• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Where To Get Tricolors For 'Har Ghar Tiranga'? Which Of The Tricolor Of Khadi And Silk Should Be Worn? You Can Get The National Flag From The Post Office On August 15

તિરંગો ફરકાવતાં પહેલાં આટલું જાણી લેજો:'હર ઘર તિરંગા' માટે તિરંગો ક્યાંથી લેશો ? ખાદી અને સિલ્કના તિરંગામાંથી કયો ફરકાવાય ? 15 ઓગસ્ટે પોસ્ટ ઓફિસમાંથી મેળવી શકશો રાષ્ટ્રધ્વજ

એક મહિનો પહેલાલેખક: યશપાલ બક્ષી
  • દિલ્હીથી પરપ્રાંતીઓ અમદાવાદમાં તિરંગા વેચવા ઊતરી પડ્યા
  • ગુજરાતનાં 22 ખાદીભવન કેન્દ્રો પરથી 23 લાખ રૂપિયાના રાષ્ટ્રધ્વજ વેચાઈ ગયા, વધુ 60 લાખના પાંચ દિવસમાં વેચાવાની શક્યતા

13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ ત્રણ દિવસ દેશના સ્વાભિમાનની ઉજવણી 'હર ઘર તિરંગા'થી થશે. દરેક ઘર પર તિરંગો ફરકશે એ માહોલ જ અલગ હશે. 1 ઓગસ્ટથી કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસ મારફત રાષ્ટ્રધ્વજ આપવાનું શરૂ કર્યું છે, સાથે સાથે ગુજરાતનાં 22 જેટલાં ખાદી ભવનના કેન્દ્રોમાંથી વેચાણ થઈ રહ્યું છે. આ વખતે 15 ઓગસ્ટે પોસ્ટ ઓફિસો ચાલુ રહેવાની છે અને ત્યાંથી પણ કેન્દ્ર સરકારે નક્કી કરેલા ભાવમાં રાષ્ટ્રધ્વજ મળશે. હકીકતમાં રાષ્ટ્રધ્વજ ખાદીનો જ ફરકવો જોઈએ, પણ સરકારે હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા ટેક્સટાઈલના કાપડમાં રાષ્ટ્રધ્વજ પ્રિન્ટ કરવાની છૂટ આપી છે. ફૂટપાથ પર અલગ અલગ કિંમતથી રાષ્ટ્રધ્વજનું વેચાણ થાય છે.

ગુજરાતનાં ખાદી ભવનોમાંથી તિરંગાની જબરી ડિમાન્ડ
સામાન્ય રીતે તિરંગો ખાદીનો જ ફરકાવવાનો નિયમ છે. આ વખતે ત્રણ દિવસ માટે ટેક્સટાઈલના ફ્લેગની છૂટ અપાઈ છે. અલબત્ત, ખાદી ભવનોમાંથી નાનાથી લઈ મોટાં રાષ્ટ્રધ્વજ વેચાઈ રહ્યા છે. દરેક રાષ્ટ્રધ્વજની સાઇઝ મુજબ ભાવ નક્કી છે. ખાદીમાં પણ બે પ્રકારના રાષ્ટ્રધ્વજ બને છે. સિંગલ તાર અને ડબલ તારના. એમાં ડબલ તારનો ફ્લેગ જાડો હોય અને બે તરફ સિલાઈવાળો હોય છે. ગુજરાતમાં 22 જેટલાં ખાદી કેન્દ્રો છે. એમાંથી 8 કેન્દ્ર અમદાવાદમાં છે. આ તમામ કેન્દ્રોમાંથી છેલ્લા સપ્તાહમાં જ 23 લાખ રૂપિયાના તિરંગાનું વેચાણ થઈ ચૂક્યું છે અને બીજા 60 લાખ રૂપિયાના રાષ્ટ્રધ્વજ અમદાવાદ 9 તારીખે મંગળવારે સાંજે આવી પહોંચ્યા છે અને એનું વેચાણ પણ શરૂ કરી દેવાયું છે.

અમદાવાદ ખાદી ભવનમાં મળતો તિરંગો.
અમદાવાદ ખાદી ભવનમાં મળતો તિરંગો.

