રજની રિપોર્ટર:રૂપાણીની રાષ્ટ્રીય સંગઠનમાં નિયુક્તિ કોણે અટકાવી?

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ તેઓની ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં નિયુક્તિ કરાશે તેવું મનાતું હતું. એક વર્ગ એવું કહેતો હતો કે તેમને ઉપાધ્યક્ષ બનાવાશે, જ્યારે અન્ય વર્ગના માનવા પ્રમાણે મુખ્યમંત્રી બની ચૂકેલા નેતા રૂપાણીને ઉપાધ્યક્ષનું પદ આપવાને બદલે વડાપ્રધાન મોદી તેમને રાષ્ટ્રીય મહામંત્રી બનાવશે, કારણ કે ભૂપેન્દ્ર યાદવને કેન્દ્રમાં મંત્રી બનાવાયા હોવાથી તેમનું સ્થાન રૂપાણીને મળી શકે છે. પરંતુ આ વાત સાચી પડે તે પહેલાં જ કોઇ જબરદસ્ત ખેલ ખેલાઇ ગયો જેમાં રૂપાણીને કેન્દ્રીય સંગઠનમાં નિયુક્તિ ન મળી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ બંગાળ ભાજપના પ્રમુખ દિલીપ ઘોષ અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા અને તે દરમિયાન રૂપાણીનું નામ ક્યાંય આવ્યું નહીં.

CMએ કહ્યું, મારી ઓફિસ પાસે કોઈ MLA ન જોઇએ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની પ્રથમ કેબિનેટ બેઠકમાં નિર્ણય કર્યો કે દરેક મંત્રી અને અધિકારી સોમ-મંગળ પોતાની ઓફિસમાં હાજર રહેશે અને તેમને મળવા કોઇપણ ધારાસભ્ય આવે તો તેમને રાહ જોવડાવ્યાં વગર સન્માન પૂર્વક પોતાની કચેરીમાં તેમની રજૂઆતો સાંભળશે. પરંતુ માત્ર દસ દિવસમાં જ તેમના નિર્ણયથી વિપરીત બાબત તેમના પોતાના કાર્યાલયમાં જોવા મળી. તેમને મળવા આવેલા બે સિનિયર ધારાસભ્યોને શુક્રવારે મુખ્યમંત્રી કાર્યાલય છે ત્યાં જવા જ ન મળ્યું. આ ધારાસભ્યો જેવાં ત્રીજે માળે પહોંચ્યા ત્યાં તેમને સલામતી જવાનોએ અટકાવીને કહ્યું કે તમારે મુખ્યમંત્રી કાર્યાલયની લોબીમાં પણ જવાનું નથી, કારણ કે હાલ મુખ્યમંત્રી મહત્ત્વની મીટિંગમાં છે અને ઉપરથી આદેશ છે કે કોઇને ય જવા દેવાના નથી. આ સાંભળીને ધારાસભ્યોને પણ આશ્ચર્ય થયું કે તેમના વિસ્તારના મહત્ત્વના કામ માટે તેઓ મુખ્યમંત્રીને મળવા આવ્યા હતા તે દરમિયાન તેમને અટકાવી દેવાયા. તેઓ નિરાશ થઇને પાછા ફર્યા અને રજનીને જણાવ્યું કે જુઓ અત્યારથી જ આ હાલ છે તો આગલાં દિવસોમાં તો શું ય થશે.

IAS અધિકારીઓની બદલી ઓક્ટોબરના બીજા વીકમાં?
ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર બાદ આઇએએસ અધિકારીઓ અને તેમાંય સચિવ કક્ષાએ રહેલાં અધિકારીઓની બદલી ત્વરિત થઇ જશે તેવું મનાતું હતું. પરંતુ કોઇ કારણસર તેમાં બ્રેક લાગી ગઇ છે. હવે ઓક્ટોબરના બીજા સપ્તાહમાં આ બદલીઓના હુકમો આવી શકે તેવું સચિવાલયના સૂત્રો જણાવે છે. વિધાનસભા સત્ર અને મંત્રીઓના પ્રવાસોને કારણે ગયા સપ્તાહમાં આ બદલીઓ થઇ શકી ન હતી. પરંતુ હવે આ બદલીઓ નવરાત્રિ દરમિયાન થઇ જશે તેવું જાણવા મળ્યું છે. આ હુકમોમાં આઠેક જેટલાં આઇએએસ અધિકારીઓની બદલીઓ થઇ શકે છે, તે ઉપરાંત કેટલાંક મ્યુનિસિપલ કમિશનરો અને કલેક્ટરો પણ બદલાય તેવી ભરપૂર શક્યતા છે. આ સાથે ગુજરાત સરકાર આઇપીએસ અધિકારીઓની બઢતી અને બદલીના હુકમો પણ ઝડપથી ક્લિઅર કરીને જાહેર કરી દેશે.

