અમદાવાદમાં કોરોનાની બીજી ઘાતકી લહેર ઠંડી પડતા કોરોના ઘટવા માંડયો છે. ખાનગી હોસ્પિટલોના 75 ટકા બેડ ખાલી પડયા છે, જ્યારે મ્યુનિ., સરકારી અને મ્યુનિ. સાથે એમઓયુ કરેલી અન્ય હોસ્પિટલોમાં 69 ટકા બેડ ખાલી પડયા છે. ત્યારે આગામી સમયમાં ચોમાસુ શરુ થશે. ત્યારે પાણીજન્ય રોગચાળો માથું ઉંચકશે. આ સંજોગોમાં હવે કોરોનાની સારવાર માટેની હોસ્પિટલો ઘટાડી અન્ય રોગના દર્દીઓને પણ સારવાર મળતી થાય તેવી માંગણી ઉઠવા પામી છે.
હવે કોરોના કાબુમાં આવ્યો છે
અમદાવાદમાં કોરોનાના કેસો વધ્યા ત્યારે નવા પશ્ચિમ ઝોનના વડોદરાની મહાનગરપાલિકા જેવડા વિસ્તારમાં એક પણ મ્યુનિ.ની હોસ્પિટલ છેલ્લા 17 વર્ષ દરમ્યાન ઉભી થઈ શકી નથી. હાલ 173 ખાનગી હોસ્પિટલોના 5920 બેડમાંથી 1519માં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે 4401 બેડ ખાલી છે. મ્યુનિ.ની યાદી પ્રમાણે 9097 ઓક્સિજન અને ICU બેડમાંથી 2886માં દર્દીઓ છે, 6211 બેડ ખાલી થયા છે.
ચોમાસામાં પાણીજન્ય રોગચાળો માથું ઉંચકશે
આ સંજોગોમાં કોરોનાના છૂટાછવાયા દર્દીઓને નિયત હોસ્પિટલોમાં ખસેડીને બાકીની હોસ્પિટલોમાં અન્ય રોગના દર્દીઓની સારવાર ચાલુ કરી દેવી જોઈએ. તેમજ ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ તેવો મત જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. પૂર્વ વિસ્તારની શારદાબેન અને એલ.જી. હોસ્પિટલમાં અન્ય રોગોની સારવાર શરૂ કરી દેવી જોઈએ તેવી માંગણી કોંગ્રેસમાંથી પણ ઉઠી છે. એક આગેવાને જણાવ્યું છે કે, પૂર્વમાં ચોમાસુ બેસતાં જ દર વર્ષની જેમ પાણીથી ફેલાતા કમળો, ટાઇફોઇડ, કોલેરા અને મચ્છરથી ફેલાતા મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ફાલ્સીપેરમનો રોગચાળો દર વર્ષની જેમ માથું ઉંચકશે.
અન્ય રોગના દર્દીઓ સારવાર લેવા ક્યાં જાય?
કેટલાક ઠેકાણે કેમિકલવાળું પાણી રોડ પર ફરી વળતું હોવાથી ચામડીના રોગો પણ ફેલાય છે. શારદાબહેન હોસ્પિટલમાં રોજ 1400થી 1500 દર્દીઓ ઓપીડીના અને 150 જેટલા અંદરના દર્દીઓ સામાન્ય સંજોગોમાં સારવાર લેતા હોય છે. એલ.જી.માં 1800થી 1900 દર્દીઓ ઓપીડીમાં અને 200 ઇન્ડોર દર્દીઓ સારવાર લેતા હોય છે. હાલ ટી.બી., હૃદયરોગ, કીડની, કેન્સર, બી.પી., ડાયાબીટીસ, હાડકાના દર્દોવાળા દર્દીઓ સારવાર લેવા ક્યાં જાય તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. વી.એસ.ને પણ જનરલ હોસ્પિટલ તરીકે વધુ ડોક્ટરો સાથે કાર્યાન્વિત કરવી જોઈએ તેવી પણ માંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.