અમદાવાદ ખાદી ગ્રામોદ્યોગ વસ્ત્રાગારના વ્યવસ્થાપક દીપેશભાઈ બક્ષીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દેશમાં ત્રણ સ્થળે ખાદીના રાષ્ટ્રધ્વજ બને છે. હુબલી, નાંદેડ અને ગ્વાલિયર. આ ત્રણેય જગ્યાએ રાષ્ટ્રધ્વજ બનાવવાનું કામ સતત ચાલી રહ્યું છે પણ એની સામે તિરંગાની ડિમાન્ડ અનેકગણી છે. આ ત્રણ જગ્યાએ ખાદીના જ ફ્લેગ બને છે અને ત્યાંથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અમદાવાદ આવી પહોંચ્યા છે.
અમદાવાદમાં દિલ્હીથી ઊતરી પડ્યા પરપ્રાંતીઓ
અમદાવાદમાં એસ.જી. હાઈવે પર અને અન્ય વિસ્તારોમાં મોટા તિરંગા ફરકાવતા પરપ્રાંતીઓ જોવા મળે છે. આ પરપ્રાંતીઓ દિલ્હીથી ટ્રેનમાં અમદાવાદ પહોંચ્યા છે અને 300 જેટલા મોટા રાષ્ટ્રધ્વજ લઈને વેચાણ કરવા આવ્યા છે. તિરંગો વેચનારી એક વ્યક્તિએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અમે દિલ્હીથી આવ્યા છીએ અને ત્યાંથી 300 જેટલા મોટા તિરંગા સ્ટિક સાથે લઈ આવ્યા છીએ. દિલ્હીની માર્કેટમાંથી 200 રૂપિયામાં ધ્વજ ખરીદ્યો. અહીં 250થી 300માં વેચીએ છીએ. 15 ઓગસ્ટ સુધી આ પરપ્રાંતીઓ અમદાવાદમાં જ તિરંગા વેચવા અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે અને ફ્લાયઓવર નીચે કે રેલવે સ્ટેશન પર રાતવાસો કરી રહ્યા છે.

અમદાવાદમાં તિરંગો વેચતી પરપ્રાંતી મહિલા.
અમદાવાદમાં તિરંગો વેચતી પરપ્રાંતી મહિલા.
અમદાવાદમાં એસ.જી. હાઈવે પર તિરંગાનું વેચાણ કરતા દિલ્હીના પરપ્રાંતીઓ.
અમદાવાદમાં એસ.જી. હાઈવે પર તિરંગાનું વેચાણ કરતા દિલ્હીના પરપ્રાંતીઓ.

હર ઘર તિરંગા અભિયાનમાં દરેક વ્યક્તિ રાષ્ટ્રભાવના સાથે જોડાશે પણ તિરંગો ફરકાવતી વખતે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે. ફ્લેગ કોડને પણ સમજવો પડે છે. આવો... આ તમામ બાબતો જાણીએ અહીં આપેલાં ગ્રાફિક્સમાં....

તિરંગાનું કાપડ કેવું હોય છે?
ખાદી અથવા હાથવણાટનું કાપડ જ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે. ખાદી બનાવવા માટે કાચા માલ તરીકે સૂતર, ઉન અથવા રેશમ જ વપરાયેલું હોવું જોઇએ. આ માટે બે પ્રકારની ખાદી વપરાય છે, ખાદી-બન્ટિંગથી ધ્વજનો મુખ્ય ભાગ બને છે, જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણ તારના વણાટવાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતાં બહુ ઓછા કારીગરો છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી.માં 150 દોરા, સાંધાદીઠ ચાર દોરા અને એક ચોરસ ફિટનું વજન બરાબર 205 ગ્રામ હોવું જોઇએ.
કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંસ્થામાં મોકલવું પડે છે, જ્યાં એ તમામ માપદંડ પર ખરું ઊતરે પછી ફરી એને ઉત્પાદકના કારખાને મોકલાય છે. ત્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર અશોકચક્રની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે. ધ્યાન એટલું રાખવાનું કે અશોક ચક્ર બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ. ત્યાર બાદ ફરી એક વખત ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થઇને વેચાણ માટે મુકાય છે.

અન્ય સમાચારો પણ છે...