તંત્ર સામે સવાલ:અમદાવાદની શારદાબેન તથા SVP હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને શા માટે દાખલ નથી કરાતા, દર્દીનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ?

અમદાવાદ9 મહિનો પહેલા
અધિકારીઓ પોતાની જવાબદારીથી છટકી રહ્યા છે
  • AMAના સભ્ય ડૉક્ટર વસંત પટેલે સવાલ ઉઠાવતાં કહ્યું આ પ્રકારના નિયમ અને કાયદા પાછળ તંત્રનું લોજિક શું છે?

અમદાવાદમાં કોરોના વધુ વિકરાળ બન્યો છે. શહેરમાં દર્દીઓને દાખલ કરવા માટે હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા નથી. ચારે તરફ વેઈટિંગની બુમો સંભળાય છે. ત્યારે તંત્રની કામગીરી પર ફરીવાર સવાલો ઉભા થયાં છે. શહેરની શારદાબેન અને SVP હોસ્પિટલમાં 108માં આવતા દર્દીઓને જ દાખલ કરવામાં આવે છે. પરંતુ 108 વિના આવતા દર્દીઓને દાખલ કરવામાં આવતાં નથી. આ પ્રકારનો નિયમ અને કાયદો બનાવવા પાછળનો તર્ક શું છે એવા સવાલો ઉભા થયાં છે.

AMAના સભ્ય ડોક્ટર વસંત પટેલે સવાલ ઉઠાવ્યો
અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય ડૉક્ટર વસંત પટેલે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે હાલમા મહામારીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા અમદાવાદની શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં 108માં જ આવતા દર્દીઓને દાખલ કરવામાં આવે છે. 108 સિવાય આવનારા દર્દીઓને દાખલ કરાતા નથી. આ પ્રકારના નિયમ અને કાયદા પાછળ તંત્રનું લોજિક શું છે. હાલમાં સ્થિતિ એવી છે કે 108નું વેઈટિંગ ખુબ જ લાંબુ છે. જેથી દર્દીને 108 દ્વારા જ લાવીને દાખલ કરવો એવો આગ્રહ કેમ રાખવામાં આવે છે. જો દર્દીનું સારવાર પહેલાં જ મોત થાય તો તેના માટે જવાબદાર કોણ?. આવા અન્યાય ભર્યા નિયમો બનાવનાર અધિકારીઓને આ સેવામાંથી મુક્ત કરવા સરકારને અપીલ પણ કરવામાં આવી છે.

આ પ્રકારના નિયમ અને કાયદા પાછળનો તર્ક શું છે? ડૉ.વસંત પટેલે સવાલ ઉઠાવ્યો
આ પ્રકારના નિયમ અને કાયદા પાછળનો તર્ક શું છે? ડૉ.વસંત પટેલે સવાલ ઉઠાવ્યો

મેડિકલ એસોસિયેશનએ મુખ્યમંત્રી પાસે માગી મદદ
અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પત્રમાં લખાયું છે કે, દેશભરમાં કોરોના વાયરસની મહામારીથી સ્થિતિ ગંભીર છે, જેમાંથી આપણું અમદાવાદ પણ બાકાત નથી. એક એસોસિએશન તરીકે અમે મેડિકલ સમાજનું પ્રિતિનિધિત્વ કરતા તમને તાત્કાલિક ઓક્સિજન સપ્લાયની અછતના મામલામાં ધ્યાન આપવા વિનંતી કરી રહ્યા છીએ. દરેક હોસ્પિટલમાં દર્દીને ત્યારે જ દાખલ કરાયે છે જ્યારે ઓક્સિજન લેવલ ઓછું થાય. પરંતુ કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતના કારણે ડોક્ટર્સ દર્દીઓની સારવાર કરવામાં અસમર્થ છે.

AHNAના વોટ્સએપ ગ્રુપમાં ઓક્સિજન માટે મદદ માગતા ડોક્ટરના ચેટનો સ્ક્રીનશોટ
AHNAના વોટ્સએપ ગ્રુપમાં ઓક્સિજન માટે મદદ માગતા ડોક્ટરના ચેટનો સ્ક્રીનશોટ

ડોક્ટરોએ વોટ્સએપ ગ્રુપમાં મદદ માગી
થોડા દિવસો પહેલા જ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોએશનના વોટ્સએપ ગ્રુપમાં ડોકટરો દર્દીઓ માટે ઓક્સિજન મેળવવા એકબીજાની મદદ માગી રહ્યા હતા. કોરોનાની સારવાર લઈ રહેલા મોટી સંખ્યામાં દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થતા અનેક હોસ્પિટલમાં ઓક્સિજનની ઉણપ વર્તાઈ રહી છે. એક ડોક્ટરે ઓક્સિજનની માગણી કરતા સામેથી જવાબ મળ્યો, 2 થી 3 કલાકમાં ઓક્સિજન પૂર્ણ થઈ જશે, બીજો કોઈ વિકલ્પ નથી. આમ તેઓ મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે.

કોંગ્રેસના નેતા અમિત નાયકે હોસ્પિટલની સમીક્ષા કરી હતી
કોંગ્રેસના નેતા અમિત નાયકે હોસ્પિટલની સમીક્ષા કરી હતી

અધિકારીઓ પોતાની જવાબદારીથી છટકી રહ્યા છે
કોંગ્રેસના નેતા ડો. અમિત નાયકે હોસ્પિટલોની સમીક્ષા કરીને કહ્યું હતું કે શારદાબેન હોસ્પિટલમાં કુલ 620 બેડની ક્ષમતા છે અને તેમાં 110 બેડ કોરોના માટે રાખ્યા છે. જ્યારે 19 વેન્ટીલેટર પણ ઉપલબ્ધ છે. એવી જ રીતે એલ.જી હોસ્પિટલમાં 800 બેડની ક્ષમતા છે. જેમાં 200 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યાં છે અને 40 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. તે ઉપરાંત SVP હોસ્પિટલમાં 1 હજાર બેડની ક્ષમતા છે. જેમાં 600 બેડ કોવિડ માટે ફાળવવામાં આવ્યાં છે અને 50 વેન્ટિલેટર પણ છે. આ સ્થિતિમાં દર્દીઓને અધિકારીઓ દ્વારા જાણી જોઈને પરેશાન કરવામાં આવે છે. અધિકારીઓ પોતાની જવાબદારીથી છટકી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...