અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક વિભાગોમાં ગેરરીતિઓ ચાલે છે જેને લઇ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ધ્યાન નથી આપતા જેના પગલે હવે ખુદ કમિશનરના એમ. થેન્નારસન વિવિધ જગ્યાએ રાઉન્ડ પર નીકળે છે. આજે એમ. થેન્નારસન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર પહોંચી ગયા હતા. જ્યાં નિયમ પ્રમાણે જેટલા માણસો કામ કરતા હોવા જોઈએ તેના કરતાં ઓછા માણસો કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે શહેરના તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર તપાસ કરવાના તેઓ આદેશ કર્યા હતા જેના પગલે તપાસ કરતા 36 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર માણસો ઓછા હાજર હોવાનું સામે આવ્યું હતું. જેથી કમિશનરે આ જગ્યાના કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી કરવા માટેની સૂચના આપી દીધી છે.
ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર વિજિલન્સની ટીમ તપાસ માટે પહોંચી
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન આજે રાઉન્ડ પર નિકળ્યા હતા. પશ્ચિમ વિસ્તારમાં હેલમેટ જંકશન પાસે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર પહોંચી ગયા હતા અને ત્યાં કોન્ટ્રાક્ટરને કેટલા માણસો હાજર છે તે અંગેની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ત્યાં માત્ર એક જ માણસ હાજર હોવાનું જણાયું હતું. આમ, કોન્ટ્રાક્ટની શરતો અનુસાર માણસો હાજર ન હોવાનું જણાતા કમિશનરે તાત્કાલિક વિજિલન્સ વિભાગને શહેરમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં જઈને કેટલા માણસો હાજર છે તેની ચકાસણી કરવા માટે સુચના આપી હતી. અમદાવાદ શહેરમાં આવેલા કુલ 245 જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પૈકી શનિવારના રોજ 36 જેટલા ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર વિજિલન્સની ટીમ તપાસ માટે પહોંચી હતી. ટીમ દ્વારા તપાસ કરતા તમામ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર ટેન્ડરની શરતો પ્રમાણેના માણસો હાજર ન હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી આ અંગેનો રિપોર્ટ મ્યુનિ. કમિશરને કરવામાં આવતા તેમણે તાત્કાલીક કોન્ટ્રાક્ટરોને મોટી પેનલ્ટી કરવા માટે સુચના આપી હતી.
વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર કર્મચારીઓની ઓછી હાજરી
સૂત્રો મુજબ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર માના અને એક્વા એમ બે કોન્ટ્રાક્ટરોના છે અને વિજિલન્સ દ્વારા આ બે કોન્ટ્રાક્ટરોના ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં જ તપાસ કરી હતી અને ત્યાં ગેરરિતી હોવાનું જણાઈ આવતા તેમને ભારે પેનલ્ટી કરવામાં આવનાર છે. જોકે, તેમને કેટલી પેનલ્ટી કરવી તે અંગે કમિશનરે સૂચના આપી દીધી છે અને તેઓને મોટી પેનલ્ટી ફટકારવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર કર્મચારીઓની ઓછી હાજરીની ગેરરિતી ધ્યાને આવતા કમિશનર હવે બીજા વિકલ્પની વિચારણા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. જેમાં શહેરમાં કરોડોના ખર્ચે સ્કાડા નેટવર્ક સિસ્ટમ નાંખવામાં આવેલી છે તેનો ઉપયોગ કરવામાં આવે તો પમ્પ જાતે જ ચાલુ અને બંધ કરી શકાય તેમ છે. જેથી વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર કર્મચારીઓના કામગીરી આપવાના બદલે સ્કાડા સિસ્ટમથી જ કામગીરી કરવામાં આવે તે વધુ હિતાવહ જણાતા કમિશનર દ્વારા ડિપાર્ટમેન્ટને સુચના આપી છે કે સ્કાડા સિસ્ટમ શરૂ કરવા માટે કવાયત કરવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.