તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત હાઈકોર્ટે આજે રાજ્યના કાયદા અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે ધોળકા વિધાનસભા બેઠકની 2017ની ચૂંટણી રદ કરી છે. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે આપેલા ચુકાદામાં હાઈકોર્ટે મત ગણતરીને લઈ અવલોકન કર્યું કે, 429 પોસ્ટલ મત ગેરકાયદે રીતે બાકાત રાખવામાં આવ્યા હતા. ધોળકા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા વર્ષ 2018ની શરૂઆતમાં આ ઈલેક્શન પિટિશન કરવામાં આવી હતી. ત્યાર બાદથી લઈ અત્યાર સુધી એટલે કે લગભગ અઢી વર્ષ સુધી હાઈકોર્ટમાં આ કેસ પર સુનાવણી થતી રહી છે. જો કે 12 ફેબ્રુઆરી 2019ના રોજ ભૂપેન્દ્રસિંહને એક મોટો ઝટકો લાગ્યો હતો અને જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે શબ્દો ચોર્યા વિના ભૂપેન્દ્રસિંહની ઝાટકણી કાઢી હતી. જે ખૂબ જ ચર્ચાસ્પદ બની હતી.
ભૂપેન્દ્રસિંહે સોગંદનામું કર્યું હતું કે હાઈકોર્ટમાં તેમનો કેસ જરૂર કરતાં વધુ ઝડપથી ચલાવવામાં આવે છે
આ અંગે વિગતે વાત કરીએ તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી રિટમાં ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હાઈકોર્ટમાં તેમનો કેસ જરૂર કરતાં વધારે ઝડપથી ચલાવવામાં આવી રહ્યો હોવાનો તેમ જ તેમને અન્યાય થઈ રહ્યો હોવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત સુનાવણી કરતા જસ્ટિસ પરેશ ઉપાધ્યાય સામે આક્ષેપો કરતી એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દેવાનું વલણ અપનાવતા અરજી પરત ખેંચી હતી.
‘આ કોર્ટમાં પુરી પારદર્શિતાથી કાર્યવાહી થાય છે, કોઈના સર્ટિફિકેટની જરૂર નથી’
આ દરમિયાન 12 ફેબ્રુઆરી 2019ના રોજ ચુડાસમાએ સુપ્રીમમાં કરેલી એફિડેવિટ જસ્ટિસ પરેશ ઉપાધ્યાય સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જસ્ટિસ ઉપાધ્યાયે તેમની સામેના આક્ષેપોને ધ્યાને લઈ સ્પષ્ટ કર્યું હતું કે, હું પાર્લામેન્ટ સામે મહાભિયોગનો સામનો કરવામાં ઓછો અપમાનિત થઈશ. પરંતુ જો કોઈ એવો આક્ષેપ કરે કે કોર્ટ કોઈની પાછળ કામ કરે છે તો ચલાવી લેવાશે નહીં. જજ પરેશ ઉપાધ્યાયે ભૂપેન્દ્રસિંહના વકીલ ચિત્રજીત ઉપાધ્યાયને કહ્યું કે, શું તમે ચીફ જસ્ટિસને રજૂઆત કરીને આ મેટર અન્ય બેન્ચ સમક્ષ મુકવા રજૂઆત કરવા માંગો છો? આ કોર્ટમાં પુરી પારદર્શિતાથી કાર્યવાહી થાય છે. તેની બધાને ખબર છે, કોઈના સર્ટિફિકેટની જરૂર નથી, નક્કી કરી લો. હું આ મેટરને નોટ બિફોર મી નહીં કરું. ત્યાર બાદ હાઇકોર્ટે ચુડાસમાને વધુ એક મુદ્દત આપવાનો ઇન્કાર કરી અરજદાર અશ્વિન રાઠોડની જુબાની લેવાનું શરૂ કર્યું હતું.
