યુક્રેનથી ભારત આવેલા સ્ટુડન્ટ્સના ભવિષ્યનું શું ?:''ઓનલાઇન ક્લાસીસ ચાલુ હોય ને સાયરનનો અવાજ આવે એટલે ટીચર લેપટોપ ચાલુ રાખીને બંકરમાં જતા રહે છે''

16 દિવસ પહેલાલેખક: યશપાલ બક્ષી
  • મેડિકલના સ્ટુડન્ટ્સને યુક્રેન પરત જવાની આશા છે, કારણ કે બીજો કોઈ રસ્તો મળતો નથી
  • કર્ણાટક અને બંગાળ સરકારે સ્ટુડન્ટ માટે વચલો રસ્તો કાઢ્યો, ગુજરાત સરકાર રસ્તો ન કાઢી શકે ?

''હેલ્લો એવરીબડી'' ''ગુડ મોર્નિંગ ઓલ'' ''આઈ એમ લેક્ટિનોવા, યોર ટીચર'' ''ટુ ડે વી વિલ ડિસ્કસ અબાઉટ હાર્ટ પમ્પિંગ એન્ડ મેઇન આર્ટરી'' (યુક્રેનના ટીચર ત્યાંથી ભારતના સ્ટુડન્ટ્સને ઓનલાઈન ભણાવી રહ્યા છે. ટીચર એવી જગ્યાએ બેઠા છે, જ્યાં આસપાસ પડદો ટીંગાય છે. દીવાલની જગ્યાએ ઈંટ દેખાય છે. બહાર ટેન્કો ફરતી હોય તેવા અવાજ આવે છે....અને અચાનક સાયરન વાગે છે...ટીચર લેક્ચર અટકાવીને સ્ટુડન્ટ્સને કહે છે;) ''ધ સાયરન ઓફ ધીસ પોસિબલ એટેક હેઝ સાઉન્ડેડ. આઈ હેવ ટુ ગો ટુ ધ બંકર નાઉ. પ્રે ટુ ગોડ ધેટ વી વિલ મીટ સૂન...'' યુક્રેનથી ભારત પરત આવી ગયેલા સ્ટુડન્ટ્સ જેવું-તેવું ઓનલાઈન એજ્યુકેશન મેળવે છે. યુક્રેનમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ ભારત પરત ફર્યાને બે મહિના થઈ ગયા. 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે 20 હજાર જેટલા ભારતીય સ્ટુડન્ટ્સ ફસાયા હતા. આ સ્ટુડન્ટ્સને ભારત સરકારે પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા અને હંગેરીથી એરલિફ્ટ કર્યા હતા. આ 20 હજાર સ્ટુડન્ટ્સમાં ગુજરાતના 5600 સ્ટુડન્ટ્સ હતા. મોટા ભાગના મેડિકલના સ્ટુડન્ટ છે. હવે સવાલ એ છે કે આ સ્ટુડન્ટ્સ ભારતમાં આગળ વધી શકે એમ નથી અને યુક્રેન પરત જઈ શકે એમ નથી. તો હવે આ સ્ટુડન્ટ્સે કરવાનું શું ? પશ્ચિમ બંગાળ અને કર્ણાટક સરકારે યુક્રેનથી પરત આવેલા પોતાના સ્ટુડન્ટને રાહત આપી છે પણ ગુજરાત સરકાર આ દિશામાં વિચારતી પણ નથી.

યુક્રેનમાં ટીચર આ રીતે ઓનલાઇન ભણાવે ત્યાં સાયરન વાગે...
યુક્રેનમાં ટીચર આ રીતે ઓનલાઇન ભણાવે ત્યાં સાયરન વાગે...

