તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજની રિપોર્ટર:શ્રીવાસ્તવ આઇએએસ અધિકારી સામેના કેસની તપાસ કરશે કે નહીં, IAS અધિકારીઓમાં ઓક્સિજન વોર

અમદાવાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક

એન્ટિ કરપ્શન બ્યુરોના ડીજીપી કેશવ કુમાર ત્રીસ એપ્રિલે નિવૃત્ત થઇ ગયા છે અને હાલ તેમનો ચાર્જ અમદાવાદના કમિશ્નર સંજય શ્રીવાસ્તવને આપવામાં આવ્યો છે. કેશવ કુમાર લાંચ રુશ્વત ધારા હેઠળ આઇએએસ સહિતના અનેક અધિકારીઓ વિરુદ્ધની તપાસ ચલાવી રહ્યા હતા. જો કે હાલ એ ચર્ચાઇ રહ્યંુ છે કે શ્રીવાસ્તવ આ તપાસ આગળ ચલાવશે કે કેમ. ભવિષ્યમાં શ્રીવાસ્તવને ગુજરાતના પોલિસ વડા તરીકે પાત્રતા ધરાવતા અધિકારી તરીકે પણ જોવાઇ રહ્યા છે, અલબત્ત હાલ એ ચર્ચાનો વિષય નથી, પરંતુ કોરોનાના સમયગાળા દરમિયાન માત્ર સમય પસાર કરવા માટે થઇને જ શ્રીવાસ્તવને હાલ આ ચાર્જ સોંપાયો છે. તે દરમિયાન શ્રીવાસ્તવ આ ચાર્જમાં માત્ર ઔપચારિકતા પૂરતી જ ભૂમિકા નિભાવશે અને કોઇ કડક એક્શનની કાર્યવાહી નહીં કરે તેવું સત્તાના ગલિયારામાં સંભળાઇ રહ્યું છે. આ તરફ આર બી બ્રહ્મભટ્ટને વિનોદ કુમાર મલ્લ પાસેનો પોલિસ સુધારણાનો હવાલો સોંપાયો છે.

આઇએએસ અધિકારીઓમાં ઓક્સિજન વોર
ગુજરાત સરકારે રાજ્યના અલગ-અલગ જિલ્લા અને મહાનગરોમાં સિનિયર આઇએએસ અધિકારીઓની કોરોના મહામારીમાં વ્યવસ્થાપન માટે નિમણૂક કરી. પણ આઇએએસ અધિકારીઓ વચ્ચે ચાલતું ગંદુ રાજકારણ આ કટોકટીમાં ખુલ્લું પડી ગયું. કેટલાંક અધિકારીઓએ ઓક્સિજન માટે રીતસરનું યુદ્ધ શરૂ કરી દીધું. પણ આમાં પોતાની લીટી લાંબી કરવાને બદલે બીજાની લીટી ટૂંકી કરવાની હીનવૃત્તિનું પ્રદર્શન થયું. અમુક જિલ્લાના પ્રભારી અધિકારી જ્યાંથી ઓક્સિજન મેળવતાં હતાં ત્યાંથી બીજી જગ્યાના પ્રભારી અધિકારીઓએ પોતાની સિનિયોરિટીનો ઉપયોગ કરી બારોબાર પોતાના વિસ્તાર તરફ રવાના કરવાનાં પ્રયત્નો શરૂ કર્યાં. કેટલાંક જિલ્લાઓમાં તો ઓક્સિજન સાવ ખૂટી પડે તેવી સ્થિતિ થઇ. આ દરમિયાન છેક મુખ્યમંત્રી કક્ષાએ ફરિયાદ થઇ. પોતાનો ટ્રેક રેકોર્ડ સારો રાખવાની લ્હાયમાં આવાં અધિકારીઓએ સામાન્ય લોકોના જીવ સાથે રમત રમી રહેલાં આ અધિકારીઓને ખૂબ ડાંટ પણ પડી હતી.

કોવિડની બેઠકોમાં કલેક્ટરોએ કોંગી ધારાસભ્યોને ના બોલાવ્યાં
​​​​​​​ગુજરાત સરકારના અમુક કલેક્ટરો એટલાં બધાં કહ્યાગરાં છે કે તેઓ શાસક પક્ષને જ વફાદાર રહીને કામ કરી રહ્યાં છે. કોરોનાની કટોકટી વખતે સમીક્ષા કે સંકલન બેઠક થાય ત્યારે તેઓએ પોતાના જિલ્લાના ધારાસભ્યોને બોલાવવા જોઇએ. પરંતુ ઘણાં કલેક્ટરોએ કોંગ્રેસના ધારાસભ્યોને ન બોલાવ્યાં, પણ ભાજપના ચૂંટણી હારેલાં નેતાઓને પાસે બેસાડીને ફોટા પડાવ્યાં અને તેમને આ બેઠકોમાં હાજર રાખ્યાં. જે નેતાઓ પોતે ચૂંટણીમાં જીતી શક્યા ન હતાં, તે કોરોનાને હરાવવા માટે આ અધિકારીઓને સૂચનાઓ આપતાં હતાં. હદ્દ તો એ સુધી છે કે મુખ્યમંત્રી જ્યારે સંકલનની બેઠક લેવાના હતા ત્યારે પણ કલેક્ટરોએ ભાજપના હારેલાં નેતાઓને જ પડખે રાખ્યાં.

