એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’, આટલું બોલતાં સોમાભાઈ મોદી રડી પડ્યા

વડનગરએક વર્ષ પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
નરેન્દ્રભાઈએ વડનગરના વિકાસનો સંકલ્પ સાકાર કર્યો છે: સોમાભાઈ મોદી - Divya Bhaskar
નરેન્દ્રભાઈએ વડનગરના વિકાસનો સંકલ્પ સાકાર કર્યો છે: સોમાભાઈ મોદી

અમને ખબર તો હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ વડનગરમાં વડીલોની સેવા અર્થે એક વૃદ્ધાશ્રમ ચલાવે છે. આ વૃદ્ધાશ્રમની અમે મુલાકાત લીધી તો જોયું કે વડા પ્રધાનના મોટા ભાઈ હોવા છતાં સોમાભાઈ એક નાનકડા રૂમમાં એક સાદા પલંગ પર બેઠા હતા અને બાજુમાં માત્ર 4 ખુરસી હતી. તેમની સાદગી ઊડીને આંખે વળગે તેવી હતી અને સમજાયું કે જરૂરિયાતોને ઓછી રાખીને પણ માનવી કેટલી મોજથી રહી શકે છે. સોમાભાઈને પરિચય આપ્યો એટલે તેમણે વડીલ જેવા પ્રેમભાવથી અમને આવકાર્યા અને અમારા માટે ચા મંગાવી. તેમની સાથેની વાતચીતમાં સ્વાભાવિક નરેન્દ્ર મોદીના સંસ્મરણો કેન્દ્ર સ્થાને રહ્યા અને તેમણે અમને કહ્યું કે નરેન્દ્ર મોદીને તેમના વતન અને જન્મભૂમિ પ્રત્યે કેટલો અનહદ પ્રેમ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે પ્રસ્તુત છે તેમના મોટા ભાઈ સોમાભાઈની DivyaBhaskar સાથે તેમના વતન વડનગરમાં થયેલી એક્સક્લુઝિવ વાતચીત...

નરેન્દ્રભાઈનો વતન પ્રેમ એવો કે ભાઈના પરિવારજનો કરતાં વતનની ધરોહર એવા કીર્તિ તોરણની ચિંતા કરતા હતા.
નરેન્દ્રભાઈનો વતન પ્રેમ એવો કે ભાઈના પરિવારજનો કરતાં વતનની ધરોહર એવા કીર્તિ તોરણની ચિંતા કરતા હતા.

ભૂકંપ પછી નરેન્દ્રભાઈ સાથે વાત થઈ તો તેમણે સીધું ‘તોરણ’નું પૂછ્યું
26 જાન્યુઆરી, 2001ના રોજ ગુજરાતમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. ગામોનાં ગામો ખતમ થઈ ગયાં હતાં. તે સમયે મારો પરિવાર અલગ-અલગ જગ્યાએ હતો. હું વડનગરમાં રહેતો હતો તેથી પરિવારની ચિંતા થતાં મેં મારા દીકરાઓ અને પુત્રવધૂઓ સાથે સંપર્ક કરવાની કોશિશ કરી હતી. પરંતુ સંપર્ક થઈ ન શકતા અંતે મેં નરેન્દ્રભાઈને ફોન કર્યો. મેં તેમને કહ્યું કે, અત્યારે ગુજરાતમાં ભયાનક ભૂકંપ આવ્યો છે અને પરિવારમાંથી કોઈનો કોઈ સંપર્ક થઈ શકતો નથી. આટલું બોલતાં તો નરેન્દ્રભાઈ બોલ્યા કે, વડનગરનું તોરણ તો સલામત છે ને? આ તોરણ એટલે વડનગરનું સુપ્રસિદ્ધ કીર્તિ તોરણ.. એમનો કહેવાનો અર્થ એ હતો કે મારા વતન વડનગરના કીર્તિ તોરણને તો ભૂકંપમાં કોઇ અસર થઇ નથી ને? આવો છે નરેન્દ્રભાઈનો વતન પ્રેમ કે જેમાં ભાઈના પરિવારજનો કરતાં વતનની ધરોહર એવા કીર્તિ તોરણની ચિંતા કરતા હતા.

વડનગરના રસ્તા પહેલાં ધૂળિયા હતા જે આજે પાકી સડકમાં તબદિલ થઈ ગયા છે.
વડનગરના રસ્તા પહેલાં ધૂળિયા હતા જે આજે પાકી સડકમાં તબદિલ થઈ ગયા છે.

વડનગર પ્રત્યે નરેન્દ્ર મોદીના પ્રેમની વાત કરતાં મોટા ભાઈ રડી પડ્યા
નરેન્દ્ર મોદીનો આજે પણ તેમની જન્મભૂમિ વડનગર પ્રત્યેનો પ્રેમ અકબંધ છે, એમ કહેતા વડનગરના વિકાસ માટે નરેન્દ્ર મોદીએ કરેલા કામોની વાત કરતા તેમના મોટા ભાઈ સોમાભાઈની આંખોમાં ઝળઝળિયા આવી ગયા હતા. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્રભાઈએ વડનગરના વિકાસનો સંકલ્પ સાકાર કર્યો છે. શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે પણ વડનગર અગ્રિમ હરોળમાં આવી ગયું છે. વડનગરના રસ્તા પહેલા ધૂળિયા હતા જે આજે પાકી સડકમાં તબદિલ થઈ ગયા છે. અહીં વાર્ષિક મહોત્સવો રોજગારનું મોટું સ્ત્રોત બન્યા છે.

નરેન્દ્રભાઈએ કરેલા વિકાસને લીધે વડનગરના લોકો સમૃદ્ધ થયા
સામાન્ય રીતે નરેન્દ્ર મોદીના પરિવારજનો મીડિયાથી દૂર જ રહે છે. તેમના મોટા ભાઈ સોમાભાઈ પણ આમાં બાકાત નથી. જો કે, DivyaBhaskarની ટીમ સાથે તેમણે દિલ ખોલીને વાતચીત કરી હતી અને કેટલીક રસપ્રદ બાબતો જણાવી હતી. વડનગર પ્રત્યે નરેન્દ્ર મોદીના વતનપ્રેમ અને તેના વિકાસની ખેવના અંગેની વાત કરતા સોમાભાઈએ અમને કહ્યું કે, વડનગરના વિકાસને કારણે વડનગરવાસીઓને આર્થિક સ્થિતિ પણ મજબૂત બની છે. શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે પણ વડનગર અગ્રિમ હરોળમાં આવી ગયું છે. પહેલા વડનગરના સામાન્ય લોકોની આવક મહિને 7-8 હજારની હતી તે રોજગારની તકો વધતાં આજે સરેરાશ 15-20 હજારે પહોંચી ગઈ છે.

(ફોટો અને વિડિયો- કિશન પ્રજાપતિ)

અન્ય સમાચારો પણ છે...