'અન્ય જાતિ'નો અચૂક મતદાન માટે નિર્ધાર:ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં મત આપીએ ત્યારે અમે પણ સમાજનો જ અભિન્ન હિસ્સો છીએ તેવી અનુભૂતિ થાય છે: કશીસદે પાવૈયા

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ જિલ્લાના 211 અન્ય જાતિ મતદારો ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવા અમદાવાદનો કિન્નર સમુદાય લોકશાહીના મહાપર્વમાં એકજૂથ થઇને મતદાન કરવા ઉત્સુક જોવા મળી રહ્યા છે. વર્ષ 2014થી અન્ય જાતિ કેટેગરીમાં સમાવિષ્ટ થયા બાદ ટ્રાન્સજેન્ડર તરીકે એકપણ ચૂંટણીમાં મતદાન કરવાનું ચૂક્યા નથી. મત કરવાનો હક્ક બંધારણે આપ્યો છે. જો આપણે અન્ય હક્ક માટે હરહંમેશ સજાગ રહેતા હોઇએ તો મત કરવાના હક્કને ફરજ સમજીને કેમ અદા ન કરી શકીએ? આવું અમદાવાદ શહેરના કિન્નર સમુદાયના અગ્રણી કશીશદે પાવૈયાએ જણાવ્યું છે.

ભારતીય નાગરિક હોવાના અનેરા આનંદ સાથે ગર્વ
તેઓ ઉમેરે છે કે, વર્ષ 2014થી સુપ્રીમ કોર્ટ દ્વારા કિન્નર સમુદાયને 'અન્ય જાતિ' કેટેગરીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. ત્યારથી અમને ટ્રાન્સજેન્ડર તરીકે સ્વતંત્ર રીતે મતદાન કરવાનો હક્ક મળ્યો છે. આ અગાઉ અમે પુરુષ અથવા સ્ત્રી કેટેગરીમાં મતદાન કરતા હતા. વર્ષ 2014થી લઇને અત્યાર સુધીમાં દરેક ચૂંટણીમાં અમે અચૂકથી મતદાન કર્યું છે. મતદાન કરીને ભારતીય નાગરિક હોવાના અનેરા આનંદ સાથે ગર્વની લાગણી અનુભવાય છે. તેમાં પણ ખાસ કરીને જ્યારે અન્ય જાતિ એટલે કે ટ્રાન્સજેન્ડર માટેની અલાયદી કેટેગરીમાં મત આપીએ છીએ ત્યારે અમે પણ સમાજનો જ અભિન્ન હિસ્સો છીએ તેવી અનુભૂતિ થાય છે.

કિન્નર સમુદાયના લોકો મતદાતા તરીકે નોંધાયા
કશીશદે પાવૈયા જમાલપુર અખાડામાં વર્ષોથી રહે છે. તેમની સાથે મોટી સંખ્યામાં કિન્નર સમુદાયના લોકો રહે છે, જેઓ કશીશબાને પોતાના ગુરુ માને છે. આ કિન્નર સમુદાયના લોકો જેઓ મતદાતા તરીકે નોંધાયેલા છે અને જેમનું ચૂંટણી કાર્ડ છે તેઓ દરેક ચૂંટણીમાં અચૂકથી મતદાન કરે છે. દિવાળી, હોળી, રક્ષાબંધન જેવા તહેવારોની જેમ જ ચૂંટણીને પણ ખરા અર્થમાં તેઓ એક અવસર અને ઉત્સવ માને છે.

લોકશાહીનો સૌથી મોટો અવસર
અવસર ગમતા ઉમેદવારને ચૂંટવાનો, અવસર પોતાને મળેલા હક્કને ઉજાગર કરવાનો, અવસર સમાજમાં લોકશાહીના સૌથી મોટા ઉત્સવ ચૂંટણીમાં મતદાન પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનો, આ અવસરને તેઓ લોકશાહીનો સૌથી મોટો અવસર સમજે છે. જેટલા અન્ય જાતિ કેટેગરીના મતદારો નોંધાયા છે. દરેક ચૂંટણીમાં અન્ય જાતિના મતદારો ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે મત આપવા જતા હોય છે. તેવી જ રીતે આ ચૂંટણીમાં પણ કિન્નર સમુદાયના લોકો એકજૂથ થઈને અચૂકપણે મતદાન કરવા કટિબદ્ધ અને ઉત્સાહી છે.

મતદાન અચૂકથી કરીને આ અવસરમાં સહભાગી બનવું
અન્ય એક કિન્નર શિલ્પા દે પાવૈયા કહે છે કે, ચૂંટણી એક હરખનો અવસર છે. બંધારણે કિન્નર સમાજને હક્કથી જીવવાનો અધિકાર આપ્યો છે. મત આપવાનો અને મનપસંદ નેતા અને સરકાર ચૂંટવાનો આપણને હક્ક છે. ત્યારે મતદાન અચૂકથી કરીને આ અવસરમાં સહભાગી બનવું જોઇએ. અમારા કિન્નર સમુદાયના લોકો એકસાથે ભેગા મળીને વોટ કરવા જશે. વધુમાં તેઓ સમાજના દરેક વર્ગ, સમુદાય, યુવા, પુરુષ , સ્ત્રી, અને દિવ્યાંગ મતદારોને પણ જરૂરથી મતદાન કરવા માટેની અપીલ કરે છે.

એક પણ ચૂંટણીમાં મતદાન કરવાનું ચૂક્યા નથી
અત્રે નોંધનીય બાબાત એ છે કે, અમદાવાદના જમાલપુર અખાડામાં રહેતા કિન્નર સમુદાયના લોકોમાં જેટલા પણ લોકો અન્ય જાતિ તરીકે નોંધાયેલા છે તેઓ બધા ચૂંટણીમાં ઉમંગ, ઉત્સાહ અને ગર્વભેર મતદાન કરવા અચૂક જાય છે. આમાંથી ઘણાંય એવા લોકો છે, જેઓ છેલ્લાં 35થી 40 વર્ષમાં એક પણ ચૂંટણીમાં મતદાન કરવાનું ચૂક્યા નથી. તેઓએ દરેક ચૂંટણીમાં મત આપ્યો છે, કેમકે તેઓ મતની તાકાત સમજે છે. મત આપીને તેમને આત્મસંતોષ થાય છે.

અન્ય સમાચારો પણ છે...