ડોક્ટરો માટેનો નિર્ણય કોણે લીધો, રૂપાણીએ કે નીતિન પટેલે
​​​​​​​ગુજરાતના રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં 40 ટકા નો વધારો ગયાં અઠવાડિયે ગુજરાત સરકારે કર્યો. આ નિર્ણય લેવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીની કક્ષાએથી કરવામાં આવી અને સમાચાર માધ્યમોને તે રીતે જ જણાવવામાં આવ્યું. પરંતુ થોડીવારમાં જ એક બીજી સૂચના આવી, કે હાલ કોરોનાને કારણે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ નિર્ણય લીધો છે. આમ તો તબીબી શિક્ષણ નીતિન પટેલનું ખાતું છે અને તેમાં નિર્ણય તેઓ જાતે જ કરતા હોય છે. સૂત્રો કહે છે કે અન્ય નેતાઓએ હોસ્પિટલના બિછાનેથી પોતે સ્વસ્થ છે તેવાં વિડીયો મેસેજ સોશિયલ મીડિયા પર મૂક્યા હતા અને નીતિન પટેલે આવો એક પણ મેસેજ હાલ મૂક્યો નથી. તેથી તેઓની તબિયત સુધારા પર છે તેમ દર્શાવવા માટે નીતિન પટેલે આ નિર્ણય લીધો તેવું જાહેર કરવાનું સરકારે નક્કી કર્યું હતું.

ઓક્સિજન માટે વ્યવસ્થા ગોઠવીને દાસે આપ્યો જનતાને રાહતનો શ્વાસ
ગુજરાતમાં દર્દીઓની સંખ્યા વધી અને સાથે ઓક્સિજનની માગ પણ ખૂબ વધી. સરકારે વિવિધ સ્ત્રોત મારફતે ઓક્સિજન મેળવવાની અને તેના વિતરણની કામગીરી કરી તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે સારી એવી કામગીરી કરી હોવાનું સચિવાલયના સૂત્રો કહે છે. દાસ પાસે ઉદ્યોગ વિભાગનો હવાલો પણ હોવાથી તેમણે ગુજરાત જ નહીં, રાજ્ય બહારના ઉદ્યોગગૃહો પાસેથી પોતાના સંબંધોને આધારે પૂરતાં પ્રમાણમાં ગુજરાતને ઓક્સિજન મળી રહે તે માટે વ્યવસ્થા કરી અને તેનું પરિવહન ઝડપથી અને સલામત રીતે થાય તે માટે પણ વ્યવસ્થા કરી આપી હતી.

ધારાસભ્યો કહે છે, કે જો અત્યારે મતવિસ્તારમાં ફરવા નીકળીએ તો લોકો માર મારે એવી સ્થિતિ છે
હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો છે અને લોકો ઓક્સિજન, પથારીઓ અને દવાઓ માટે વલખાં મારી રહ્યા છે. ચૂંટણી વખતે વોટ માગવા જનારાં ઘણાં ભાજપના ધારાસભ્યો હાલ માત્ર પક્ષના અમુક ઉદ્ઘાટન કાર્યક્રમોમાં હાજરી આપીને સીધાં જ હોમ આઇસોલેશનમાં જતા રહે છે. તેઓ ક્યાંય દેખાતાં નથી તેવી ફરિયાદો લોકો કરી રહ્યાં છે. અમુક ધારાસભ્યો કાનમાં કહે છે કે, હાલ સરકાર જે કરી રહી છે તે જોતાં અમારે બહાર નીકળાય તેવી સ્થિતિ નથી. જો અમે બહાર જઇએ તો પાટીદાર આંદોલનોમાં તો ખાલી અમને થાળી વગાડીને ભગાડતાં હતાં, હાલ તો અમને મારી-મારીને ભગાડે તેવી સ્થિતિ છે. થોડી સ્થિતિ હળવી થાય પછી લોકોની રાહતના કામ કરીશું. આમેય એમને પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયા મેડિકલ સાધનો વિકસાવવા માટે સહાયરૂપે ફાળવવાની મંજૂરી મળી તે કામથી તેઓ ખુશ છે અને ભવિષ્યમાં તેનો પ્રચાર પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો