિયા ગામે જનસભા સંબોધી અને 10 મેના દિવસે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ દાહોદમાં જનસભાને સંબોધન કર્યું. હવે 10 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના આદિવાસી વિસ્તાર ખુડવેલમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે અને જનસભાને સંબોધન કરશે. આખરે ત્રણેય પક્ષના દિગ્ગજ નેતાઓએ શા માટે આદિવાસી વિસ્તારમાં આવવું પડ્યું ? શા માટે જનસભાને સંબોધવી પડી ? આખરે શું છે ગુજરાતના આદિવાસીઓની વોટબેન્કનું ગણિત...

ગુજરાતમાં આદિવાસીઓની વસતિ 1 કરોડ
દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની ખૂબ મોટી વસતિ છે. લગભગ એક કરોડ જેવી. આ વસતિમાંથી 80થી 82 લાખ જેટલા મતદારો છે. એ રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે અને એટલે જ તમામ રાજકીય પક્ષોએ આ વખતે ગુજરાત કબજે કરવા આદિવાસી વિસ્તારોમાંથી પ્રચાર શરૂ કર્યો છે.

આદિવાસી મતદારો શા માટે નિર્ણાયક
ગુજરાત વિધાનસભાની 182 સીટમાંથી 27 બેઠક આદિવાસી ઉમેદવારો માટે અનામત છે. આ બેઠકો પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠકો રહી હતી, પછી એ વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની. કોંગ્રેસનો પ્રચાર, પણ આ જ વિસ્તારમાંથી શરૂ થતો હતો. 2001માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વનબંધુ યોજનાના નામથી આદિવાસી વિસ્તારમાં વિકાસનાં કામો કર્યાં એટલે ધીમે ધીમે કેટલાક આદિવાસી વિસ્તારના મતદારો કોંગ્રેસને બદલે ભાજપ તરફ સરકવા લાગ્યા, પણ ભાજપ આદિવાસીઓને સંપૂર્ણપણે પોતાના તરફ ખેંચી શક્યું નહીં. આદિવાસી ઉમેદવારો માટે 27 સીટ ભલે અનામત રહી પણ વિધાનસભાની 40 જેટલી બેઠકો પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે.

કોંગ્રેસને આદિવાસી ધારાસભ્યોના ફટકા પડ્યા
આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતી પાર્ટી કોંગ્રેસને છેલ્લા દોઢ વર્ષમાં મોટા ફટકા લાગ્યા છે. વલસાડ તાલુકાની કપરડા બેઠક પર જિતુભાઈ ચૌધરી સતત ત્રણ ટર્મથી કોંગ્રેસમાંથી યૂંટાતા હતા. 2017માં પણ તે ચૂંટાયા. પણ રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ તેમણે કોંગ્રેસ સાથે ત્રણ દાયકા જૂનો છેડો ફાડ્યો અને ભાજપમાં જોડાઈ ગયા. પેટાચૂંટણીમાં તેઓ જીતી ગયા અને ભાજપમાં જોડાવાનું ફળ મળ્યું. તેમને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી બનાવાયા. જિતુભાઈ ચૌધરી પાસે કલ્પસર, ફિશરીઝ, નર્મદા, પાણીપુરવઠા જેવાં ખાતાં છે.
કોંગ્રેસને મોટો ફટકો ધારાસભ્ય અશ્વિન કોટવાલે આપ્યો. સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસમાંથી સતત ત્રણ ટર્મથી એ ચૂંટાતા આવ્યા છે. મે મહિનાની શરૂઆતમાં જ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને ભાજપનો ખેસ પહેરી લીધો. આ જ અરસામાં ભિલોડા વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય અનિલ જોશિયારાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું. કોંગ્રેસે સંનિષ્ઠ નેતા ગુમાવ્યા. હવે સ્વ. અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશિયારા રાજકારણમાં એન્ટ્રી કરી રહ્યા હોવાની વાતો સામે આવી છે અને સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે 24મી મેના દિવસે (આવતીકાલે) કેવલ જોશિયારા ભાજપમાં જોડાઈ જશે.

કોંગ્રેસને BTPનો પણ ફટકો પડ્યો
ભારતીય ટ્રાયબલ પાર્ટી-BTPના સ્થાપક છોટુભાઈ વસાવા વર્ષોથી આદિવાસી સમાજ માટે કામ કરે છે અને આદિવાસી સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે. ભરૂચની ઝઘડિયા બેઠક પર તે સતત જીતતા આવ્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું અને આ વખતે છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાએ ભરૂચના ચંદેરિયામાં યોજાયેલી આમ આદમી પાર્ટીની જનસભામાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપ સાથે જોડાણ કર્યું છે. કોંગ્રેસ અત્યારસુધી આદિવાસી વિસ્તારમાં આસાનીથી બેઠકો કબજે કરી લેતી હતી. આ વખતે આદિવાસી વિસ્તારમાં 15 બેઠકો જાળવી રાખવી એ પણ કોંગ્રેસ માટે ચેલેન્જ બની રહેશે.

BTP નેતા છોટુભાઈ વસાવા અને અરવિંદ કેજરીવાલ.
BTP નેતા છોટુભાઈ વસાવા અને અરવિંદ કેજરીવાલ.