જે વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત આવી ગયા છે તેમનું ભવિષ્ય શું?
યુક્રેનમાં મેડિકલના સંખ્યાબંધ સ્ટુડન્ટ્સ ફસાયા હતા અને મોટા ભાગના સ્ટુડન્ટ્સ ભારત પરત ફર્યા છે. પણ હવે સવાલ એ છે કે યુક્રેનથી ભારત આવી ગયેલા સ્ટુડન્ટ્સનું ભવિષ્ય શું ? કોઈ મેડિકલના સેકન્ડ યરમાં હતા તો કોઈ ફોર્થ યરમાં હતા. ફરી યુક્રેન જઈ શકાય એવી સ્થિતિ શક્ય નથી. તો હવે શું કરી શકાય ? નેશનલ મેડિકલ કમિશનનો નિયમ એવો છે કે વિદેશની કોઈપણ યુનિવર્સિટીમાંથી ભારતમાં એડમિશન ટ્રાન્સફર થઈ શકે નહીં. બીજી વાત, યુક્રેનમાં MBBS કરવું હોય તો 6 વર્ષનો કોર્સ છે અને બે વર્ષ ઈન્ટર્નશિપ કરવી પડે, એટલે 8 વર્ષ થાય. નિયમ એવો છે કે MBBSના સ્ટુડન્ટ્સે કોર્સ શરૂ કર્યાના દસ વર્ષમાં પ્રેક્ટિસ માટે અપ્લાય કરી દેવું પડે. જો દસ વર્ષમાં પ્રેક્ટિસ માટે અપ્લાય ન થાય તો MBBSની ડીગ્રી આપોઆપ રદ થયેલી ગણાય.
ભારતમાં FMG ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ માટે કોઈ એવી વ્યવસ્થા નથી કે આ સ્ટુડન્ટ્સ કોર્સ અહીં પૂરો કરી શકે. સિવાય કે આવા સ્ટુડન્ટ્સ માટે કોઈ નિયમ બનાવાય તો વાત જુદી છે, એટલે યુક્રેનથી ભારત આવેલા મેડિકલ સ્ટુડન્ટ્સનું ભવિષ્ય ધૂંધળું છે અને તેમના ડોક્ટર બનવાનાં સપનાં પણ ચકનાચૂર થઈ જાય તેમ છે. ભારતને સારા ડોક્ટર્સની જરૂર છે ત્યારે ભારત સરકારે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.
જૂનાગઢના યુક્રેન રિટર્ન સ્ટુડન્ટ અંકિલ ગજેરાએ કહ્યું હતું કે મારે એમબીબીએસનું પાંચમું વર્ષ છે. અત્યારે જો અમે યુક્રેનમાં હોત તો પ્રેક્ટિકલ પ્રેક્ટિસ ચાલતી હોત,. પણ અત્યારે ઓનલાઈન એજ્યુકેશન ચાલે છે. ગુજરાતમાં અમને પ્રેકિટલ પ્રેક્ટિસ કરવાની છૂટ મળવી જોઈએ.

પશ્ચિમ બંગાળ સરકારે સ્ટુડન્ટનો માર્ગ મોકળો કર્યો
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાંચ દિવસ પહેલાં જ એવી જાહેરાત કરી કે બંગાળે યુક્રેનથી પરત ફરેલા નાગરિકો માટે વિશેષ જોગવાઈઓ કરી છે, કારણ કે કેન્દ્ર સરકાર આ વિદ્યાર્થીઓ પ્રત્યે ઉદાસીન રહે છે. યુક્રેનમાંથી બચાવેલા પશ્ચિમ બંગાળના તમામ 422 વિદ્યાર્થી અને ત્રણ કામદારોને દત્તક લેવાનો દાવો કર્યો છે. એક સત્તાવાર નિવેદનમાં રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે કુલ પરત ફરનારાઓમાં 412 મેડિકલ વિદ્યાર્થી હતા, જેમાં 409 એમબીબીએસ અને ત્રણ ડેન્ટલ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વધુમાં, છ એન્જિનિયરિંગ, એક વેટરિનરી વિદ્યાર્થી અને ત્રણ કામદારોને પણ દત્તક લઈ આગળનો અભ્યાસ કરાવાશે અને રોજગારી અપાશે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે “અમે તેમાંથી મોટા ભાગનાને અમારી ખાનગી અને સરકારી મેડિકલ/એન્જિનિયરિંગ કોલેજોમાં સમાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. અમે તેમને માનવીય ધોરણે સમાવી લીધા છે. તમામ છ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને JIS જૂથ હેઠળ ખાનગી એન્જિનિયરિંગ કોલેજોમાં બેઠકો ઓફર કરવામાં આવી છે, એમાંથી બે પહેલેથી જ તેમની કોલેજોમાં જોડાઈ ચૂક્યા છે અને અન્ય જોડાવાની પ્રક્રિયામાં છે.