જસ્ટિસ પર આક્ષેપો કરનારાનો કેસ ન લડી શકું કહી શાલિન મહેતા ચુડાસમાના વકીલ તરીકેથી ખસી ગયા હતા
આ કેસમાં જ્યારે હાઈકોર્ટના જસ્ટિસ સામે સુપ્રીમ કોર્ટ સમક્ષ એફિડેવિટ સાથે આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તરફે સિનિયર એડવોકેટ શાલિન મહેતાએ તેઓ આ પ્રકારે આક્ષેપ કરનારા અરજદાર તરફે તેઓ વકીલાત કરી શકે નહીં તેવી ટકોર કરી તેમણે સિનિયર એડવોકેટ તરીકે આ કેસમાંથી પોતે ખસી જતાં હોવાની કોર્ટમાં જ જાણ કરી હતી.
ભૂપેન્દ્રસિંહે માફી માગી કહ્યું હતું ભૂલ બદલ હું દિલગીર છું
ત્યાર બાદ ભૂપેન્દ્રસિંહે હાઈકોર્ટની કામગીરી સામે વ્યક્ત કરેલી નારાજગીને લઈ સપ્ટેમ્બર 2019માં હાઈકોર્ટમાં દલીલ થઈ હતી. આ દરમિયાન શિક્ષણ અને કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહે હાઈકોર્ટની માફી માગી હતી. શિક્ષણમંત્રીએ પોતાની અરજીમાં કરાયેલી રજૂઆતો શરતચૂકથી થઈ હોવાનું કહી માફી માગી છે. તેમણે કહ્યું કે, ભૂલ બદલ હું દિલગીર છું, તો સામે કોર્ટે કહ્યું કે આપ માફી માંગો એ કોર્ટ માટે જરૂરી નથી. ત્યાર બાદ તેમણે ફરી માફી માંગતા કોર્ટે કહ્યું તમારો અધિકાર છે. જે બાબતનો જવાબ ન આપવો હોય તો ના આપો પણ માફી ન માગો.
‘વકીલ સવાલ કરે એ પહેલા ન બોલો, હું શિખામણ નહિં પણ કડક શબ્દોમાં કહી રહ્યો છું’
આ દરમિયાન કોર્ટે ચુડાસમાને ઉધડો લેતા કહ્યું હતું કે,કોર્ટમાં વકીલના સવાલનો જ જવાબ આપો. વકીલ સવાલ કરે એ પહેલા ન બોલો, આ કોર્ટનો નિયમ છે હું શિખામણ નહિં પણ કડક શબ્દોમાં કહી રહ્યો છું.કોર્ટમાં વિવેક જાળવી જવબા આપો. જ્યારે જ્યારે ભૂપેન્દ્રસિંહે કહ્યું કે, પોસ્ટલ બેલેટ રિજેક્ટ થયા તે ઇલેક્શન કમિશનની ગાઈડ લાઈન મુજબ થયા હતા. તેમાં બીજું કોઈ કારણ ન હતું. આ સિવાય કોર્ટ રૂમમાં અરજદારે જમા કરાવેલી સીડીના ફૂટેજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને બતાવ્યા હતા અને તેમની પુછપરછ થઈ હતી. વકીલે ચુડાસમાને પૂછ્યું કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં EVMમાં તમારા કેટલા મત હતા. જેના જવાબમાં ભૂપેન્દ્રસિંહે કહ્યું કે, ઈવીએમમાં 71,530 મત હતા. જેમાંથી અશ્વિન રાઠોડને 71, 203 મત મળ્યા હતા. મારી જીત ખૂબ નાના માર્જિનથી થઈ હતી. લોકો એક મતથી પણ જીતે છે.
શું છે મામલો
વિધાનસભાની ચૂંટણી બાદ 18મી ડિસેમ્બર 2017એ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર ચુડાસમાને 327 મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજયી જાહેર કરાયા હતા. જોકે આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં આવી ન હોવાનો વિવાદ ઊભો થયો હતો. આથી અશ્વિન રાઠોડે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, 429 જેટલા બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમના તરફે મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલા બેલેટપેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. જોકે તેને બાજુએ મૂકીને ઇવીએમની ગણતરી કરી દેવામાં આવી હતી. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂંક કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.