આંદોલન કરો ને નેતા બનો:ચૂંટણી લડવાનું ના પાડતાં...પાડતાં...આ બધા પાટીદારો ઉમેદવાર બની ગયા, વાંચો તમામની સંપત્તિ

અમદાવાદ2 મહિનો પહેલા

ગુજરાતમાં પાટીદારોને અનામત મળે તે માટે 7 વર્ષ પહેલાં પાટીદાર અનામત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ આંદોલનથી પાટીદારોના ચહેરાઓ હાર્દિકથી લઈને અલ્પેશ કથીરિયા સુધીના સામે આવ્યા હતા. આંદોલન સમયે મોટાભાગનાએ રાજકારણમાં ન જવાનો વાતો કરી હતી. જોકે, અત્યારે પાટીદાર આંદોલનના તમામ ચહેરાઓ કોઈને કોઈ પાર્ટીમાં ભળી ગયા છે. હાર્દિક પટેલે તો જેની સામે બાંયો ચડાવી હતી એ ભાજપમાં જ ભળી ગયા છે અને હવે વિરમગામથી વિધાનસભાની ચૂંટણી પણ લડી રહ્યા છે.

આંદોલનકારીઓ ભાજપ-કોંગ્રેસ અને આપમાં જોડાઈ ગયા
2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ હતી. આ આંદોલનના મુખ્ય ચહેરા હાર્દિક પટેલે ભાજપની રાજ્ય સરકારના સામે બાંયો ચડાવી હતી. આ આંદોલનમાં પાટીદાર યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જોકે, માત્ર પાંચ જ વર્ષના ગાળામાં આ આંદોલનકારીઓ ભાજપ, કોંગ્રેસ અને આપમાં જોડાઈ ગયા છે. હાર્દિક પટેલ ભાજપમાં તો ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા આપમાં જોડાઈ ગયા છે. જ્યારે કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા સહિતના કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

આંદોલનમાં 14 પાટીદાર યુવાનોના મોત થયા
25મી ઓગસ્ટ 2015નાં નિર્ધારિત સમયે કાર્યક્રમ ન સમેટાતા અને અનિશ્ચિતકાલીન અનશનની જાહેરાત થતાં પોલીસે બળપૂર્વક આંદોલનકારીઓને ગ્રાઉન્ડ પરથી ખસેડ્યા હતા. પહેલાં હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી અને બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા. એ પહેલાં બધી માહિતી સોશિયલ મીડિયા મારફત અન્ય શહેરોના પાટીદારો સુધી પહોંચી ગઈ હતી. ધરપકડને કારણે પાટીદારો આક્રોશમાં આવી ગયા અને સરકારી તથા ખાનગી સંપત્તિને નુકસાન પહોંચ્યું. તેમને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયરગેસ છોડ્યા અને બળપ્રયોગ પણ કર્યો હતો. આંદોલનકારીઓ દ્વારા પોલીસ કાર્યવાહીની સામે 26મી ઓગસ્ટે એક દિવસના રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું. જેના કારણે સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું. વધુ એક વખત રાજ્યમાં હિંસાચક્ર ફરી વળ્યું. પોલીસે હિંસાને કાબૂમાં લેવા માટે ગોળીબાર કર્યો, જેમાં 14 પાટીદાર યુવાનનાં મૃત્યુ થયા.

ચૂંટણી આવતાં-આવતાં સ્થિતિ બદલાઈ ગઈ
આંદોલનના એક વર્ષની અંદર જ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉંમરનું કારણ આગળ કરીને પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સક્રિય રાજકારણમાંથી તેમની નિવૃત્તિને પાટીદાર આંદોલન સાથે જોડીને જોવામાં આવે છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ છે. આંદોલન દરમિયાન હાર્દિક પટેલે પાસને રાજકારણથી દૂર રાખવાની વાત કરી હતી, પરંતુ વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતાં-આવતાં સ્થિતિ બદલાઈ ગઈ હતી. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપનું તાજેતરના ઇતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું અને પાર્ટી ત્રણ આંકડા પર પણ ન પહોંચી શકી અને 99 પર અટકી ગઈ, જોકે સરકાર બનાવવામાં તેને કોઈ વિઘ્ન નડ્યું ન હતું. જોકે, હવે હાર્દિક પટેલ જ ભાજપમાં જોડાઈ ગયા છે.

આપ દ્વારા અલ્પેશ કથીરિયાને વરાછા વિધાનસભાની ટિકિટ
હાર્દિક રાજકારણમાં જોડાતા સુરતના અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનનો ચહેરો બની સામે આવ્યો હતો. અલ્પેશ કથીરિયા દ્વારા પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવા સહિતની માગ ભાજપ સામે મૂકી હતી. જોકે, તે પૂર્ણ ન થતા અલ્પેશ કથીરિયા આપમાં જોડાઈ ગયા છે. આપમાંથી અલ્પેશ કથીરિયાને વરાછા વિધાનસભાની ટિકિટ આપવામાં આવી છે.

રાયોટિંગ અને રાજદ્રોહ જેવા કેસમાં 14 મહિના જેલમાં રહ્યા
અલ્પેશ કથીરિયા અત્યાર સુધીમાં અલગ અલગ ત્રણ ગુના હેઠળ જેલવાસ ભોગવી ચૂક્યા છે. જેમાં સૌ પહેલા અમદાવાદ સાબરમતી જેલ ખાતે રાજદ્રોહના ગુનામાં સાડા ત્રણ મહિના સુધી જેલમાં રહ્યાં હતા. બાદમાં સુરત ખાતે રાજદ્રોહના ગુના હેઠળ 6 મહિના સુધી લાજપોર જેલમાં સજા ભોગવી ચૂક્યા છે. સુરતમાં મનપા ચૂંટણી દરમિયાન પણ રાયોટિંગના ગુના હેઠળ 4 મહિના સુધી અલ્પેશ કથીરિયા લાજપોર જેલમાં સજા ભોગવી ચૂક્યા છે.

આપે 46 પાટીદારોને ટિકિટ આપી
વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર કાસ્ટ ફેક્ટરને ધ્યાનમાં રાખીને ત્રણેય પક્ષે ટિકિટ આપી છે. ભાજપ દ્વારા 44 પાટીદારોને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસે માત્ર 25 પાટીદારોને ટિકિટ આપી છે. આ ચૂંટણીમાં આપ દ્વારા સૌથી વધુ 46 પાટીદારોને ટિકિટ આપી છે. આપ દ્વારા પાટીદારોનો સાથ લઈને જ વિધાનસભામાં એન્ટ્રી કરી શકે તેની ધારણા સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.

182માંથી 50 બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ
ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે, જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજુરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ છે.

અન્ય સમાચારો પણ છે...