એક વિદ્યાર્થી કે જેણે તેનો અભ્યાસ પૂર્ણ કર્યો છે તેને કોલકાતાની સરકારી ડેન્ટલ કોલેજમાં તેની ઇન્ટર્નશિપને આગળ ધપાવવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે બાકીના બે વિદ્યાર્થી તેમના તબીબી શિક્ષણના બીજા વર્ષમાં છે, તેમને સરકારી ડેન્ટલ કોલેજોમાં નિરીક્ષક અને પ્રેક્ટિકલ વર્ગો ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. વેટરિનરી વિદ્યાર્થીને આગામી સત્રથી WB યુનિવર્સિટી ઓફ એનિમલ એન્ડ ફિશરીઝ સાયન્સમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. 23 જેટલા મેડિકલ સ્ટુડન્ટ છઠ્ઠા વર્ષમાં છે અને તેમને સરકારી મેડિકલ કોલેજોમાં ઇન્ટર્નશિપ કરવાની મંજૂરી આપવામાં આવશે. તેમને તેમના પાંચમા અને ચોથા વર્ષમાં અલગ-અલગ મેડિકલ કોલેજોમાં ‘ઓબ્ઝર્વિંગ સીટ’માંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. દરેક રાજ્ય-આધારિત કોલેજમાં લગભગ 15-20 વિદ્યાર્થી ફાળવવામાં આવશે.

કર્ણાટક સરકારે યુક્રેનના મેડિકલ વિદ્યાર્થીઓને 60 કોલેજમાં એડમિશન આપ્યું
કર્ણાટકના આરોગ્ય અને તબીબી શિક્ષણમંત્રી કે.સુધાકરે થોડા દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે વિદ્યાર્થીઓને સત્તાવાર રીતે કોલેજોમાં સમાવી લેવામાં આવશે અને વિદ્યાર્થીઓ પાસેથી કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં. રાજ્ય સરકાર યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી રાજ્યમાં પરત ફરેલા 700 મેડિકલ વિદ્યાર્થીઓને કર્ણાટકની 60 મેડિકલ કોલેજમાં તેમનું શિક્ષણ ચાલુ રાખવામાં મદદ કરશે. જોકે મંત્રીએ સ્પષ્ટતા પણ કરી હતી કે વિદ્યાર્થીઓને સત્તાવાર રીતે કોલેજોમાં સમાવી લેવામાં આવશે નહીં, પણ સ્ટુડન્ટનું ભવિષ્ય બગડે નહીં એ રીતે અભ્યાસ પૂર્ણ કરવાની તક આપવામાં આવશે.

સ્ટુડન્ટ્સ હવે યુક્રેન જઈ શકે એવી સ્થિતિ નથી : AICTE
AICTE (ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેક્નિકલ)એ તમામ ટેક્નિકલ સંસ્થાઓના વડાઓને પત્ર લખ્યો છે કે આ વિદ્યાર્થીઓ ઊંડી નિરાશામાં છે, કારણ કે યુદ્ધગ્રસ્ત દેશમાં તેમનું શૈક્ષણિક ભાવિ અનિશ્ચિત છે, માટે યુક્રેનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓને ઉપલબ્ધ ખાલી બેઠકો પર યોગ્ય સ્તરે પ્રવેશ આપવો જોઈએ. પત્રમાં ટેક્નિકલ એજ્યુકેશન રેગ્યુલેટરે જણાવ્યું હતું કે "લગભગ 20,000 ભારતીય વિદ્યાર્થી યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી દેશમાં પાછા ફર્યા છે, જ્યાં તેઓ યુક્રેનની વિવિધ યુનિવર્સિટીઓમાં મેડિકલ અને એન્જિનિયરિંગના અભ્યાસક્રમો કરી રહ્યા હતા" AICTEએ જણાવ્યું હતું કે સંસ્થાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સંબંધિત વર્ષોમાં ઉપલબ્ધ ખાલી બેઠકો સામે આવા કેસો પર વિચાર કરે અને તેમને યોગ્ય સ્તરે પ્રવેશ આપે, જેથી કરીને યુક્રેનથી પાછા આવેલા વિદ્યાર્થીઓ ભારતમાં તેમનો અભ્યાસ ચાલુ રાખી શકે.

અન્ય સમાચારો પણ છે...