ગાંધીનગરમાંથી મહામંત્રી રજની પટેલ ક્યાં ગાયબ
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી યોજાઇ રહી છે અને તેવામાં પ્રચારથી માંડીને વ્યૂહાત્મક ગોઠવણી કરવાની ભૂમિકામાંથી ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલ ગાયબ હોય તેવું દૃશ્ય છે. રજની પટેલ આમ તો ઉત્તર ઝોન ગુજરાતના પ્રભારી છે, તેથી ઉત્તર ઝોનમાં આવતી ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી હોય અને તેમાંય ખાસ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો લોકસભા વિસ્તાર હોય તો તેમની જવાબદારી હોવી જોઇએ. પરંતુ ભાજપના જ કેટલાંક નેતાઓ કહે છે કે આ ચૂંટણીની સમગ્ર જવાબદારીમાંથી રજની પટેલની જાણે બાદબાકી થઇ ગઇ છે. સંગઠનના અન્ય નેતાઓ અહીં પ્રવૃત્ત છે પણ પટેલ દેખાતા નથી. અગાઉ જ્યારે ચૂંટણી જાહેર થવાની હતી ત્યારે રજની પટેલને ઉમેદવારો માટેની સેન્સ લેવાથી માંડીને અન્ય કામગીરી સોંપાઇ હતી, પણ ચૂંટણી ટાણે જ તેમને જાણે દૂર કરી દેવાયા છે.

શંકર ચૌધરીને પાંખો ફૂટી, સી. આર. પાટીલે નોંધ લીધી, નવી ઉડાન ભરી શકે
ગુજરાતના ભાજપના નેતા શંકર ચૌધરી હાલ તો બનાસ ડેરીના ચેરમેન સિવાય કોઇ હોદ્દો ધરાવતા નથી, પણ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ કહે છે કે તેમને પાંખો ફૂટી છે. ગાંધીનગરમાં ગયા સપ્તાહે યોજાયેલાં આંજણા ચૌધરી સમાજ આયોજિત મુખ્યમંત્રી સન્માન સમારોહ કાર્યક્રમમાં પાટીલે મંચ પરથી આમ કહ્યું. મૂળમાં ચૌધરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વધુ નજીક સરકી રહ્યા છે, તેવું ભાજપના ઘણાં નેતા કહે છે. ચૌધરી થોડા સમય પહેલા મોદીને દિલ્હી જઇને મળી આવ્યા અને તે પછી તેમના મતવિસ્તાર વારાણસીમાં બનાસ ડેરીનો એક પ્લાન્ટ સ્થાપવા પણ જઇ રહ્યા છે. ગુજરાતના રાજકારણની તાસીર પણ અજબ છે, કોણ ક્યારે ઉપર આવી જાય અને કોણ ક્યારે તળીયે આવી જાય તે કહેવાય નહીં. પણ પાટીલે જે રીતે કહ્યું કે શંકર ચૌધરીને પાંખો ફૂટી છે, તે જોતાં ચૌધરી હવે કોઇ નવી ઉડાન ભરવાના હોય તેવું જણાય છે. ગઇ વખતે ચૂંટણી હારેલા ચૌધરી હવે પોતાની બેઠક બદલીને ય વિધાનસભા અને તે માર્ગે સરકારમાં પ્રવેશી શકે છે.

ઋષિકેશ પટેલે માર્ગ બદલ્યો ને એમની તબિયત ખરાબ હોવાની અફવા ફેલાઇ
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર અને રણનીતિના કામો માટે થતી બેઠકોમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી પહોંચ્યા હતા. એકાદ બે બેઠક કરીને તેમને ત્રીજી જગ્યાએ બેઠક માટે જવાનું હતું. પરંતુ ઋષિકેશ પટેલ ત્રીજી બેઠકમાં પહોંચવાને બદલે કોઇ અન્યત્ર સ્થળે જતા રહ્યા. આ તરફ બેઠકમાં જાહેર કરાયું કે ઋષિકેશ પટેલની તબિયત અચાનક બગડી હોવાથી તેઓ આવી શક્યા નથી. જોતજોતામાં તો આ સમાચાર વાયુવેગે બધે પ્રસરી ગયા અને લોકોમાં ચિંતા પેઠી કે અચાનક તેમને શું થઇ ગયું. જો કે મંત્રીએ પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ પર સ્પષ્ટતા કરવી પડી કે તેમને કાંઇ થયું નથી અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.

દુબઇ એક્સ્પોમાં ગયેલા આઇએએસ અધિકારીઓ આઇપીએલ જોવા જશે
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા દુબઇ એક્સ્પોમાં જઇ રહ્યા નથી. તેમના પદને શોભે તેવી જવાબદારી ન હોવાથી તેમણે આ પ્રવાસ કરવાનું માંડી વાળ્યું છે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે આ એક્સ્પોમાં ગુજરાતના મુખ્યમંત્રી, બિઝનેસ ડેલિગેશન કે કેન્દ્ર સરકારના પણ કોઇ મોટા નેતા જવાના નથી. આ એક્સ્પોમાં ગુજરાત માત્ર હાજરી પૂરાવવા માટે પોતાના અધિકારીઓને મોકલી રહ્યું છે અને ત્યાં આ અધિકારીઓએ જાણે સેલ્સ રેપ્રેઝન્ટેટિવ હોય તે રીતે કામ કરવાનું રહેશે. જોકે પાંચ અધિકારીઓ ત્યાં ગયા છે અને સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત પેવિલિયન પર તેમને ખાસ કોઇ કામ ન હોવાથી આ પ્રવાસનો સદુપયોગ તેઓ આઇપીએલની મેચ જોવા જઇને કરી શકે છે. આમ તો આઇપીએલમાં ખૂબ મર્યાદિત સંખ્યામાં દર્શકોને હાજરી આપવાની છે, પરંતુ ગુજરાત સરકારના આ બાબુઓ પોતાની વગનો ઉપયોગ કરીને ટિકિટોનો જુગાડ કરી લેશે.

અન્ય સમાચારો પણ છે...