રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો અનામત રાખવા મામલે હાઇકોર્ટના આદેશનું પાલન નહી થતા કન્ટેમ્પટ પીટીશન કરાઇ છે. જેની સુનાવણી ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઇ હતી. અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, ગરીબ બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણના કાયદા હેઠળ ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો અનામત રાખવા હાઇકોર્ટે આદેશ કર્યો છે તેમ છતાં તેનું પાલન થતું નથી. ખંડપીઠે સરકાર સામે નારાજગી દર્શાવતા એવી ચીમકી ઉચ્ચારી હતી કે, અમે સેક્રેટરીને રૂબરૂ હાજર રાખવા અને ચાર્જફ્રેમ કરવા આદેશ કરીશું. તમે કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છો.
સંદીપ મુંજાયસરા નામના અરજદારે એવી દલીલ કરી હતી કે, વર્ષ 2018માં હાઇકોર્ટે ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો ગરીબ બાળકો માટે અનામત રાખવા આદેશ કર્યો હતો. પરતું તેનું સરકાર પાલન કરતી નથી. નવી સ્કુલોમાં પણ આરટીઇ હેઠળ પ્રવેશ અપાતો નથી. ખંડપીઠે સરકારની ઝાટકણી કાઢી હતી કે તમે કોર્ટના સીધા હુકમનું પાલન કેમ નથી કરતા? જુની અને નવી સ્કૂલો એવા ભેદભાવ થોડી હોય? તમારે આરટીઇ હેઠળની જાહેરાત આપવાનો હુકમ હોય તો આપો પણ કોર્ટના હુકમનું પાલન કરો.
સરકારે એવી દલીલ કરી હતી કે, તમામ ડીઇઓને તમામ ખાનગી સ્કૂલો પાસેથી આરટીઇ હેઠળની અરજીઓ મંગાવવાની સૂચના આપી દેવામાં આવી છે. નવી સ્કૂલો તેની હેઠળ આવે છે કે નહીં તે અંગે તપાસ કરવાની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.