મોદીના રોડ-શોની ઘટના:નરેન્દ્ર મોદીના કાફલા પર ફૂલ નાખવા જતાં યુવકનો મોબાઇલ પડ્યો, SPG તાત્કાલિક અલર્ટ

અમદાવાદ2 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં સહેજ પણ ચૂક આવે તો ખૂબ મુશ્કેલી સર્જાઈ શકે છે, પરંતુ ગઈકાલે એક અજાણતા એવી ઘટના બની કે પીએમની સુરક્ષા સાથે જોડાયેલા તમામ સુરક્ષાકર્મીઓને એલર્ટ થઈ જવું પડ્યું હતું. પ્રધાનમંત્રી લકી રેસ્ટોરાંથી વીજળી ઘર તરફ નીકળી રહ્યા હતા ત્યારે તેમના પર એક યુવક પુષ્પ વર્ષા કરી રહ્યો હતો. એ દરમિયાન તેના હાથમાંથી મોબાઇલ છટકી ગયો અને પીએમની કાર પર પડ્યો હતો. એને કારણે તેમની કાર પર શું આવ્યું એ જાણવા એસપીજી સહિત ઉચ્ચ અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતા.

એસપીજી અધિકારીઓએ એક વ્યક્તિને ડિટેઇન કરીને કારંજ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યારે પોલીસ-ઇન્સ્પેક્ટરને હજી સુધી આ ઘટનાની કોઈ જાણ જ નથી. આ અંગે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે ભૂલથી મોબાઈલ પડી જવાની ઘટના બની હતી.

આખો વિસ્તાર એસપીજીની બાજનજરમાં
અમદાવાદના મહત્ત્વના તમામ વિસ્તારોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો હતો. એ દરમિયાન તેમની સુરક્ષાના દરેક પગલાની જવાબદારી એસપીજીને હતી અને અમદાવાદ શહેર પોલીસના ચુનંદા અધિકારીઓ તેમની સાથે દરેક કદમ પર સાથે ને સાથે હતા, પરંતુ કારંજ વિસ્તારમાં એક એવી ઘટના બની, જેના કારણે તમામ સુરક્ષા વ્યવસ્થાને એલર્ટ કરી દેવામાં આવી હતી.

મોબાઈલ PMની કાર પર પડતાં યુવકને પોલીસહવાલે કર્યો
લકી રેસ્ટોરાંથી વીજળીઘર અને ત્યાંથી ભદ્ર તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાના હતા. આ વિસ્તારમાં અનેક જગ્યાએ નરેન્દ્ર મોદી ઉપર પુષ્પનો વરસાદ કરવા માટે લોકો ઉપર ચડ્યા હતા, એ સમયે એક યુવક, જે નરેન્દ્ર મોદી પર પુષ્પ વરસાવી રહ્યો હતો. તેણે પુષ્પવર્ષાની સાથે સાથે તેના મોબાઈલમાં રેકોર્ડિંગ કરી રહ્યો હતો. મોબાઈલ અચાનક તેના હાથમાંથી છટકીને પ્રધાનમંત્રીની કાર પર પડી ગયો હતો. એને કારણે પ્રધાનમંત્રીની કાર પર કશું આવ્યું કે ફેંકાયું એવી વાતો વહેતી થઈ હતી. આ સમગ્ર મામલે એસપીજે તાત્કાલિક આ યુવકને અટકાવીને સ્થાનિક અધિકારીને સોંપી કારંજ પોલીસ સ્ટેશન મોકલી આપ્યો હતો. આ ઘટના બાદ આ યુવકના સમર્થનમાં ભાજપનો એક કાર્યકર પણ આવ્યો હતો. આ ઘટના અચાનક બની હોવાથી પોલીસે અને એસપીજીએ તપાસ કર્યા બાદ તેને જવા દીધો હતો.

સ્થાનિક પોલીસને ઘટનાની પણ જાણ નહીં
બીજી તરફ, અમદાવાદ ભદ્રકાળી મંદિર, જે વિસ્તારમાં આવ્યું છે એના કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર આરટી ચૌધરી આ બનાવના કલાકો પછી પણ એની જાણ જ ન હતી અને આવું કશું બન્યું હોય એની તેમને ખબર જ નથી. તો પ્રધાનમંત્રી જેવા VVIP અહીં આવે તો તેમની સુરક્ષા માટે તેઓ શું વ્યવસ્થા કરશે, એ તેમની કાર્યકુશળતા પર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. આ અંગે આરટી ચૌધરીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આવું કશું બન્યું જ નથી અને કશું બન્યું હોય તો મને ખબર તો હોય ને! બીજી તરફ રાજ્યના પોલીસવાળાએ આવી ઘટના બની હોવાની પુષ્ટિ કરી હતી. રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે યુવકના હાથમાંથી અજાણતા મોબાઈલ પડી ગયો હતો. ત્યાર બાદ સ્થાનિક પોલીસ દ્વારા આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...