27 વર્ષના શાસનમાં આદિવાસી વિસ્તારમાં ભાજપની પક્કડ કેમ ન બની ?
આદિવાસી અનામત 27 બેઠકમાં વર્ષોથી કોંગ્રેસનો પરચમ લહેરાતો હતો પછી ધીમે ધીમે બેઠકો વહેંચાઈ ગઈ છતાં પણ આ 27માંથી 15 બેઠક કોંગેસ પાસે જ રહે છે. ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી સત્તામાં છે. આ અઢી દાયકામાં ભાજપે વિકાસ કર્યા, આદિવાસી વિસ્તારમાં ભરપૂર મહેનત કરી. એનાથીય આગળ ભાજપના જ જૂના જોગીના કહેવા મુજબ, આજથી વર્ષો પહેલાં વનવાસી કલ્યાણ પરિષદ, હિન્દુ જાગરણ મંચ અને અન્ય સંગઠનો સાથે મળીને આદિવાસી બેલ્ટમાં એ સમયના ભાજપના મહાસચિવ સૂર્યકાંતભા આચાર્યે ખૂબ કામ કર્યું છતાં આદિવાસીઓ વિસ્તારમાં ભાજપનો પૂર્ણપણે પગપેસારો થઈ શક્યો નહીં, આજે પણ નથી થયો. એનું સૌથી મોટું કારણ એ છે કે આદિવાસીઓ વર્ષોથી કોંગ્રેસના કમિટેડ વોટર્સ રહ્યા છે.

ભાજપે રામ નામનું પ્રલોભન આપ્યું

સપ્ટેમ્બર-2021માં ભૂપેન્દ્ર પટેલની સરકાર બની તેમાં માર્ગ-મકાન અને પ્રવાસનમંત્રી તરીકેનો કારભાર પૂર્ણેશ મોદીને આપવામાં આવ્યો. ઓક્ટોબર-2021માં ડાંગમાં દસેરા મહોત્સવ દરમિયાન પૂર્ણેશ મોદીએ જાહેરાત કરી કે, શબરી માતાના વંશજ એવા આદિવાસી સમાજના લોકો અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થાનના દર્શન કરવા જશે તેમને સહાયરૂપ પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે. ગુજરાત સરકારની આ જાહેરાતથી વિવાદ પણ થયો હતો.

કોંગ્રેસનો સત્યાગ્રહ સંમેલન કાર્યક્રમ કેટલો અસર કરશે ?

ગુજરાતમાં કોંગ્રેસની વર્ષોની પરંપરા રહી છે કે એ પ્રચારની શરૂઆત આદિવાસી વિસ્તારમાંથી જ કરે છે. આ વખતે પણ એવું થયું. રાહુલ ગાંધીએ સભા કરી તેની સાથે જાહેરાત પણ કરી કે આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ છ મહિના માટે આદિવાસી સત્યાગ્રહ સંમેલન કરશે. આ સંમેલન કેટલી અસર કરશે, તે આવનારો સમય કહેશે પણ એક વાત ચોક્કસ કે આદિવાસી સમાજ શિક્ષિત બન્યો છે. એ બધું સમજે છે, બધું જાણે છે. ડિજિટલ યુગમાં આદિવાસી સમાજ જમાના સાથે ચાલી રહ્યો છે એટલે તમામ રાજકીય પક્ષોની વોટબેન્કની રાજનીતિ વિશે આ સમાજને પણ સારી સમજ છે.

ભાજપના ગળામાં હાડકાં અને પીછેહટ
કેટલીક બાબતોમાં ગુજરાતની ભાજપ સરકારને આદિવાસીઓનો વિરોધ ભારે પડ્યો છે. પાર-તાપી પ્રોજેક્ટની જાહેરાત થઈ ત્યારથી આદિવાસી સમાજ દ્વારા ભારે વિરોધ થયો. રસ્તા પર આંદોલનો થયા અને અંતે સરકારે પાર-તાપી પ્રોજેક્ટ રદ્દ કરવો પડ્યો. ક્યારેય પીછેહટ ન કરનારી ભાજપની ગુજરાત સરકારે આ મામલે પીછેહટ કરવી પડી. બીજો મુદ્દો એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટિ આસપાસના આદિવાસીઓને પૂરતી રોજગારી નથી મળી તેના કારણે વારંવાર વિરોધ થાય છે. જો કે, થોડાઘણા અંશે આ પ્રશ્ન ઉકેલવામાં ભાજપને સફળતા પણ મળી છે. ત્રીજો મુદ્દો નર્મદા જિલ્લામાં ઇકો સેન્સિટિવ ઝોન બનાવવાનો છે. જો ઇકો સેન્સિટિવ ઝોન બને તો હજારો આદિવાસીઓની રોજગારીને અસર થાય તેમ છે. એટલે ભાજપના ગળામાં આ હાડકું પણ ફસાયેલું છે.

ગુજરાતમાં આદિજાતિના 29 સમુદાયો

સમગ્ર આદિવાસી વસતિની અડધી વસતિ તો માત્ર ભીલ આદિવાસીઓની છે. ગુજરાતમાં આદિવાસીઓની વસતિ લગભગ 14% છે. ગુજરાતમાં આદિજાતિના 29 સમુદાય વસે છે. જે સમુદાયો મુખ્યત્વે ભીલ આદિવાસીઓની ઉપજાતિઓ છે, જેમાં ડુંગરી ભીલ, સોખલા ગરાસિયા, ડુંગરી ગરાસિયા, દુબળા, ધોડિયા, ગામિત, ચૌધરી, ધાનકા (તડવી), ગોંડે કાથોડી, વારલી, કોળી, કોંકણા (કુકણા), કુણબી, નાયક, પારધી, પટેલિયા, પોમલા, સીદી, કોટવાળિયા આદિ મુખ્ય આદિજાતિઓ છે.(સંદર્ભ : આદિજાતિ સાંસ્કૃતિક વારસો, માહિતી ખાતું, ગુજરાત સરકાર)

અન્ય સમાચારો પણ છે...