મહંત દિલીપદાસજીની રથયાત્રા કાઢવાની જીદ:સરકાર મંજૂરી આપે કે ન આપે; રથયાત્રા નીકળશે જ, 6 કલાકમાં પૂરી કરી દેવાશે

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
12મી જુલાઈએ નીકળનારી રથયાત્રાને પગલે ભગવાન જગન્નાથ સહિત ત્રણેય રથને કલર કરવાનું શરૂ કરાયું છે. - Divya Bhaskar
12મી જુલાઈએ નીકળનારી રથયાત્રાને પગલે ભગવાન જગન્નાથ સહિત ત્રણેય રથને કલર કરવાનું શરૂ કરાયું છે.
  • યાત્રા વહેલી પૂરી કરવા રથ ખેંચવા માટે મજબૂત બાંધાના ખાસ 40 ખલાસીની યાદી તૈયાર કરાઈ
  • મંદિર ટ્રસ્ટી મંડળ, પોલીસ અને કોર્પોરેશને રથયાત્રાની તૈયારી શરૂ કરી દીધી

સરકાર રથયાત્રા માટે મંજૂરી આપે કે ન આપે, પણ ચાલુ વર્ષે રથયાત્રા નીકળીને જ રહેશે, એવું જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. એટલું જ નહીં, રથયાત્રા 6 જ કલાકમાં એના નિર્ધારિત રૂટ પર નીકળીને નિજમંદિરે પરત ફરે એ માટે મજબૂત બાંધાના 40 ખલાસીભાઈની યાદી તૈયાર કરાઈ છે. હાલમાં તેમને કોરોનાની રસી અપાવવાની કામગીરી ચાલે છે, યાદીમાંના જે ખલાસીભાઈઓને રસી લેવાની બાકી છે તેમને 2 દિવસમાં રસી આપી દેવાશે.

ચાલુ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં એ અંગે હજુ સુધી સરકારે કોઈ જ નિર્ણય લેવાયો નથી, પરંતુ મંદિર ટ્રસ્ટી મંડળ, મોસાળ, પોલીસ, કોર્પોરેશને રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રથયાત્રા અંગે ચાલતી વિસંગતિ વચ્ચે દિલીપદાસજીએ જણાવ્યું હતું કે સરકાર મંજૂરી આપે કે નહીં આપે, પણ રથયાત્રા તો નીકળશે જ. રથયાત્રાને હવે માંડ 12 દિવસ બાકી રહ્યા છે ત્યારે દિલીપદાસજીના આ નિવેદનથી એ વાત નક્કી છે કે સરકાર રથયાત્રા કાઢવાના મૂડમાં છે, પરંતુ સરકાર હાલમાં કોઈ જાહેરાત કરીને વિવાદ ઊભો થવા દેવા માગતી નથી, જેથી થોભો અને રાહ જુઓની નીતિથી કામ કરી રહી છે. દર વર્ષની જેમ સુરક્ષાદળની 40 કંપની માગવામાં આવશે.

85% ખલાસીભાઈએ રસીનો પહેલો ડોઝ લીધો છે
રથયાત્રા કાઢવા માટે જે 40 ખલાસીભાઈઓની યાદી તૈયાર કરી છે તેમાંથી 85 ટકા ખલાસીઓએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે, જ્યારે બાકી રહેલા 15 ટકા ખલાસી ભાઈઓને 2 જ દિવસમાં રસી આપી દેવાશે. જે પણ ખલાસીભાઈએ રસી લીધી હશે તેને રથ ખેંચવા દેવાશે. - મહેન્દ્ર ઝા, ટ્રસ્ટી જગન્નાથ મંદિર.

22 હજાર પોલીસ સુરક્ષાકર્મીનો બંદોબસ્ત
રથયાત્રામાં દર વર્ષે શહેર પોલીસના 13 હજાર જવાન ઉપરાંત ટ્રાફિક-પોલીસ, હોમગાર્ડ તેમજ એસઆરપી, આરએએફ, બીએસએફ અને સીઆરપીએફની 40 કંપની તહેનાત રહે છે. અન્ય શહેરોમાં ફરજ બજાવતા પોલીસકર્મચારીઓ અને અધિકારીઓ મળીને 22થી 25 હજાર પોલીસ સુરક્ષાકર્મી રથયાત્રાના બંદોબસ્તમાં તહેનાત રહે છે. તમામ પોલીસ અધિકારી-કર્મચારીને તૈયાર રહેવા સૂચના આપી દેવાઈ છે. સુરક્ષાદળની 40 કંપની ફાળવવા ડીજીપીની મંજૂરી મગાઈ છે.

રથયાત્રા રૂટ પરનાં 327 ભયજનક મકાનોને નોટિસ
મધ્ય ઝોનમાં રથયાત્રાના રૂટ પરનાં 327 ભયજનક મકાનોને મ્યુનિ.એ નોટિસ પાઠવી છે, જે પૈકી 44 મકાનમાલિકોએ તેમનાં મકાનો રિપેર કરાવી લીધા છે, જોકે હજુ બાકીનાં મકાનો ભયજનક છે. અષાઢી બીજે નીકળતી પરંપરાગત રથયાત્રા નીકળશે કે કેમ? એ બાબત હજુ અસમંજસમાં છે, પરંતુ મ્યુનિ. તંત્રે તેની તૈયારી શરૂ કરી દીધી છે. શહેરના મધ્ય ઝોનમાં અલગ અલગ વિસ્તારમાં રથયાત્રાના રૂટ પર આવતાં ભયજનક મકાનોને નોટિસો પાઠવી છે.

કયા વોર્ડમાં ભયજનક મકાનો

વોર્ડનોટિસ
શાહપુર5
શાહીબાગ10
દરિયાપુર90
ખાડિયા210
જમાલપુર12
કુલ327
અન્ય સમાચારો પણ છે...